પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ

                                                પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ

આપણે અવારનવાર વાંચીએ છીએ કે આપણે ત્યાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઇ રહ્યું છે. આ બાબતની  આપણે જરા વિગતે વાત કરીએ.

ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, અમેરીકા વગેરે દેશો, આપણા ભારતથી પશ્ચિમ દિશામાં આવેલા છે. આ દેશો વધુ વિકાસ પામેલા છે, આપણા દેશના લોકો, એ પશ્ચિમી દેશોની ફેશન, પહેરવેશ, ખાણીપીણી વગેરેનું અનુકરણ કરી રહ્યા છે. અમુક બાબતોમાં આ અનુકરણ ખોટું છે. થોડાંક ઉદાહરણો સાથે વાત કરીએ.

ઇંગ્લેન્ડ જેવા પશ્ચિમી દેશોમાં ઠંડી પુષ્કળ પડે છે. એટલે ઠંડીથી રક્ષણ માટે એ લોકો કોટ, પેન્ટ અને ટાઈ પહેરે એ બરાબર છે. પણ  ભારત જેવા ગરમ દેશ માટે લેંઘો અને ઝભ્ભો એકદમ અનુકૂળ પોષાક છે. આમ છતાં, આપણા લોકો કોટ, પેન્ટ અને ટાઈ પહેરીને પોતાને આધુનિક અને આગળ વધેલા ગણાવે એ બિલકુલ ખોટું છે.

આપણે જો આધ્યાત્મિક રીતે આગળ હોઈએ, દેશના બધા લોકોને સમૃદ્ધ બનાવી શક્યા હોઈએ, વિકસેલા દેશો જેવી આધુનિક સગવડો ભોગવવા શક્તિમાન બન્યા હોઈએ, એ દેશો જેવી ચોખ્ખાઈ રાખી શક્યા હોઈએ અને દુનિયામાં પાવરફુલ દેશ તરીકેનું સ્થાન શોભાવતા હોઈએ તો જ આપણને આગળ વધેલા હોવાનો દેખાવ કરવાનો અધિકાર છે. બાકી તો એવો શો કરવાનો કોઈ અર્થ નથી. એ તો ફક્ત આંધળું અનુકરણ જ છે. એવું અનુકરણ આપણને નુકશાન જ કરે છે.

આપણી શાકાહારી ખાણીપીણી દાળભાત, રોટલી, શાક, રોટલો, ખીચડી, ભાખરી એ જ આપણો અનુકૂળ ખોરાક છે. અવારનવાર થેપલાં, ઢોકળાં જેવાં અનેક વ્યંજનો આપણે ખાઈએ છીએ. આ બધું જ બરાબર છે. પણ અત્યારે આજના યુવાનો પશ્ચિમી વાનગીઓ જેવી કે પાસ્તા, પીઝા, મેગી, નુડલ્સ, બર્ગર, સબ, બ્રેડ, ચીઝ, કસાડિયા, ઇટાલીયન, ચાઇનીઝ એવું બધું ખાતા થયા છે. આ વાનગીઓ બિલકુલ પોષક નથી, બલ્કે નુકશાન કરનારી છે. છતાં, આજની યુવા પેઢી આવું બધું ખાઈને પોતાને આધુનિક ગણાવે છે, અને દેશી વસ્તુઓ ખાનારાને જૂનવાણી ગણી તેમની ઠેકડી ઉડાવે છે. આ અધોગતિ ક્યાં જઈને અટકશે?

આજના યુવાનોને આપણી દિવાળી ઉજવવી ગમતી નથી. એમને નાતાલ અને વેલેન્ટાઇન ઉજવવાની વધુ ગમે છે. દિવાળી ઉજવો, આનંદ માણો, એકબીજાને મળો, એકબીજાની નજીક આવો, એકબીજાને સમજો – આ બધાથી આનંદ અને સ્નેહમાં વધારો થાય છે. નાતાલ અને વેલેન્ટાઇનને નાચગાન સાથે ઉજવવામાં કોઈ પ્રગતિ નથી. આપણા પરંપરાગત ઉત્સવો ઉજવવાનું આપણા યુવાનોને નથી ગમતું. ‘ગુડ મોર્નીંગ’ને બદલે ‘જય શ્રીરામ’ બોલવામાં યુવાનોને નાનમ લાગે છે. માતાપિતાનો અને ગુરુનો આદર કરવાની ટેવ ભૂલાતી ચાલી છે.

આપણી જૂની અને બિનખર્ચાળ રમતો જેવી કે ખો ખો, હુતુતુ, ગીલ્લી ડંડા વગેરે રમવાનું કોઈને નથી ગમતું, પણ ક્રિકેટ જેવી ખર્ચાળ રમત લોકોને વધુ ગમે છે.

રાત્રે મોડા સુધી જાગવું, જાગીને ય કોઈ અર્થ વગરની સીરીયલો, ક્રાઈમ સીરીયલો અને શોર્ટ ફિલ્મો જોવી, સવારે મોડા ઉઠવું, આ બધું આપણા યુવાનો પશ્ચિમના દેશોમાંથી જ શીખ્યા છે. સિગારેટ, દારૂ પીવાની ફેશન, ડ્રગનો નશો કરવાની આદત વગેરે પણ એ દેશોમાંથી જ આપણે ત્યાં આવ્યું છે. આપણા લોકોને શરબત અને છાશ પીવાને બદલે ડ્રીન્કસમાં વધુ મજા આવે છે.

