દુનિયાનું પ્રખ્યાત પેઈન્ટીંગ મોના લીસા

દુનિયાનું પ્રખ્યાત પેઈન્ટીંગ મોના લીસા

મોના લીસાના પેઈન્ટીંગ (ચિત્ર) વિષે કોણે નહિ સાંભળ્યું હોય? ઘણાએ તો એ અસલી ચિત્ર જોયું પણ હશે. એ પેઈન્ટીંગ અત્યારે પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં જોવા મળે છે. આ ચિત્ર એ એક સ્ત્રીનું પોર્ટ્રેઈટ છે. ઇટાલિયન ચિત્રકાર લીઓનાર્ડો દ વિન્ચીએ તે દોરેલું છે. આ ચિત્ર દુનિયાના સૌથી વધુ લોકોએ જોયેલું અને સૌથી વધુ જાણીતું છે. એના વિષે સૌથી વધુ સાહિત્ય લખાયેલું છે.

લીઓનાર્ડો દ વિન્ચી મહાન ચિત્રકાર હતો. એણે આ ચિત્ર ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં ઈ.સ. ૧૫૦૩થી ૧૫૦૬ વચ્ચેના સમયગાળામાં દોર્યું છે. એવું કહેવાય છે કે લીઓનાર્ડોએ લીસા ગેરારડીની નામની સ્ત્રીને સામે મોડેલ તરીકે બેસાડીને આ ચિત્ર તૈયાર કર્યું છે. આ સ્ત્રી એક ગૃહિણી હતી. તે ફ્રાન્સેસ્કો ડેલ ગીઓકોન્ડો નામના વેપારીની પત્ની હતી. આ તૈલ ચિત્ર છે અને લીઓનાર્ડોએ તે પોપ્લર વુડ પેનલ પર દોર્યું છે. ચિત્ર સ્ત્રીના માથાથી કમર સુધીનું ભાગનું એટલે કે અડધી ઉંચાઈનું છે. સ્ત્રી ખુરસીમાં બેઠેલી છે, તેનો ડાબો હાથ ખુરસીના હાથા પર મૂકેલો છે, અને જમણો હાથ ડાબા હાથના કાંડા પર મૂકેલો છે. તેના ચહેરા પર હાસ્ય દેખાય છે, આ હાસ્ય જ બહુ પ્રખ્યાત છે. આ હાસ્ય સુખનું પ્રતિક છે. આ ચિત્ર બનાવવાનો હેતુ જ આ હાસ્ય છે. ચિત્રમાં સ્ત્રીના હાવભાવ, રંગોનું મિશ્રણ, મોડેલ તરીકે બેસવાની કલા – એ બધું અદભૂત છે. ચિત્રમાં આંખ પરની ભ્રમરો સ્પષ્ટ દેખાતી નથી. તે જમાનામાં કદાચ ભ્રમરો ચૂંટી નાખવાની પ્રથા હતી. ચિત્રની સાઈઝ ૨’ ૬” X ૧’ ૯” છે.

ચિત્ર એકદમ જીવંત લાગે છે. ચિત્રમાં પાછળ બર્ફીલો લેન્ડસ્કેપ છે, વળાંકવાળો રસ્તો અને બ્રીજ ત્યાં માનવની હાજરી હોવાનું દર્શાવે છે. ચિત્રમાં પાછળ દેખાતી ક્ષિતિજ સ્ત્રીના ગળાના લેવલે નહિ, પણ આંખના લેવલે છે.

‘મોના’ ઇટાલિયન શબ્દ છે, અંગ્રેજીમાં એનો અર્થ ‘મેડમ’ એવો થાય છે. સ્ત્રી માટે આ માનવાચક શબ્દ છે. મોડેલ તરીકે બેઠેલી સ્ત્રી લીસાને માનભર્યું સંબોધન કરવા લીઓનાર્ડોએ ચિત્રનું નામ મોના લીસા રાખ્યું હતું.

ફ્રાન્સના રાજા ફ્રાન્સીસ પહેલાએ લીઓનાર્ડોની ખ્યાતિ સાંભળીને તેને ૧૫૧૬માં ફ્રાન્સ બોલાવ્યો. લીઓનાર્ડો મોના લીસાનું ચિત્ર ત્યાં સાથે લઈને ગયો, ૧૫૧૭માં તેણે ત્યાં એ ચિત્રમાં થોડા સુધારાવધારા પણ કર્યા. લીઓનાર્ડોના મૃત્યુ પછી, આ ચિત્ર તેના મદદનીશ સલાઈ પાસે રહ્યું. રાજા ફ્રાન્સીસ પહેલાએ આ ચિત્ર તેની પાસેથી ખરીદી લીધું અને પોતાના મહેલમાં મૂક્યું. વર્ષો પછી રાજા લુઇસ ચૌદમાએ આ ચિત્ર ત્યાંથી વર્સીલી મહેલમાં ખેસવ્યું. ફ્રેચ ક્રાંતિ પછી, આ ચિત્ર ૧૭૯૭માં પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં મૂકવામાં આવ્યું. ચિત્ર  ફ્રાન્સ સરકારની માલિકીનું છે. વચ્ચે થોડો સમય તે નેપોલિયનના બેડરૂમમાં પણ રહેલું.

