૨૪ કલાક માટેનો નિયમ
એક વાર હું એક સંબંધીને ત્યાં એક દિવસ રહેવા માટે ગયો. ખાવાપીવામાં અને વાતોમાં આખો દિવસ સરસ રીતે પૂરો થઇ ગયો. સવારે જમવામાં ભવ્ય ગુજરાતી થાળી અને સાંજના પાઉં ભાજી, ખાવાની મજા આવી ગઈ. મારા એ સંબંધી વૈષ્ણવ હતા, તેઓ ડુંગળી-લસણ ના ખાય. પાઉં ભાજીમાં તો ડુંગળી-લસણ આવે જ. એના વગર મજા ના આવે. પણ એ દિવસે મારા એ સંબંધીએ ડુંગળી-લસણવાળા પાઉં ભાજી ખાઈ લીધા. મને યાદ આવ્યું કે તેઓ ડુંગળી-લસણ તો ખાતા નથી, તો આજે કેમ ખાઈ લીધું હશે? એટલે મેં તો તેમને પૂછ્યું, ‘તમે આજે ડુંગળી-લસણવાળા પાઉં ભાજી ખાધાં?’
તેમણે કહ્યું, ‘હા, આજે મેં ડુંગળી-લસણવાળા પાઉં ભાજી ખાધાં.’
મેં કહ્યું, ‘તમે ડુંગળી-લસણ તો ખાતા નથી. તો આજે કેમ ખાધાં?’
તેમણે જવાબ આપ્યો, ‘મેં આજે ૨૪ કલાક પૂરતું નિયમમાં છૂટછાટ રાખી. મેં નક્કી કરેલું કે આજનો દિવસ હું બધાની સાથે ડુંગળી-લસણ ખાઈ લઈશ.’
મને આ વાત ગમી. કોઈ નિયમમાં ૨૪ કલાક પૂરતી છૂટ લઇ શકાય. અથવા કોઈ નિયમ ૨૪ કલાક પૂરતો પણ લઇ શકાય.
આપણે જીંદગીમાં ઘણી વાર કોઈ નિયમ કે બાધા લેતા હોઈએ છીએ. જેમ કે, ‘હું છ મહિના સુધી મીઠાઈ નહિ ખાઉં’, ‘હું રોજ સવારે પાંચ વાગે ઉઠીશ’, ‘હું હવે સિગારેટ નહિ પીવું’, ‘હું રોજ ૨ કિમી ચાલીશ’ વગેરે. આપણે આવો કોઈ નિયમ તો લઇ લઈએ, પણ પછી તેને લાંબા સમય સુધી પાળવો અઘરો લાગે છે. અને ના ગમે તો ય બળજબરીથી એ નિયમ પાળતા રહીએ છીએ.
એને બદલે, આવો કોઈ નિયમ લાંબા ટાઈમ માટે લેવાને બદલે, એક દિવસ પૂરતો જ એટલે કે ૨૪ કલાક માટે જ લઈએ. જેમ કે (૧) આજે હું એક ટાઈમ જમીશ (૨) આજે હું કોઈના પર ગુસ્સો નહિ કરું (૩) આજે હું ખુશ રહીશ અને બધાને ખુશ રાખીશ (૪) આજે હું ચોકલેટ અને કેક નહિ ખાઉં (૫) હું આજનો દિવસ ભાત નહિ ખાઉં વગેરે.
આમ જો ૨૪ કલાક પૂરતો જ નિયમ લેશો તો એને પાળવાનું બહુ સહેલું છે. ધારો કે આજે હું ભાત નહિ ખાઉં, પણ આવતી કાલે તો ખાવા મળશે જ ને. એટલે આજ પૂરતું એનો અમલ કરવાનું અઘરું નહિ લાગે. વળી, આવો નિયમ કાયમ માટેનો નહિ હોવાથી, મન પર તેના અમલનો ભાર નહિ રહે. તમે હળવા જ રહેશો.
વળી, એક દિવસ પૂરતો તો તમે નિયમ પાળો જ છે, એટલે એનો લાભ તો થશે જ. જેમ કે ‘આજે હું મીઠાઈ નહિ ખાઉં’ એવું નક્કી કર્યું હોય તો આજના દિવસ પૂરતું તો તમે ગળ્યું નથી ખાતા, તેનો લાભ તો શરીરને મળશે જ. વળી, બીજે દિવસે એમ લાગે કે ‘હજુ વધુ એક દિવસ મીઠાઈ નથી ખાવી’ તો આ નિયમ વધુ એક દિવસ લંબાવી શકાય. એમ કરીને કદાચ વધુ દિવસો સુધી પણ નિયમ લંબાવી શકાય. પણ જો પહેલેથી વધુ દિવસો માટે નિયમ લઈશું, તો પાળવાનું અઘરું લાગશે.
ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ નિયમ કે બાધા લો તો તે એક દિવસ પૂરતી એટલે કે ૨૪ કલાક પૂરતી લો, તો વધુ સગવડભર્યું રહેશે અને નિયમનું પાલન પણ થશે.
બોલો, આ વાત તમને ગમી કે નહિ?