આ બધું જ સમજણ વગરનું આંધળું અનુકરણ છે. આજના યુવાનોને આ બધામાંથી છૂટીને આપણી સારી બાબતો અપનાવવાનું શીખવાડવું જરૂરી બની ગયું છે. આ શિખવાડવાનું કામ ત્રણ જગાએ થઇ શકે. એક તો માબાપો નાનપણથી છોકરાંને સારી બાબતો શીખવાડે, બીજું, સ્કુલ અને કોલેજોમાં પણ આ બાબતનું શિક્ષણ અપાય અને ત્રીજું મંદિર અને ગુરુઓ દ્વારા પણ આ બાબતો શીખવાડી શકાય.

કચ્છની ઝુપડી

૨૦૦૮ના ડિસેમ્બરમાં, અમે કચ્છમાં કાળો ડુંગર જોવા ગયા હતા. ભુજથી તે ૯૦ કી.મી. દૂર છે. વચ્ચે ખાવડા, ધ્રોબાણા વગેરે ગામો આવે છે. ધ્રોબાણાની નજીકના ગામમાં અમે નળાકાર ઝુપડીઓમાં રહેતા લોકો જોયા. આવી ઝુપડીને ભૂંગા કહે છે. આવી એક ઝુપડી જોવા અમે ગાડી ઉભી રાખી. ઝુપડીવાળા ભાઈને મળ્યા, તેમણે અમને પ્રેમથી આવકાર્યા અને ઝુપડી બતાવવા તેઓ અમને ઝુપડીની અંદર લઇ ગયા. અંદર પાળી બનાવેલી હતી, તેના પર અમે બેઠા.સામાન બહુ જ વ્યવસ્થિત રીતે ગોઠવેલો હતો, અંદર તો એસી જેવી ઠંડક હતી. તેમણે અમને ચા પીવા માટે આગ્રહ કર્યો, પણ અમે નમ્રતાપૂર્વક ના પાડી. ગામડાના લોકોની મહેમાનગતિ કેટલી લાગણી સભર હોય છે, તે અમે પ્રત્યક્ષ જોયું. પછી અમે ઝુપડીની બહાર આવ્યા. આજુબાજુની નાનકડી છોકરીઓ માથે હેલ મુકીને નજીકના તળાવે પાણી ભરવા જતી હતી, તેઓ અહીં ઉભી રહી. અમારી સાથેની સ્ત્રીઓએ, તેમની પાસેથી ઘડો અને દેગડો લઈને, માથે અને કાખમાં મૂકી ફોટા પડાવ્યા. ત્યાં ભેગાં થયેલાં છોકરાંને અમે ચોકલેટો વહેંચી. આવી સ્મૃતિઓ કાયમ મન પર અંકિત થઇ જતી હોય છે. અહીં તેના થોડા ફોટા મૂક્યા છે.

1

2

3

102702664_10221205992232801_3442860256341006936_o

5

હાલોલથી પાવાગઢના રસ્તે

હાલોલથી પાવાગઢ જતાં, ધાબાડુંગરી પછી થોડુક આગળ જતાં ડાબા હાથે એક મિનારકી મસ્જીદ આવે છે. આ મસ્જીદને એક જ મિનારો છે. આ મસ્જીદ બહાદુર શાહે (૧૫૨૬-૩૬) બાંધી હતી. હજુ આગળ જતાં, હેલીકલ વાવ આવે છે. અહીં વાવમાં ઉતરવાનાં પગથિયાંથી બનતો આકાર સ્ક્રુ જેવો હોવાથી, તેને હેલીકલ વાવ કહે છે. આ વાવ ૧૬મી સદીમાં બનેલી છે. હેલીકલ વાવ પછી તરત જ, ચાંપાનેરમાં પેસવાના ગેટ આવે છે, આ ગેટ આગળ જ જમણી બાજુ સક્કરખાનની દરગાહ છે. આ દરગાહ આગળથી જંગલમાં પેસવાનો એક કાચો રસ્તો પડે છે. આ રસ્તે જતાં વચ્ચે એક તળાવ આવે છે, તે પાતાળ તળાવ તરીકે ઓળખાય છે. અંદર આગળ જતાં શંકર ભગવાનનું એક મંદિર આવે છે, તે ખૂણીયા મહાદેવ તરીકે જાણીતું છે. મંદિર સુધી પહોંચવાના રસ્તામાં નાની નદી પણ આવે છે. મંદિરમાં દર્શન કરવા ઘણા લોકો આવે છે. મંદિરની પાછળ એક નાનો અને એક મોટો બે ધોધ છે. મંદિરની નજીકથી ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. ખડકોમાં થઈને ધોધ તરફ જવાનું અઘરું છે. અમે હાલોલથી પાવાગઢના રસ્તે પસાર થયા છીએ, પણ આ જગાઓએ ગયા નથી.
અહીં મૂકેલી તસ્વીરો (૧) એક મિનાર કી મસ્જીદ (૨) (૩) અને (૪) હેલીકલ વાવ (૫) અને (૬) સક્કરખાનની દરગાહ (૭) દરગાહ આગળથી અંદર જવાનો રસ્તો (૮) અને (૯) અંદરનો કાચો રસ્તો (૧૦) પાતાળ તળાવ (૧૧) ખૂણીયા મહાદેવ (૧૨) ધોધ તરફ જવાનો રસ્તો (૧૩) પાવાગઢ ધોધ