૧૮૭૦-૭૧ના યુદ્ધ દરમ્યાન આ ચિત્ર બ્રેસ્ટ આર્સેનલ નામના લશ્કરી મકાનમાં રાખવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તે ચાર અલગ અલગ જગાએ રખાયેલું.

એક વાર લુવ્રે મ્યુઝીયમમાંથી આ ચિત્ર ચોરાઈ જવાની ઘટના બની. ૧૯૧૧ની ૨૧ ઓગસ્ટે આ ચિત્ર લુવ્રે મ્યુઝીયમમાંથી ચોરાઈ ગયું. એને શોધવા માટે એક આખું અઠવાડિયું મ્યુઝીયમ બંધ રાખવામાં આવ્યું. પણ મળ્યું નહિ. બે વર્ષે ચોર હાથ લાગ્યો. લુવ્રેનો જ એક કર્મચારી વિન્સેન્ઝો પેરુજીયાએ જ આ ચિત્ર ચોર્યું હતું. ચાલુ દિવસે જ ચિત્રને એક મોટા કવરમાં મૂકી, કવર કોટની અંદર સંતાડી, સાંજે મ્યુઝીયમ બંધ થવાના સમયે તે બહાર નીકળી ગયો. આમ ચિત્ર પેરુજીયાના ઘરે પહોંચ્યું. પેરુજીયા ઇટાલિયન હતો અને દેશભક્ત હતો. લીઓનાર્ડો દ વિન્ચી પણ ઇટાલિયન હતો. પેરુજીયા માનતો હતો કે ઇટાલીના ચિત્રકારે દોરેલું ચિત્ર ઇટાલીના મ્યુઝીયમમાં જ હોવું જોઈએ. પેરુજીયાના કોઈ મિત્રએ તેને એમ પણ કહ્યું કે ચિત્ર ચોરાઈ ગયું હોવાથી, તેની કોપીની પણ સારી એવી કિંમત મળશે. પેરુજીયાએ એ ચિત્ર ૨ વર્ષ સુધી પોતાના મકાનમાં રાખ્યા પછી, તેની ધીરજ ખૂટી અને તે ફ્લોરેન્સ શહેરના યુફીઝી ગેલેરી નામના મ્યુઝીયમના ડાયરેક્ટરને વેચવા જતાં પકડાઈ ગયો. યુફીઝી ગેલેરીમાં આ ચિત્ર બે અઠવાડિયાં રાખ્યા પછી, ૧૯૧૪ ની ચોથી જાન્યુઆરીએ લુવ્રેમાં પાછું લાવવામાં આવ્યું. પેરુજીયા છ મહિના જેલમાં ગયો અને પછી તેને તેની ઇટાલી તરફની દેશભક્તિને કારણે ઇટાલી મોકલી દેવાયો. મોના લીસા ચિત્ર ચોરાવાને લીધે તે દુનિયામાં વધુ જાણીતું થયું.

અત્યારે લુવ્રે મ્યુઝીયમમાં તેના પર બુલેટપ્રૂફ કાચ જડી દેવામાં આવ્યો છે, અને તેની આગળ લાકડાનો કઠેડો બનાવ્યો છે. મુલાકાતીઓએ કઠેડા આગળ ઉભા રહીને જ ચિત્ર જોવાનું.

ચિત્રને સ્વચ્છ રાખવા, ક્યારેક તે સાફ કરાયું છે, અને હલકી વાર્નિશ લગાડાઈ છે. ચિત્રને ફ્રેમમાંથી કાઢવાનું થયું હોય ત્યારે પડેલી નાનકડી ક્રેક દૂર કરાઈ છે.  ચિત્ર પર કરચલી ના પડે કે વધુ દબાણ ન આવે તેવી ફ્રેમમાં તે મઢેલું છે. ૨૦૦૫ થી તે એલઈડી લેમ્પથી પ્રકાશિત કરાય છે. લેમ્પ એવો છે કે જે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને ચિત્ર પર પડવા ડે નહિ. ચિત્ર પર વાતાવરણના તાપમાન અને ભેજની અસર ના થાય તેનો કંટ્રોલ પણ કરાય છે.

ડિસેમ્બર ૧૯૬૨થી માર્ચ ૧૯૬૩ દરમ્યાન આ ચિત્ર ફ્રેચ સરકારે અમેરીકાને ન્યૂયોર્ક અને વોશીંગટન ડી.સી.માં પ્રદર્શિત કરવા માટે આપ્યું હતું. અમેરીકામાં ત્યારે ૧૭ લાખ લોકોએ આ ચિત્ર જોયું હતું, ચિત્રની માત્ર ૨૦ સેકંડ પૂરતી એક ઝાંખી માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. ૧૯૭૪માં તે ટોકિયો અને મોસ્કોમાં પ્રદર્શિત કરાયું હતું. દર વર્ષે સરેરાશ ૬૦ લાખ લોકો આ ચિત્ર જોવા આવે છે. ૨૦૧૪ના વર્ષ દરમ્યાન ૯૩ લાખ લોકો પેરીસમાં આ ચિત્ર જોવા આવ્યા હતા.

