મહાજ્ઞાની અને યોગી ડોક્ટર વર્તક

મહાજ્ઞાની અને યોગી ડોક્ટર વર્તક

પૃથ્વી પરનો માણસ ચંદ્ર પર ગયો છે, પણ હજુ સુધી કોઈ પણ માણસ મંગળ કે ગુરુના ગ્રહ પર ગયો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે પૂનાના એક ડોક્ટર સમાધિ અવસ્થામાં પોતાના વિજ્ઞાનમય કોષ દ્વારા ૧૯૭૫માં મંગળ તથા ગુરુના ગ્રહ પર ભ્રમણ કરી આવ્યા છે. એ ડોક્ટરનું નામ છે ડો. પદ્માકર વિષ્ણુ વર્તક.

એક ભણેલાગણેલા વિદ્વાન ડોક્ટર જયારે મંગળ અને ગુરુના ગ્રહ પર જઈ આવ્યાની વાત કરે, ત્યારે તેમના વિષે જાણવાનું મન જરૂર થાય. આ ડોક્ટર અને તેમણે મેળવેલી સિદ્ધિઓ વિષે અહીં વાત કરું.

ડોક્ટર પદ્માકરનો જન્મ ઈ.સ. ૧૯૩૩માં પૂનામાં થયો હતો. તેઓ MBBS ડોક્ટર હતા. પૂનામાં તેમની હોસ્પિટલ હતી. તેઓએ સાહિત્યમાં Ph Dની ડીગ્રી મેળવી હતી. તેઓ સ્વભાવે નમ્ર હતા. તેઓ ૨૦૧૯માં ગુજરી ગયા.

તેઓ ઋષિ જેવા સાધક હતા. તેમણે ઘણું આધ્યાત્મિક અને વૈદિક સંશોધન કરેલું. તેમણે ‘અધ્યાત્મ સંશોધન મંદિર’ અને ‘વેદવિજ્ઞાન મંડળ’ની સ્થાપના કરેલી છે. પોતાના પૂના ખાતેના ‘વર્તક’ આશ્રમમાં તેઓ દર રવિવારે ધ્યાન-સાધનાના વર્ગો ચલાવતા હતા. તેમણે પુનર્જન્મ પર ઘણું સંશોધન કર્યું છે.

તેમને દિવ્ય દ્રષ્ટિનું વરદાન હતું. તેમની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે સમાધિ અવસ્થામાં તેઓ પોતાના વિજ્ઞાનમય કોષ દ્વારા મંગળ તથા ગુરુ ગ્રહ પર ભ્રમણ કરી આવ્યા હતા. અને એ ગ્રહો પરનું વાતાવરણ તથા અન્ય માહિતી તેમણે ૧૯૭૭માં પ્રસિદ્ધ કરી હતી અને અમેરિકાની ‘નાસા’ સંસ્થાને મોકલી હતી. ત્યાર બાદ નાસાએ મંગળ અને ગુરુ ગ્રહ પર મોકલેલાં અવકાશયાનોએ જે માહિતી એકઠી કરી તેની સાથે ડો. વર્તકની માહિતી સરખાવવામાં આવી તો, ડોક્ટર સાહેબના ૨૧માંથી ૨૦ મુદ્દા મળતા આવ્યા. આપણા દેશના ડોકટરે આ કામ કર્યું તે આપણા માટે ગૌરવની વાત છે. તેમણે ખગોળશાસ્ત્રીય ગણિત પરથી ભગવાન રામની જન્મતારીખ, લગ્નતારીખ, રાજ્યાભિષેક, વનવાસ એવું ઘણું બધું પુરાવાઓ સાથે શોધી કાઢ્યું છે. અને ‘વાસ્તવ રામાયણ’ નામના પોતે લખેલા પુસ્તકમાં એ બધું લખ્યું છે. કોઈ પણ વિદ્વાન આજ સુધી તેમના પુરાવાઓનું ખંડન કરી શક્યા નથી. તેમણે ઉપનિષદ, પાતંજલ યોગ, પુનર્જન્મ, શ્રીકૃષ્ણ, દ્રૌપદી, ભીમ વગેરે પુસ્તકો લખ્યાં છે. તેમની શોધ અનુસાર, મહાભારતનું યુદ્ધ ઈ.સ. પૂર્વે ૫૫૬૧માં લડાયું હતું.