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

વિરાસત વન

હાલોલથી પાવાગઢના ૭ કી.મી. રસ્તા પર ધાબાડુંગરીથી ૩ કી.મી. દૂર જેપુરા ગામ આગળ, વિરાસત વન નામની જગા છે. એના ફોટા અહીં મૂકું છું. ગુજરાત સરકારે આ વન ઉભું કર્યું છે. વનનું પ્રવેશદ્વાર આકર્ષક છે, બહારનો દેખાવ બહુ જ સરસ છે. પાર્કીંગ માટે પૂરતી જગા છે. બેત્રણ દુકાનો પણ લાગેલી છે. આ વનનું ૨૦૧૧માં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલું છે. ગેટમાં દાખલ થયા પછી, અંદર સહેજ આગળ, વિરાસત વનનો નકશો મૂકેલો છે. વિરાસત એટલે વારસો. આપણી જૂની સંસ્કૃતિ અને ઔષધિઓ વગેરેનાં વૃક્ષો અને છોડ અહીં ઉગાડ્યા છે. એમાં સાંસ્કૃતિક વન, આજીવિકા વન, આનંદ વન, આરોગ્ય વન, આરાધના વન, નિસર્ગ વન, અને જૈવિક વન જેવા વિભાગો છે. અંદરના રસ્તાઓ પર ફરીને આ બધા વિભાગો જોઈ શકાય છે. દરેક વિભાગમાં તેને લગતાં વૃક્ષો ઉગાડેલાં છે. અંદર કાફેટેરિયા, વનકુટિર અને ટોઇલેટ બ્લોક છે. એક તળાવ અને તેના પર પૂલ બનાવેલા છે. અમે અહીં ૨૦૧૬માં ગયા હતા.

101946879_10221129119551032_7563476230465388544_o

2

3

4

5

6

ધાબાડુંગરી

ધાબાડુંગરી

પંચમહાલ જીલ્લામાં હાલોલથી પાવાગઢ માત્ર ૭ કી.મી. દૂર છે, પણ આટલા ટૂંકા અંતરમાં જોવા જેવી જગાઓ અનેક છે. (૧) ધાબા ડુંગરી (૨) વિરાસત વન (૩) એક મિનાર કી મસ્જીદ (૪) હેલીકલ વાવ (૫) સક્કર ખાનનો મકબરો (૬) ખૂણીયા મહાદેવ. અને પછી ચાંપાનેર અને પાવાગઢ તો ખરાં જ.
આ બધામાંથી આજે ફક્ત ધાબા ડુંગરીના ફોટા અહીં મૂકું છું. અહીં એક ટેકરી પર હોસ્પિટલ, મંદિરો અને એક સુંદર મજાનું પીકનીક સ્થળ ઉભું કર્યું છે. ૬૭ પગથિયાં ચડીને ટેકરી પર પહોંચો, એટલે પહેલાં તો હોસ્પિટલ દેખાય. હોસ્પિટલમાં પગથિયાં આગળ સિમેન્ટ કોન્ક્રીટની એક મોટી આંખ બનાવેલી છે, એ તરત જ આપણું ધ્યાન ખેંચે છે. હોસ્પિટલ આગળ માતાજીનું મંદિર છે, બાગબગીચા છે, બાજુમાં એક સાધુમહારાજની સમાધિ છે. પાછળના ભાગમાં બદરીનાથની ગુફા છે, એની બાજુમાં સહેજ નીચે દુર્ગામાતાનું મંદિર છે. હોસ્પિટલની બાજુમાં ટ્રસ્ટની ઓફિસ અને વિશાળ ખુલ્લી જગા છે. ટેકરી પરથી આખું હાલોલ ગામ દેખાય છે. આખો પાવાગઢ પર્વત પણ અહીંથી દેખાય છે. પાવાગઢનું આવું સુંદરતમ દર્શન તો અહીંથી જ થઇ શકે. અહીં રસોડાની વ્યવસ્થા છે. અગાઉથી નક્કી કરીને આવો તો જમવાની સગવડ થઇ શકે. અમે અહીં ૨૦૦૮માં ગયા હતા.