મોના લીસાના રક્ષણ માટે અઢળક પૈસા ખર્ચાય છે. આજે તેની કિંમત ૭૮ કરોડ ડોલર જેટલી આંકવામાં આવે છે. જો કે ફ્રાન્સના નિયમો મૂજબ તે વેચી શકાય જ નહિ.

મોના લીસાની કોપી જેવાં અનેક ચિત્રો બન્યાં છે, તે યુ ટ્યુબ પર જોવા મળે છે. ૧૯૮૬માં મોના લીસા નામની ફિલ્મ બની છે. મોના લીસા વિષે નવલકથાઓ પણ લખાઈ છે. કેટલીક આઈટેમો પર મોના લીસાનાં ચિત્રો હોય છે. પાંચસો વર્ષ પછી પણ મોના લીસા આ દુનિયામાં જીવંત છે.

તસ્વીરો: (૧) મોના લીસા (૨) ફ્રેમમાં મઢેલું ચિત્ર (૩) લુવ્રે મ્યુઝીયમ, પેરીસ (૪) ચિત્ર પર બુલેટપ્રુફ કાચ (૫) ચિત્ર જોતા પ્રવાસીઓ (૬) ચિત્ર આગળ પ્રેસીડન્ટ કેનેડી

નોંધ: લીઓનાર્ડોએ બીજાં ચિત્રો પણ દોર્યાં છે જેવાં કે ધ લાસ્ટ સપર, વર્જીન ઓફ ધ રોક્સ વગેરે.

બાળકોને ઘેર શું શું શીખવાડશો?

બાળકોને ઘેર શું શું શીખવાડશો?

આપણાં બાળકો સ્કુલમાં ભણે છે, અને ઘણું નવું નવું શીખે છે. આ ઉપરાંત ઘરમાં પણ માબાપ બાળકોને ઘણું શીખવાડે છે. ઘણી બાબતો એવી છે કે જે સ્કુલમાં શીખવા ના મળે, એ બધું ઘેર શીખવા મળે. આપણા ગુજરાતી કુટુંબોમાં ઘેર ઘણું શીખવાડાય છે. ઘેર શીખી શકાય એવી કેટલીક ઘરેલું બાબતો હું અહીં લખું છું.

(૧) ચોપડીને પૂઠું ચડાવવું (૨) શાક સમારવું (૩) ઘરમાં પોતું કરવું, બાથરૂમ ટોઇલેટ ધોવાં (૪) સાવરણીથી કચરો વાળવો (૫) સોયદોરાથી સાંધતાં શીખવું, કાતરનો ઉપયોગ કરતાં શીખવું (૬) ઈસ્ત્રી કરવી (૭) દીવાલ પર ખીલી મારવી, લાકડામાં ખીલી કે સ્ક્રુ ફીટ કરવો, પકડ અને પાનાંનો ઉપયોગ કરવો (૮) ચપ્પલ તૂટી ગયો હોય તો તેને ખીલી મારવી (૯) ગેસનો બાટલો ફીટ કરવો (૧૦) છાપાના કાગળમાં કોઈ વસ્તુ મૂકી, પડીકું વાળવું (૧૧) શર્ટ, પેન્ટ તથા અન્ય કપડાં વાળવાં તથા તેમને કબાટમાં ગોઠવવાં (૧૨) શેતરંજી પાથરવી, પથારી કરવી (૧૩) સૂડીથી સોપારી કાતરવી (૧૪) ચા, કોફી, દૂધ, સરબત, જ્યુસ, સાદો નાસ્તો વગેરે બનાવવું (૧૫) શેરડીનો સાંઠો છોલતાં શીખવું (૧૬) કુકર, મીક્સર, ઓવન, ગીઝર, ઘરઘંટી, વોશીંગ મશીન વગેરેનો ઉપયોગ કરતાં શીખવું (૧૭) બગીચામાં ખુરપીથી ખોદાઈ કરવી, છોડને પાણી પાવું (૧૮) શાકભાજી, કરિયાણું અને અનાજ ખરીદવું અને ઘેર લાવી તેને સાફ કરવું (૧૯) બેંકમાં સ્લીપ ભરીને પૈસા જમા કરાવવા, ઉપાડવા, ચેક જમા કરાવવો (૨૦) સગાંવહાલાં કાકા, મામા, ફોઈ, માસી વગેરે સંબંધોને ઓળખવા, તેમનો પરિચય કેળવવો (૨૧) મહેમાન ઘેર આવે ત્યારે કેવી રીતે વર્તવું (૨૨) બૂટ પાલિશ કરવી (૨૩) નળના આંટા ફીટ કરવા, નળમાંથી પાણીનું લીકેજ અટકાવવું (૨૪) વીજળીનો ફ્યુઝ બાંધવો (૨૫) ઇંચ, ફૂટ કે મીટરમાં ઊંચાઈ માપવી, કપડાંનું માપ માપવું (૨૬) વજન માપતાં શીખવું (૨૭) ગીત ગાવું, રંગોળી, ચિત્રોમાં રંગ પૂરવા (૨૮) સારા અક્ષરોથી લખવું (૨૯) સગાંસંબંધી, મિત્રો વગેરેના ફોન નંબરની ડાયરી બનાવવી (૩૦) ગ્રામપંચાયતમાં વેરો ભરવા જવું (૩૧) ધાર્મિક પુસ્તકો વાંચવા, આપણા ગ્રંથો જેવા કે ગીતા, ભાગવત, મહાભારત, રામાયણ વગેરેનું જ્ઞાન મેળવવું અને તેમાં આવતી વાર્તાઓ સમજવી (૩૨) સારાં પુસ્તકો વાંચવાં  (૩૩) સવારે વહેલા ઉઠવું, રાત્રે વહેલા સુઈ જવું, ખોટા ઉજાગરા ના કરવા (૩૪) લોકોની નિંદા કરવાને બદલે પોઝીટીવ વાતો કરતાં શીખવું (૩૫) રેલ્વે અને બસનાં ટાઈમ ટેબલ જોતાં શીખવું, ટીકીટ બુક કરતાં શીખવું (૩૬) નકશો જોતાં અને સમજતાં શીખવું (૩૭) કાગળો ફાઈલમાં ગોઠવતાં શીખવું, નોટના વપરાયા વગરના કાગળોમાંથી રફ નોટ બનાવવી (૩૮) કઈ ઋતુમાં કયાં શાકભાજી, સલાડ, ફ્રુટ, અનાજ વગેરે મળે તેની જાણકારી મેળવવી  