ડો. વર્તકે પુનર્જન્મનો સિધ્ધાંત સાચો સાબિત કર્યો છે. તેઓએ એક જગાએ કહ્યું છે કે ‘આપણી સંસ્કૃતિમાં પુનર્જન્મનો સિધ્ધાંત અગત્યનો છે. ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે કર્મના સિધ્ધાંત અનુસાર, દરેકને કર્મફળો ભોગવવાં પડે છે. ઋગ્વેદનો સમય આશરે ૨૫૦૦૦ વર્ષ પૂર્વેનો મનાય છે. સંશોધન કરતાં, મારી પાસે એટલા બધા પુરાવાઓ અને માહિતી એકઠી થઇ કે પુનર્જન્મ એ સો ટકા સાચો અને વૈજ્ઞાનિક સિધ્ધાંત છે, એવી મને ખાતરી થઇ. આ સંશોધનમાં મારી ધ્યાનસાધના અને સમાધિ અવસ્થા તથા દિવ્ય દ્રષ્ટિના વરદાનનો પણ ઉપયોગ થયો.’

તેમણે શોધેલી માહિતી અનુસાર, મહાભારતના પાંડવ ભીમે સંત જ્ઞાનેશ્વર અને પછી વીર સાવરકર તરીકે પુનર્જન્મ લીધો હતો. પાંડવો તેમના પૂર્વજન્મમાં ઇન્દ્રો હતા, અને દ્રૌપદી સાક્ષાત લક્ષ્મી હતાં. કોઈક કારણસર તેઓને મૃત્યુ લોકમાં આવવું પડ્યું અને પાંડવો તથા દ્રૌપદી તરીકે જન્મ લેવો પડ્યો. સમાધિ અવસ્થામાં કોઈ પણ માનવીનો પૂર્વ જન્મ જોઈ શકાય છે. એના ઘણા પૂરાવા એમણે એમના ‘પુનર્જન્મ’ નામના પુસ્તકમાં આપ્યા છે.

ડોક્ટર પદ્માકરે આવી તો ઘણી જ બાબતો શોધીને પ્રસિદ્ધ કરી છે. તમને વધુ જાણવામાં રસ પડે તો Google પર જઈ તેમના વિષે વધુ જાણવાનો પ્રયત્ન કરજો. મજા આવશે. ડો. વર્તકનો ફોટો અહીં મૂક્યો છે.

૨૪ કલાક માટેનો નિયમ

૨૪ કલાક માટેનો નિયમ

એક વાર હું એક સંબંધીને ત્યાં એક દિવસ રહેવા માટે ગયો. ખાવાપીવામાં અને વાતોમાં આખો દિવસ સરસ રીતે પૂરો થઇ ગયો. સવારે જમવામાં ભવ્ય ગુજરાતી થાળી અને સાંજના પાઉં ભાજી, ખાવાની મજા આવી ગઈ. મારા એ સંબંધી વૈષ્ણવ હતા, તેઓ ડુંગળી-લસણ ના ખાય. પાઉં ભાજીમાં તો ડુંગળી-લસણ આવે જ. એના વગર મજા ના આવે. પણ એ દિવસે મારા એ સંબંધીએ ડુંગળી-લસણવાળા પાઉં ભાજી ખાઈ લીધા. મને યાદ આવ્યું કે તેઓ ડુંગળી-લસણ તો ખાતા નથી, તો આજે કેમ ખાઈ લીધું હશે? એટલે મેં તો તેમને પૂછ્યું, ‘તમે આજે ડુંગળી-લસણવાળા પાઉં ભાજી ખાધાં?’