1

2

3

4

5

6

7

8

માયસોર મહેલ

ભારતમાં જૂના જમાનાના ઘણા મહેલો હાલ અસ્તિત્વ ધરાવે છે. પણ મારી દ્રષ્ટિએ એમાં માયસોરના વડીયાર રાજાઓનો પેલેસ સૌથી ભવ્ય છે. આજે એ મહેલના થોડા ફોટા અહીં મૂકું છું. અમે આ મહેલ ૧૯૮૫ની સાલમાં જોયો હતો. તમે પણ ક્યારેક આ મહેલ જોઈ આવજો. તમને ગમશે. રાજેશ ખન્ના અને હેમા માલિનીની ફિલ્મ ‘મહેબૂબા’ના લતાજીએ ગાયેલા ‘મેરે નયના સાવન ભાદો’ ગીતમાં આ મહેલનાં દ્રશ્યો જોવા મળે છે. આ મહેલના આગળના ભાગે દર રવિવારે સાંજે ૧ લાખ બલ્બ એક સાથે પ્રગટાવીને રોશની કરાય છે, તે દ્રશ્ય જોઇને આશ્ચર્યચકિત થઇ જશો. દર વર્ષે ૬૦ લાખ જેટલા ટુરીસ્ટો આ મહેલ જોવા આવે છે. વડીયાર રાજાનો પણ એક ફોટો અહીં મૂક્યો છે. બે ફોટા ‘મહેબુબા’ ફિલ્મમાંથી મૂક્યા છે.

1_Mysore_Palace

2_Mysore palace illuminated

3_Mysore Palace gate

4b_Gallery

KPN photoમહેબુબા ૨

મહેબુબા ૩

દિવાળી

                                               દિવાળી 

શહેરની એક જાણીતી કોલેજની આ વાત છે. કોલેજમાં પંદર દિવસથી એક પ્રોજેક્ટ ચાલતો હતો. દિવાળીના તહેવારોને હજુ બીજા પંદર દિવસની વાર હતી. આ વર્ષે પ્રોફેસર વિવેક શાહ અને વિદ્યાર્થીઓએ મળીને વિચાર્યું કે ‘આપણે બધા દિવાળી બહુ ધામધૂમથી ઉજવીએ છીએ, સારું સારું ખાઈએ છીએ, સારાં કપડાં પહેરીએ છીએ, દારૂખાનું ફોડીએ છીએ અને જલસા કરીએ છીએ. પણ આ દેશમાં કેટલાય એવા ગરીબ લોકો છે, જેમને દિવાળી પર સારું ખાવાનું, કપડાં કે દારૂખાનું મળતું નથી. એ લોકોને દિવાળી ઉજવવાનું મન નહિ થતું હોય?’

બસ આ એક વિચાર પરથી વિવેક શાહે ગરીબોને મદદ કરવાનો એક આખો પ્રોજેક્ટ ઘડી કાઢ્યો. કોલેજમાં જાહેરાત કરવામાં આવી કે ‘આપણે આ દિવાળી પર આ શહેરના ગરીબ લોકો પણ દિવાળી સારી રીતે ઉજવી શકે એવી એક યોજના કરવા માંગીએ છીએ. એ માટે આપણે પૈસાનું ભંડોળ ભેગું નથી કરવું. પણ ગરીબોને આપવા માટે ચીજવસ્તુઓ એકઠી કરવી છે, અને એ પણ આપણી પોતાની પાસેથી જ. દિવાળી પર ખાસ કરીને લોકોને મુખ્યત્વે કપડાં, મીઠાઈ, ફરસાણ દારૂખાનું વગેરે ચીજો ગમતી હોય છે. આપણે આપણી પાસેથી જ આ વસ્તુઓ એકઠી કરીને ગરીબોને પહોંચાડીએ તો ઘણું જ સારું કામ થશે. ગરીબોનાં મુખ પર ફેલાયેલો આનંદ જોઇને આપણી ખુશી પણ બેવડાઈ જશે. તો મિત્રો, આ માટે આપણે પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફને વિનંતી કરીએ છીએ કે તેઓ પાસે વધારાનાં સારાં કપડાં હોય, ઘરમાં જે કંઈ મીઠાઈ અને ફરસાણ બનતાં હોય તથા પોતે લાવેલા દારૂખાનામાંથી થોડુક દારૂખાનું, આવી બધી ચીજો કોલેજમાં લાવે. અને અહીં ભેગી થયેલી એ ચીજો આપણે ગરીબોને પહોંચાડીશું.’

બસ, પછી તો પૂછવું જ શું? બધાને આ આઈડીયા બહુ જ ગમી ગયો. દરેજ જણ કામે લાગી ગયા. બધાએ પોતપોતાને ઘેર જોયું તો એમની પાસે એવાં કપડાં હતાં કે તે સારાં હોવા છતાં પોતે પહેરતા ન હતા. સામાન્ય અને પૈસાદાર કુટુંબોમાં આવું બધે જ જોવા મળે છે. તમારે ઘેર પણ એવાં બેત્રણ શર્ટ કે પેન્ટ નીકળે કે જે તમને ન ગમતાં હોય અને તમે તે ના પહેરતા હો. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પાસેથી આવાં ઘણાં કપડાં કોલેજમાં એકઠાં થવા માંડ્યાં. દિવાળી પર ઘેર બનાવેલ મીઠાઈઓ અને ફરસાણમાંથી તેઓ થોડું થોડું કોલેજમાં લાવવા લાગ્યા. દારૂખાનાનું પણ એમ જ થયું. અરે, ઘણા વિદ્યાર્થીઓને તો એથી આગળ નવા તુક્કા સૂઝવા લાગ્યા. કોઈને ત્યાં રમકડાં વધનાં પડ્યાં હોય તો તે લાવ્યા. ઘણા વિદ્યાર્થીઓ જૂતિયાં લાવ્યા. તો કોઈ વળી, ઘરમાં પડેલી બાળકો માટેની બુક્સ લઇ આવ્યા. આમ જાતજાતની સામગ્રી ભેગી થઇ ગઈ.