આવી બધી બાબતો સ્કુલમાં ભાગ્યે જ શીખવા મળે છે. જો તે ઘેર શીખવાડાય તો બાળક ઘણું જ વહેવારુ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમાજમાં તેને ક્યાંય તકલીફ પડતી નથી. તમને સૂઝે એવી ઘણી બાબતો તમે હજુ ઉમેરી શકો છો. જણાવજો.   

આપણા ભણતરમાં શું શું ઉમેરવું જોઈએ?

આપણા ભણતરમાં શું શું ઉમેરવું જોઈએ?

એક વાર મારો એક વિદ્યાર્થી ગૌતમ મારી પાસે આવ્યો, અને મને પૂછ્યું, ‘સર, અમે દિલ્હી ફરવા જઈએ છીએ, પણ અમારી ટ્રેન કેટલા વાગે દિલ્હી પહોંચશે, તે મારે જાણવું છે.’

મેં કહ્યું, ‘આ તો બહુ જ સહેલું છે. રેલ્વેના ટાઈમટેબલમાં જોઈ લે.’

એ બોલ્યો, ‘સર, ટાઈમ ટેબલ તો મારી પાસે છે, પણ એમાં શોધવાનું કઈ રીતે? મને એ નથી આવડતું.’

મેં કહ્યું, ‘જો, ટાઈમટેબલમાં અમદાવાદ-દિલ્હીના રૂટવાળું પાનું ખોલ. દરેક ટ્રેનને નામ અને નંબર આપેલા હોય છે. તારી ટ્રેનના નંબરવાળા કોલમમાં જો. એમાં દિલ્હીના નામ આગળ ત્યાં પહોંચવાનો ટાઈમ લખેલો હશે.’ એમ કહી, મેં એને ટાઈમટેબલમાં જોતાં શીખવાડ્યું અને એની ટ્રેનનો દિલ્હી પહોંચવાનો ટાઈમ બતાવ્યો. ગૌતમ ખુશ થઇ ગયો.

એક વાર એક છોકરી નામે શિવાની કુતૂહલવશ મને પૂછે કે ‘સર, મેં સાંભળ્યું છે કે ભારતમાં સાંજના સાડા પાંચ વાગ્યા હોય ત્યારે લંડનમાં બપોરના બાર જ વાગ્યા હોય. આવું કઈ રીતે બને? સૂરજ તો બધે સરખો જ પ્રકાશે ને? ભૂગોળમાં ક્યાંક ભણ્યા છીએ, પણ મને સમજાતું નથી.’ મેં એને પૃથ્વીના ફરવાની સાથે, પૂર્વ-પશ્ચિમમાં આવેલાં અલગ અલગ સ્થળોએ સમય કેમ જુદો જુદો હોય તે સમજાવ્યું.

અહીં વાત એ છે કે ગૌતમ અને શિવાની જેવા અનેક લોકોને આવી બધી ખબર નથી હોતી. ‘પનામા નહેર ક્યાં આવી?’ ‘બીજા કોઈ દેશના વિઝા કઈ રીતે કઢાવવા?’ ‘ઘઉંની ખેતી કઈ રીતે થાય?’ – આ અને આવા હજારો પ્રશ્નોની માહિતી વિદ્યાર્થીઓને નથી હોતી. ભણીને ડીગ્રીઓ મેળવી લીધા પછી પણ ઘણી વ્યવહારિક જાણકારી લોકો પાસે નથી હોતી. આ બધાનું કારણ શું? શું, આ બધું જાણવાની જરૂર નથી હોતી? અરે, બહુ જ જરૂર હોય છે. આ દુનિયામાં લોકો વચ્ચે રહેવું હોય તો આવી બધી ખબર હોવી જ જોઈએ.