તેમણે કહ્યું, ‘હા, આજે મેં ડુંગળી-લસણવાળા પાઉં ભાજી ખાધાં.’

મેં કહ્યું, ‘તમે ડુંગળી-લસણ તો ખાતા નથી. તો આજે કેમ ખાધાં?’

તેમણે જવાબ આપ્યો, ‘મેં આજે ૨૪ કલાક પૂરતું નિયમમાં છૂટછાટ રાખી. મેં નક્કી કરેલું કે આજનો દિવસ હું બધાની સાથે ડુંગળી-લસણ ખાઈ લઈશ.’

મને આ વાત ગમી. કોઈ નિયમમાં ૨૪ કલાક પૂરતી છૂટ લઇ શકાય. અથવા કોઈ નિયમ ૨૪ કલાક પૂરતો પણ લઇ શકાય.

આપણે જીંદગીમાં ઘણી વાર કોઈ નિયમ કે બાધા લેતા હોઈએ છીએ. જેમ કે, ‘હું છ મહિના સુધી મીઠાઈ નહિ ખાઉં’, ‘હું રોજ સવારે પાંચ વાગે ઉઠીશ’, ‘હું હવે સિગારેટ નહિ પીવું’, ‘હું રોજ ૨ કિમી ચાલીશ’ વગેરે. આપણે આવો કોઈ નિયમ તો લઇ લઈએ, પણ પછી તેને લાંબા સમય સુધી પાળવો અઘરો લાગે છે. અને ના ગમે તો ય બળજબરીથી એ નિયમ પાળતા રહીએ છીએ.

એને બદલે, આવો કોઈ નિયમ લાંબા ટાઈમ માટે લેવાને બદલે, એક દિવસ પૂરતો જ એટલે કે ૨૪ કલાક માટે જ લઈએ. જેમ કે (૧) આજે હું એક ટાઈમ જમીશ (૨) આજે હું કોઈના પર ગુસ્સો નહિ કરું (૩) આજે હું ખુશ રહીશ અને બધાને ખુશ રાખીશ (૪) આજે હું ચોકલેટ અને કેક નહિ ખાઉં (૫) હું આજનો દિવસ ભાત નહિ ખાઉં વગેરે.

આમ જો ૨૪ કલાક પૂરતો જ નિયમ લેશો તો એને પાળવાનું બહુ સહેલું છે. ધારો કે આજે હું ભાત નહિ ખાઉં, પણ આવતી કાલે તો ખાવા મળશે જ ને. એટલે આજ પૂરતું એનો અમલ કરવાનું અઘરું નહિ લાગે. વળી, આવો નિયમ કાયમ માટેનો નહિ હોવાથી, મન પર તેના અમલનો ભાર નહિ રહે. તમે હળવા જ રહેશો.

વળી, એક દિવસ પૂરતો તો તમે નિયમ પાળો જ છે, એટલે એનો લાભ તો થશે જ. જેમ કે ‘આજે હું મીઠાઈ નહિ ખાઉં’ એવું નક્કી કર્યું હોય તો આજના દિવસ પૂરતું તો તમે ગળ્યું નથી ખાતા, તેનો લાભ તો શરીરને મળશે જ. વળી, બીજે દિવસે એમ લાગે કે ‘હજુ વધુ એક દિવસ મીઠાઈ નથી ખાવી’ તો આ નિયમ વધુ એક દિવસ લંબાવી શકાય. એમ કરીને કદાચ વધુ દિવસો સુધી પણ નિયમ લંબાવી શકાય. પણ જો પહેલેથી વધુ દિવસો માટે નિયમ લઈશું, તો પાળવાનું અઘરું લાગશે.

ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ નિયમ કે બાધા લો તો તે એક દિવસ પૂરતી એટલે કે ૨૪ કલાક પૂરતી લો, તો વધુ સગવડભર્યું રહેશે અને નિયમનું પાલન પણ થશે.

બોલો, આ વાત તમને ગમી કે નહિ?