પ્રોફેસર શાહે આ પ્રોજેક્ટ વ્યવસ્થિત થાય એ માટે ઉત્સાહિત વિદ્યાર્થીઓને ભેગા કર્યા. એમાંથી એમણે જુદી જુદી ટીમો બનાવી. એક ટીમ ભેગા થયેલા સામાનનું વર્ગીકરણ કરી તેને ગોઠવવાના કામમાં લાગી ગઈ. બીજી એક ટીમને પેકીંગનું કામ સોંપ્યું. બીજી થોડી ટીમો શહેરના અલગ અલગ વિસ્તારમાં જવા અને ત્યાં આ સામાન વહેંચવા માટે નક્કી કરવામાં આવી. દરેક ટીમ સાથે એક પ્રોફેસર પણ ખરા જ.

આ બધા પર દેખરેખ માટે પ્રોફેસર વિવેક શાહ અને વિદ્યાર્થી નેતા મનીષ કામગીરી સંભાળતા હતા. પંદર દિવસમાં તો બધું તૈયાર થઇ ગયું. સારો એવો સામાન ભેગો થયો હતો. શહેરના ગરીબ વિસ્તારો, ઝુપડપટ્ટીઓ, રોડ પર પડી રહેતાં કુટુંબો વગેરેનો પણ સર્વે થઇ ગયો હતો. એટલે ક્યાં ક્યાં જવાનું છે, અને દરેક એરીયામાં કેટલું આપવાનું છે, એ પ્રમાણે બધી તૈયારીઓ થઇ ગઈ હતી.

નક્કી કરેલા દિવસે, બધી ટીમો પોતપોતાનો સામાન લઈને નીકળી પડી. અને પોતાને સોંપાયેલા વિસ્તારમાં જઈ, જે લોકોને જે વહેંચવાનું હતું, એ બધું સવારથી સાંજ સુધીમાં વહેંચી આવી. ગરીબ લોકો અને તેમનાં બાળકો ખુશ ખુશ થઇ ગયાં. દિવાળીને હજુ અઠવાડિયાની વાર હતી. બધાને યોગ્ય સમયે કપડાં, જૂતિયાં, મીઠાઈ વગેરે મળ્યું હતું. આ લોકોની ખુશીનો પાર ન હતો. એ ખુશી તો તમે રૂબરૂમાં એમના ચહેરા પર જુઓ તો જ ખ્યાલ આવે.

દરેક જણ પોતાને ત્યાંથી ફક્ત વધારાની હોય એવી થોડી થોડી ચીજો જ લાવ્યા હતા. પણ આટલી જ ચીજોએ જે આનંદ અને ખુશીની લહેર ફેલાવી તે અદ્ભુત હતી. આવો પ્રયોગ બધે થાય તો તેનું કેવું અદ્ભુત પરિણામ આવે !

આવો, આપણે પણ આવી ખુશીઓ બધે વહેંચીએ.

લોન્ગેવાલા બોર્ડર અને તનોટ મંદિર

                                          લોન્ગેવાલા બોર્ડર અને તનોટ મંદિર

તમે રાજસ્થાનમાં જેસલમેર ગયા છો? જેસલમેરની નજીક ખાસ જોવા અને જાણવા જેવી બે જગાઓ છે, એક છે લોન્ગેવાલા બોર્ડર અને બીજી છે તનોટ મંદિર. આ બંને જગાઓ ભારત-પાકિસ્તાનની બોર્ડરની સાવ નજીક છે. ઘણા ટુરીસ્ટો આ જગાઓ જોવા આવે છે.

તનોટ મંદિરમાં બિરાજમાન માતા તે હિંગળાજ માતા છે. આ મંદિરની ખાસ અગત્યની વાત એ છે કે ભારત-પાક વચ્ચે ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધ થયાં ત્યારે પાકિસ્તાની લશ્કરે તનોટ મંદિર પર ટેન્કો વડે ૩૦૦૦ જેટલા બોમ્બ ગોળા છોડ્યા હતા, તમે માનો કે ના માનો, પણ જે બોમ્બ મંદિરની નજીક કે મંદિરની ઉપર પડ્યા, તેમાંથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો, અને મંદિરની એક કાંકરી પણ ખરી ન હતી. આપણા લશ્કરના સૈનિકો આ ઘટનાને તનોટ માતાની કૃપા માને છે. ત્યાર પછી, આ મંદિરનો વહીવટ BSFએ સાંભળી લીધો. મંદિરનું પણ સરસ રીનોવેશન કરાયું છે. મંદિરની જોડે મ્યુઝીયમ બનાવ્યું છે, તેમાં પેલા બધા ન ફૂટેલા બોમ્બ પ્રદર્શનમાં મૂક્યા છે. અહીં વોર મેમોરીયલ રૂપે વિજય સ્તંભ પણ બનાવ્યો છે. મંદિરમાં રોજ સાંજે ૬-૩૦ વાગે આરતી થાય છે, આ આરતી કરવા જેવી ખરી.