આપણે બધા શું કરીએ છીએ કે આવી કોઈ માહિતીની જરૂર પડે ત્યારે કોઈકને પૂછીને જાણી લઈએ છીએ, અને આપણું ગાડું ગબડ્યા કરે છે. પણ એને બદલે આવી બધી જાણકારી સ્કુલ-કોલેજોમાં શીખવાડાય, એ વધુ સારું નહિ? આપણા શિક્ષણમાં આવી બધી બાબતો વિષે ક્યાંય ભણાવાતું નથી. આપણા અભ્યાસક્રમો એવા છે કે એમાં સીલેબસ નક્કી હોય, અને એમાંથી જ પરીક્ષામાં પૂછાય. વિદ્યાર્થીઓ પણ મનેકમને એ ભણી નાખે, પાસ થાય અને ડીગ્રી પણ મળી જાય. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ રીતે ભણવાનો કંટાળો આવતો હોય છે, પણ ફરજીયાત ભણવું પડે છે, એટલે ભણે છે. આજનું ભણતર વ્યવહારુ જ્ઞાનવાળું, જીવનમાં ઉપયોગી થાય એવું, જીવનનાં મૂલ્યો શીખવાડે એવું, સારા પ્રામાણિક માણસ બનાવે એવું અને સુખી, આનંદમય જીંદગી જીવતાં શીખવાડે એવું છે ખરું? ના, નથી જ.

આજે વિજ્ઞાનની આટલી બધી શોધખોળો થયા પછી, દુનિયાના લોકો એકબીજાની નજીક આવી ગયા છે. સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહાર ક્ષેત્રે અદભૂત ક્રાંતિ થઇ છે. કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને મોબાઈલ ફોને દુનિયાને ઘણી બધી બદલી નાખી છે. આ સંજોગોમાં ઘણી વ્યવહારલક્ષી બાબતો જાણવાનું બધાએ જરૂરી બની ગયું છે. જો સ્કુલ-કોલેજોમાં આવું શિક્ષણ અપાય તો વિદ્યાર્થીની પ્રતિભામાં ઘણો વધારો થાય.

ઉપરનાં બેચાર ઉદાહરણો ઉપરાંત, હું અહીં બીજાં થોડાં નમૂનારૂપ ઉદાહરણો આપું કે જેના વિષે વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ. જેમ કે વરસાદપડે ત્યારે નદીઓમાં વહી જતા પાણીને કઈ રીતે સાચવી શકાય? વીજળીનો વેડફાટ કઈ રીતે અટકાવાય? વધુ વૃક્ષો ઉગાડવા શું આયોજન કરવું? પેટ્રોલ ક્યાંથી અને કેવી રીતે મળે છે? શહેરમાં ટ્રાફીક કઈ રીતે ઘટાડી શકાય? રોડ પર જતા હોઈએ, અને રસ્તામાં કોઈને એકસીડન્ટ થાય, ત્યારે શું કરવું? બીજા વિદ્યાર્થીઓ સાથે હળીમળીને કેવી રીતે રહેવું? જાહેર જગાઓ અને રસ્તાઓ પર ગંદકી ના થાય એ માટે શું કરવું? લોકજાગૃતિ કઈ રીતે લાવવી? પ્રામાણિકતાથી જીવન જીવવા શું કરવું? કુરિવાજો કઈ રીતે દૂર કરવા?

આ ઉપરાંત, વોલંટીયરનું કામ કરવું, જેવું કે કોઈ વિસ્તારમાં સફાઈ, કોઈ હોસ્પિટલમાં અમુક કલાક કામ કરવા જવું, બાળકોના જન્મ દિવસની ઉજવણીમાં ગરીબોને મદદ કરવી, સ્કુલમાં પિગી બેંકમાં નાખેલા પૈસા ગરીબ બાળકો માટે વાપરવા, દેશભક્તિ અને પોઝીટીવ થીંકીંગ વિષે શીખવાડવું, આપણો વારસો અને સંસ્કૃતિ, મહાભારત અને પ્રાચીન ગ્રંથો વિષે જાણકારી, ગીતાનું અધ્યયન, આધ્યાત્મિક ટુર તથા આશ્રમ અને મંદિરોની મુલાકાતો ગોઠવવી, અપશુકનોનું લીસ્ટ બનાવવું, તેની ખોટી માન્યતાઓ સમજાવવી, બાળકોના અંગત પ્રશ્નોની ચર્ચા કરી તેમને સુધારવા, વાલીઓના પ્રોબ્લેમ શું છે તે જાણવું વગેરે.