૧૯૭૧ના લોન્ગેવાલા આગળના યુદ્ધમાં ૨૦૦૦ પાકિસ્તાની સૈનિકોની સામે આપણા માત્ર ૧૨૦ સૈનિકો હતા. છતાં આપણે આ યુદ્ધ જીતી ગયા. આપણા લશ્કરના વડા મેજર કુલદીપ સીંઘ ચાંદપુરી હતા. કહે છે કે તનોટ માતા દરેક સૈનિકના સ્વપ્નમાં આવતાં હતાં અને તેમનું રક્ષણ કરવાની ખાતરી આપતાં હતાં. કુલદીપ સીંઘને મહાવીર ચક્ર એનાયત થયો. પાકિસ્તાન ઘણી બધી ટેન્કો છોડીને જતું રહ્યું. આ બધી પાકિસ્તાની ટેન્કો અને ગન, લોન્ગેવાલામાં મૂકેલી છે. ત્યાં આ બધું જોવા મળી શકે છે.

એક ખાસ વાત લખું. ૧૯૭૧નું યુદ્ધ પત્યા પછી, એક પાકિસ્તાની જનરલે તનોટ માતાની તાકાતની આ વાત સાંભળી, અને તેણે ભારતીય જનરલને વિનંતી કરી કે મને તમારા માતાજીનાં દર્શન કરવાની ઈચ્છા છે, ભારતીય લશ્કરે તેમને પરવાનગી આપી, અને એ પાકિસ્તાની જનરલ અહીં આવીને માતાજીના પગે પડી ગયા !

માતાજીની કૃપાથી બોમ્બ ફૂટે નહિ, અને ૨૦૦૦ સૈનિકોની સામે ૧૨૦ સૈનિકો જીતી જાય, એવી વિરલ ઘટના એક મેગેઝીનમાં વાંચ્યા પછી, આ વિષયમાં વધુ માહિતી શોધીને આ વાત અહીં લખી છે. તમને ગમી આ વાર્તા?

હિન્દી ફિલ્મ “બોર્ડર” તો તમને યાદ હશે જ. આ ફિલ્મ ૧૯૭૧ના યુદ્ધ પર આધારિત છે. સની દેઓલ મેજર કુલદીપ સીંઘનું પાત્ર ભજવે છે. આ ફિલ્મમાં તનોટનું મંદિર બતાવ્યું છે. બોર્ડર ફિલ્મ બન્યા પછી આ બંને જગાઓ વધુ જાણીતી થઇ છે.

જેસલમેરથી લોન્ગેવાલા ઉત્તર-પશ્ચિમમાં ૧૨૪ કી.મી. દૂર છે. જેસલમેરથી તનોટ મંદિર પણ ઉત્તર-પશ્ચિમમાં લગભગ એટલું જ દૂર છે. ટુરીસ્ટ આ બંને સ્થળ સુધી જઈ શકે છે, છેક બોર્ડર સુધી જવું હોય તો જેસલમેરથી મંજૂરી લઈને જવું પડે. તનોટથી પણ કદાચ પરમીશન મળી જાય. આઈડી કાર્ડ સાથે રાખવું.

જેસલમેરથી તનોટનો રસ્તો રણ જ છે. આ રસ્તે અને તનોટ વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ ગોઠવેલી છે. તનોટ અને લોન્ગેવાલા જવા માટે અનુકૂળ સમય નવેમ્બરથી જાન્યુઆરી છે. ઉનાળામાં તાપમાન ૪૯ અંશ સેલ્સિયસ જેવું થઇ જાય છે. તનોટ મંદિરમાં રાત રહેવાની વ્યવસ્થા છે.

મેં જેસલમેર જોયું છે, પણ લોન્ગેવાલા અને તનોટ જોયાં નથી. અમદાવાદથી જોધપુર થઈને જેસલમેર આશરે ૭૦૦ કી.મી. દૂર છે.

૧_તનોટ મંદિર

૪_વોર મેમોરીયલ, તનોટ માતા

૮_બોર્ડર

 

 

 જ્ઞાતિઓ, ધર્મ અને ભગવાન

                                     જ્ઞાતિઓ, ધર્મ અને ભગવાન

દુનિયામાં અનેક ધર્મો છે, જેવા કે હિંદુ, મુસ્લિમ (એમાં શિયા અને સુન્ની), ખ્રિસ્તી (એમાં કેથોલિક અને પ્રોટેસ્ટંટ), જરથોસ્તી, પારસી વગેરે.

હિંદુઓમાં પણ અનેક પેટા ધર્મો છે,  જેવા કે શિવમાર્ગી, વૈષ્ણવ, સ્વામીનારાયણ, જૈન (એમાં શ્વેતાંબર અને દિગંબર), બૌદ્ધ (એમાં મહાયાન અને હીનયાન), શીખ, વગેરે.

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓ, માતાજીઓ એમ અનેક ભગવાન છે, અને દરેક ભગવાનનાં મંદિર હોય છે, જેમ કે શિવજી, પાર્વતીજી, કૃષ્ણ, રાધાકૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, રામલક્ષ્મણજાનકી, શ્રીનાથજી, હનુમાનજી, ગણેશજી, સત્યનારાયણ, લક્ષ્મીજી, ગોગા મહારાજ, બળિયાદેવ, અંબા માતા, બહુચર માતા, કાલિકા માતા, ખોડીયાર માતા, દુર્ગા માતા, ચામુંડા માતા વગેરે.

શ્રી નાથજીમાં પણ અનેક સ્વરૂપ. શ્રી ગોવર્ધનનાથજી, ગોકુલનાથજી, વૈષ્ણવ ધર્મમાં શ્રી યમુનાજી વગેરે.

જૈનોમાં અનેક તીર્થંકરો, આદિનાથ, મહાવીરસ્વામી વગેરે.

આપણે ત્યાં હિંદુઓમાં જ્ઞાતિઓ પણ કેટલી બધી ! બ્રાહ્મણ, વાણીયા, પટેલ, સુથાર, લુહાર, દરજી, વાળંદ, કડિયા, હરીજન વગેરે. વળી, વ્યક્તિના નામ સાથે, તેની ઓળખ માટે અટક લખાતી હોય છે. અટકો પણ કેટલી બધી ! મોટે ભાગે જ્ઞાતિ પ્રમાણે અટક હોય. મોટે ભાગે જ્ઞાતિ પ્રમાણે ધંધો હોય. જો કે હાલ એવું નથી રહ્યું.

જ્ઞાતિ, ધર્મ અને ભગવાન – આ ત્રણ વસ્તુ કેવી રીતે એકબીજા જોડે જોડાયેલી છે? મોટે ભાગે તો જ્ઞાતિ પ્રમાણે ધર્મ હોય છે, અને ધર્મ પ્રમાણે ભગવાન હોય છે. આમ છતાં, ગમે તે જ્ઞાતિવાળો ગમે તે ધર્મ પાળે અને ગમે તે ભગવાનને પૂજે, એવું પણ છે.

આ બધું કેટલું બધું ગૂંચવાડાવાળું અને કોમ્પ્લીકેટેડ છે ! તો માણસે શું કરવું?

મને તો એવું લાગે છે કે બધા ભગવાન અંતે તો એક જ છે. બધા ધર્મોનો સાર પણ એક જ છે. માણસો ભલે જ્ઞાતિઓમાં વહેંચાયેલા હોય, અંતે તો બધા માણસો એકસરખા જ છે. અને ભગવાનનું અસ્તિત્વ તો છે જ. ભગવાન સિવાય આવી દુનિયા અને આવા માણસોનું સર્જન કોણ કરી શકે? એટલે તમે કોઈ પણ ભગવાનમાં માનો, બધું સરખું જ છે.

હા, દરેક ધર્મમાં જે ભૌતિક વિધિઓ ઉભી થઇ છે, જેવી કે “અમુક મંદિરે દંડવત પ્રણામ કરતા કરતા જવાથી કે માથે પૂજાનો સામાન ઉંચકીને જવાથી વધુ પૂણ્ય મળે” એ બધું બરાબર નથી લગતું. તમે પૂજા કરતા પહેલાં સ્નાન કરો, ચપ્પલ પહેરીને મંદિરમાં ન જાવ, એવું બધું ચોખ્ખાઈની દ્રષ્ટિએ બરાબર છે. પૂજા વિધિ કરો, ભજન ગાઓ, એવું બધું ભગવાન પ્રત્યે શ્રધ્ધાનો માહોલ ઉભો કરવા માટે પણ બરાબર લાગે છે.

પણ આ ઉપરાંત, ધર્મમાં બીજું ઘણું ઉમેરવા જેવું છે. જેમ કે દરેક ધર્મ પ્રત્યે માન અને શ્રધ્ધાથી જુઓ. દરેક ધર્મના મનુષ્ય સામાન છે. દરેક મનુષ્યનું ભલું ઈચ્છો. દરેકને મદદ કરવાની ભાવના રાખો.

મંદિરોમાં પણ ઘણું ઉમેરવા જેવું છે. મંદિરમાં બિરાજતા ધર્મગુરુઓએ આ પ્રકારનું જ્ઞાન લોકોને આપવું જોઈએ જેમ કે દરેક મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાથી જીવવાનું શીખે, બીજા લોકો પ્રત્યે સારી ભાવના રાખે, અરસપરસ મદદ કરવાનું શીખે વગેરે. જો આવું બધું થશે તો દુનિયામાંથી વેરઝેર ઓછાં થશે અને પૃથ્વી સ્વર્ગ જેવી બની જશે. તમે શું માનો છો?