આવા તો અનેક પ્રશ્નો શોધી શકાય. આવું બધું વ્યવહારુ જ્ઞાન મેળવવા માટે શિક્ષણ સંસ્થાઓમાં એક વધારાનો વિષય રાખવો જોઈએ. શિક્ષકે ખૂબ જ ધ્યાનપૂર્વક વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઇ આ બધું ભણાવવું જોઈએ. ખાસ તો એ જરૂરી છે કે વિદ્યાર્થીઓમાં આ બધું શીખવાનો રસ પેદા થાય. આજના મોટા ભાગના વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસીને ભણવાનું ગમતું નથી. એટલે આ વ્યવહારુ જ્ઞાનવાળો વિષય પણ તેને બીજા વિષયો જેવો નીરસ જ લાગશે. આમ છતાં, વિદ્યાર્થીને આ વિષય ગમે, એને રસ પડે, એને મજા આવે, એને આ બધું જાણવાનું આકર્ષણ થાય એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ. વિદ્યાર્થીને આ બધું જાણવાની જિજ્ઞાસા પેદા થાય એવો માહોલ પેદા કરવો પડે. વળી, આ શિક્ષણનો વહેવારમાં જ્યાં ઉપયોગ થતો હોય, ત્યાં વિદ્યાર્થીને લઇ જઇ, તેનું જ્ઞાન પ્રત્યક્ષ કરાવવું પડે. કદાચ ભણવામાં આવો વિષય ભલે ના રાખીએ તો  પણ દરેક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને, પોતાના રેગ્યુલર વિષયની સાથે પાંચેક મિનીટ આવી વ્યવહારુ વાતો કરે તો પણ ઘણું છે. વિદ્યાર્થીને પ્રેમથી શીખવાડીશું તો તેને ભણવાનું જરૂર ગમશે.

વિદ્યાર્થીઓ વ્યવહારની આવી બધી વાતો શીખશે તો આપણો સમાજ ઘણો આગળ આવશે, આપણો વિદ્યાર્થી ક્યાંય પાછો નહિ પડે, દેશમાં ભ્રષ્ટાચાર ઓછો થશે, ચોખ્ખાઈ જળવાશે, કુદરતી સ્ત્રોતોનો વેડફાટ થવાને બદલે તેનો મહત્તમ ઉપયોગ થશે, અને આપણે દુનિયાના આગળ પડતા દેશોની હરોળમાં આવી શકીશું.

આવો સમાજ કોને ન ગમે? ચાલો, આપણે આ દિશામાં આજથી જ શરૂઆત કરીએ. આપણે ભણવાની પદ્ધતિમાં  ફેરફાર કરીએ.

ભારતીય લોકોનો સ્વભાવ

ભારતીય લોકોનો સ્વભાવ

ઘણી વાર તમે જોયું હશે કે આપણા ભારત દેશના લોકોનો સ્વભાવ, વિચારધારા અને કામ કરવાની પધ્ધતિ, બીજા દેશના લોકો કરતાં જુદી પડે છે. એક ઉદાહરણ આપું. જેમ કે બધી જ વૈજ્ઞાનિક શોધખોળો જેવી કે રેલ્વે એન્જીન, પેટ્રોલ અને ડીઝલ એન્જીન, વીજળીથી ચાલતો બલ્બ, રેડિયો, અવાજનું રેકોર્ડીંગ, ચલચિત્રો, ટેલીવિઝન, એર કન્ડીશનીંગ, વિમાન, રોકેટ વગેરેમાંથી એક પણ શોધ ભારતમાં નથી થઇ. બધી જ શોધો બીજા દેશોમાં થઇ છે. જે લોકોએ આ શોધો કરી છે, તેઓ વર્ષો સુધી તેની પાછળ મંડ્યા રહ્યા છે, ખર્ચની કે કુટુંબને પડેલી તકલીફોની ચિંતા નથી કરી, અને નવી વસ્તુ શોધીને દુનિયાને ભેટ આપી છે. આપણે ત્યાં કોઈએ આવી શોધો કેમ ના કરી? શું, આપણે ત્યાં હોંશિયાર માણસો નથી? ના, એવું નથી. આપણે ત્યાં પણ હોંશિયાર લોકો છે જ. પણ આપણે ત્યાં કોઈ શોધ કરવા પાછળ વર્ષો સુધી ઝઝુમવાનો અને બધું જતું કરવાનો સ્વભાવ નથી. હા, કોઈક લોકોએ કોઈ થઇ ગયેલી શોધમાં આગળ કંઇક નવું ઉમેર્યું હોય એવું બન્યું છે.