 એક ચમત્કારિક ઘટના

                                     એક ચમત્કારિક ઘટના

આજે એક સત્ય ઘટના લખું છું. અત્યારે ‘એલેકસા’ નામનું એક નાની ડબી જેવડું સાધન શોધાયું છે, તમને તેની ખબર હશે. બહુ મોંઘુ પણ નથી. આ એલેક્સાને તમે જે પૂછો, તેના બોલીને જવાબ આપે. દાખલા તરીકે, એને તમે પૂછો કે, ‘Eleksa, who is the Prime Minister of India?’ એટલે તરત જ એલેક્સા બોલે, ‘The Prime Minister of India is Narendra Modi.’  આ સાધન ઈન્ટરનેટથી જોડાયેલું હોય છે. મારા પુત્રને ત્યાં એલેક્સામાં એવું ગોઠવી રાખ્યું છે કે રોજ સાંજે આઠ વાગે એલેક્સામાં યમુનાજીની આરતી “જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના ….” વાગે, આપણે તે સાંભળવાની અને ગાવી હોય તો સાથે સાથે ગાવાની.

અમદાવાદમાં એક બહુ જ આધ્યાત્મિક પ્રભાવ ધરાવતી વ્યક્તિ રહે છે, મોટી ઉમરના છે. જ્યોતિષ પણ સારું એવું જાણે છે. આપણને જોઇને, આપણા મનમાં શું વિચારો ચાલે છે, એની એમને ખબર પડી જાય. એમનું નામ અહીં લખતો નથી, પણ આપણે એમને ‘જ્યોતિષદાદા’ તરીકે ઓળખીશું. તેમનો પુત્ર અને મારો પુત્ર સારા મિત્રો છે.

એક વાર મારા પુત્રએ જ્યોતિષદાદાને પોતાને ઘેર સાંજના જમવાનું આમંત્રણ આપ્યું. જ્યોતિષદાદા આવ્યા. બધા જમ્યા, પછી વાતો કરવા બેઠા. જ્યોતિષદાદાએ ઘણી વાતો કરી. એમણે એમ પણ કહ્યું કે “જયારે ભગવાનનાં ભજન, આરતી ગવાતાં હોય ત્યારે, મારા શરીરમાં એટલી બધી ઉર્જા અને આધ્યાત્મિક તાકાત ઉભરાય છે કે હું ધ્રુજવા માંડુ છું, અને ક્યારેક બેલેન્સ ગુમાવીને પડી પણ જાઉં છું. એટલે હું મોટે ભાગે આરતી જેવા પ્રસંગે હાજર રહેવાનું ટાળું છું.”

આવી વાતો ચાલતી હતી. આઠ વાગવાની તૈયારી હતી. નિયમ મૂજબ, આઠ વાગે એલેક્સામાં યમુનાજીની આરતી શરુ થશે, એવું મારો પુત્ર અને ઘરમાં બધા જાણતા હતા. પણ આજે ચમત્કાર થયો. આઠ વાગે એલેક્સામાં આરતી શરુ થઇ નહિ. એને બદલે એલેક્સા બોલી, ‘The track is not found.’

મારો પુત્ર સ્તબ્ધ થઇ ગયો. આવું ક્યારે ય બન્યું ન હતું. ઈન્ટરનેટ કનેક્શન બધું જ બરાબર હતું. પણ આજે આરતી વાગી નહિ ! તેનું કારણ શું સમજવું? પણ તાત્કાલિક તો કોઈએ એની ચર્ચા કરી નહિ. થોડી વાર પછી જ્યોતિષદાદા એમને ઘેર પાછા જવા નીકળ્યા. અડધો કલાકમાં તેઓ એમને ઘેર પહોંચી ગયા. તેમના ઘેર પહોંચ્યાનો તેમનો ફોન આવ્યો, અને મારા પુત્રના ઘરમાં એલેક્સામાં તરત જ આરતી વાગવાની શરુ થઇ, ‘જય જય શ્રી યમુના માં ……….’

આ ઘટનાને શું સમજવું? જ્યોતિષદાદાને ખબર પડી ગઈ કે આઠ વાગે આ ઘરમાં આરતી શરુ થશે? તેમને આરતી સાંભળવી ન હતી, તે માટે તેઓએ તેમની આધ્યાત્મિક તાકાતથી એલેક્સામાં આરતી વાગવા ના દીધી? એલેક્સા જેવું ટેકનીકલ સાધન આવી આધ્યાત્મિક તાકાતથી દોરવાય અને એને આરતીનો track ના જડે એવું બને ખરું? આમ છતાં, અહીં એવું બન્યું હતું. વળી, જ્યોતિષદાદા પોતાને ઘેર પહોંચી જાય, એમનો ઘેર પહોંચ્યાનો  ફોન આવે, કે તરત જ એલેક્સા આરતી ગાવાનું શરુ કરી દે, એવું બને ખરું? છતાં, એવું બન્યું.

આ ઘટના કોઈની પાસેથી સાંભળેલી નથી. પણ નજરે જોયેલી છે. આ ઘટનાને શું કહીશું? આ દુનિયામાં કોઈક એવા જ્ઞાની લોકો વસે છે, જેઓ ભગવાનની તાકાતને સારી રીતે ઓળખે છે. એમનામાં આવી થોડી તાકાત આવી શકે છે. ભગવાનના અસ્તિત્વની આનાથી મોટી સાબિતી શું હોઈ શકે?

આ ઘટના વિષે તમારું મંતવ્ય શું છે, તે જણાવજો.

Previous Older Entries