ભૂતકાળમાં આપણા દેશમાં કેટલાયે ઋષિઓ અને યોગીઓ થઇ ગયા. તેઓને ભગવાન તથા આધ્યાત્મિક બાબતો વિષેનું અગાધ જ્ઞાન હતું. સંસ્કૃત ભાષા આપણે ત્યાં ખૂબ જ વિકસિત ભાષા હતી. સારું જીવન જીવવા અંગે, સંસ્કૃત ભાષામાં જ્ઞાનસભર અઢળક પુસ્તકો લખાયાં છે. યોગી પુરુષોને તો ભગવાનનાં દર્શન પણ થતાં હતાં. તેઓ ધારે એવું કાર્ય કરી શકતા હતા. આ બધી શક્તિ આપણા લોકોમાં હતી. હજુ આજે પણ આવા યોગીઓ આપણે ત્યાં છે. વિદેશોમાં આ બાબતમાં કોઈ પ્રગતિ નથી થઇ. આજે પણ કોઈ વિદેશીએ આધ્યાત્મિક બાબતોનું જ્ઞાન મેળવવું હોય તો તે ભારત આવે છે. ભારતીય લોકોનું આ લક્ષણ છે.

ભૂતકાળમાં આપણા દેશ પર અનેક લોકો ચડી આવ્યા, જેવા કે સિકંદર, મહમદ ઘોરી, મહમદ ગઝની, તૈમૂર લંગ, મોગલો, અંગ્રેજો વગેરે. એમાંના ઘણા આ દેશને લૂંટીને ચાલ્યા ગયા, ઘણાએ મંદિરો તોડ્યાં, અને અમુક લોકોએ તો અહીં જ રોકાઈ જઈને આપણા પર સદીઓ સુધી રાજ કર્યું. આપણા દેશના લોકોએ આ રીતે બીજા દેશ પર ક્યારેય ચડી નથી કરી, અને ક્યારેય બીજા દેશ પર રાજ નથી કર્યું. આ આપણો સ્વભાવ છે.

આપણા દેશમાં અનેક રાજરજવાડાં હતાં. એ બધા ક્યારેક પાડોશી રાજ જોડે લડતા ખરા. પણ જયારે વિદેશીઓ અહીં ચડી આવતા ત્યારે ક્યારેય આ રાજાઓ એકઠા મળીને તેઓની સામે લડ્યા નહિ. આવી એકતા આપણામાં ન હતી. આ પણ આપણા સ્વભાવમાં છે. આખો ભારત દેશ એક ગણાય એવી ભાવના આપણામાં ન હતી.

આજે પણ આપણામાં એકતા નથી. ભારત દેશ માટે દેશદાઝ નથી. દરેક પોતાનું સાચવીને બેસી રહે છે. દેશ પર કે બીજા કોઈ પર આપત્તિ આવી પડે તો ‘મારે શું’ કહીને પોતાનું સંભાળીને બેસી રહે છે. આ પણ આપણો સ્વભાવ છે.

હા, જયારે ક્યાંક દાનની ટહેલ પડે, દેશ માટે ફાળો ભેગો કરવાની જરૂર ઉભી થાય, મંદિર બનાવવા માટે ફાળો ભેગો કરવાનો હોય, ત્યારે આપણા લોકો દાન આપવામાં પાછા નથી પડતા. દાનનો પ્રવાહ વહેવડાવી દે છે. આ પણ આપણી લાક્ષણિકતા છે.

આપણને સમાજમાં રહેવાનું, સગાંવહાલા સાથે રહેવાનું ગમે છે. આપણા સમાજની રચના જ એવી છે કે આપણે ત્યાં અવારનવાર એકત્રિત થવાના પ્રસંગો આવ્યા જ કરે છે. સગાંવહાલાંને ત્યાં જવું, મંદિર, સત્સંગ, ભજન, કથા, સાજેમાંદે ખબર કાઢવા જવું, વિવાહ, લગ્ન, શ્રીમંત, મુંડન, તહેવારો, સત્કાર સમારંભો, મૃત્યુ, મેળા, દુકાનોમાં ખરીદી એમ એટલા બધા પ્રસંગો આવે કે જેમાં લોકો સમૂહમાં ભેગા થાય. ટ્રેનો, બસોમાં ફરનારા પણ ભેગા જ થયા કહેવાય ને? આપણે ત્યાં તો રસ્તા પર કોઈ ઘટના બને, અકસ્માત થાય, બે જણા લડી પડે તો પણ આજુબાજુના લોકો ભેગા થઇ જાય. કોઈકના ઘરમાં કંઇક ઘટના બને તો પણ પાડોશીઓ ભેગા થઇ જાય. આ આપણો સ્વભાવ છે. વિદેશોમાં આવું બહુ ઓછું બને છે.

આપણે ત્યાં પૈસા હોય તો બધાને ઠાઠમાઠથી રહેવાની ટેવ છે. ઘરકામ માટે અને ધક્કા ખાવા માટે નોકર રાખવો, વાસણ, કચરાપોતાં અને કપડાં ધોવા માટે કામવાળી રાખવી, ઓફિસોમાં પટાવાળા હોય, આ બધી આપણી ખાસિયતો છે. આપણે અંગ્રેજો પાસેથી આ પ્રથાઓ અપનાવી લીધી છે. આપણા રાજામહારાજાઓ પણ ઠાઠથી રહેતા હતા અમેરિકા જેવા દેશમાં ઓફીસમાં પટાવાળા હોતા જ નથી. ગમે તેવો મોટો ઓફિસર હોય તો પણ પાણી પીવાનું કે બીજા કોઈ ટેબલ પર કાગળ પહોંચાડવાનું કામ જાતે ઉભો થઈને જ કરે. આપણે ત્યાં બે અજાણ્યા લોકો ક્યાંક ભેગા થઇ જાય, બગીચામાં બાંકડા પર કે ટ્રેનના ડબ્બામાં કે ગમે ત્યાં, એકબીજા સાથે ‘કેમ છો?’ થી વાત કરવાનું શરુ કરે, પછી કુટુંબ વિષે, પગારની આવક વિષે, બાળકો વિષે એમ એકબીજાને બધું જ પૂછે. સુધરેલા કહેવાતા દેશમાં બે જણ મળે તો આવું બધું ના પૂછાય. એમાં એમની Privacyનો ભંગ થતો હોય એવું લાગે. હા, રસ્તે ચાલતાં બે જણા સામસામે મળી જાય તો હાસ્ય સાથે Hi, hello, good morning એવું કહેવાની પ્રથા ખરી, પણ એથી વધારે કશું જ નહિ.

આપણે ત્યાં બધે જ ભ્રષ્ટાચાર અને લાંચની બદી બહુ ફેલાયેલી છે. ઘણી જગાએ સાચાં કામ પણ પૈસા આપ્યા વગર થતાં નથી. કેટલાક લોકો તો પોતાના સ્વાર્થ માટે પૈસા આપીને ખોટાં કામ પણ કરાવે છે. શિસ્ત અને કાયદાપાલનમાં માનનારા દેશોમાં ભ્રષ્ટાચાર ખૂબ જ ઓછો છે.

દરેકની વૃત્તિ શક્ય એટલો પૈસો ભેગો કરવાની છે. એ માટે ખોટા માર્ગો અપનાવવામાં કોઈને ય કશું અયોગ્ય નથી લાગતું. શિસ્તનો અભાવ, ગંદકી કરવી, લાઈન ના જાળવવી, ધક્કામુક્કી, દંભ, બીજા પર રોફ મારવો આ બધું આપણા સ્વભાવમાં છે.

આ બધામાંથી જે ખોટું હોય તે જો સુધારીએ તો આપણો દેશ મહાન બની જાય.       

લાંબુ જીવન અને આરોગ્ય

લાંબુ જીવન અને આરોગ્ય  

તમારે સો વર્ષ કે તેનાથી યે વધુ જીવવું છે ને? એ માટે ત્રણ બાબતો જરૂરી છે. (૧) ધારો કે તમે અત્યારે ૭૦ વર્ષના છો. તમે પોતે મનમાં નક્કી કરો કે મારે સો વર્ષ તો જીવવું જ છે. તો એનાથી મનમાં એવું લાગવા માંડશે કે ‘ઓ હો હો, હજુ મારી પાસે કેટલાં બધાં વર્ષ બાકી રહ્યાં છે !! મારી પાસે કામ કરવા માટે અને સારી પ્રવૃત્તિઓ કરવા માટે હજુ કેટલો બધો સમય છે !’ એનાથી જીવનમાં એક ઉત્સાહ આવી જશે, તમે તમારી જાતને જુવાન લાગવા માંડશો. અને ઉત્સાહથી કામ કરવામાં લાગી જશો. અને આમ થવાથી તમે ખરેખર વધુ જીવી શકશો. (૨) બીજી બાબત એ કે લાંબા જીવનમાં તમે શું કરવા માગો છો, એનું એક ધ્યેય નક્કી કરો. અને એ ધ્યેય પૂર્ણ કરવા એની પાછળ કામ કરવા લાગી જાઓ. એક ધ્યેય પૂર્ણ થાય તો બીજું ધ્યેય શરુ કરી, તે કામ કરવા માંડો. આમ, તમારું ધ્યેય તમને નવરા નહિ પડવા દે અને તમારું જીવન લાંબા સમય સુધી ચાલ્યા જ કરશે. (૩) ત્રીજી બાબત એ કે તમારે લાંબુ જીવવા માટે અને કામ કરતા રહેવા માટે તમારું આરોગ્ય ખૂબ સરસ હોવું જોઈએ.

આ આરોગ્યવાળી ત્રીજી બાબત જરા વિગતે જોઈએ. આરોગ્ય સારું હોય તો જ લાંબુ જીવવાનો અર્થ છે. જો માંદગી આવ્યા કરે, એક ખૂણે ખાટલામાં પડી રહેવાનું હોય, ઘરના બીજા લોકો ય તમારી માંદગીથી કંટાળ્યા હોય તો લાંબુ જીવવાનો અર્થ નથી. એટલે લાંબુ જીવવા માટે તમારું આરોગ્ય સારું રહે, તે ખૂબ આવશ્યક છે.  

બાળકનો જયારે જન્મ થાય ત્યારે શરીરમાં કોઈ રોગ હોતો નથી. જન્મ વખતે ભગવાન દરેકને એકદમ સાજુનરવું શરીર આપે છે. તો પછી શરીરમાં રોગો કેમ ઉમેરાય છે? એનું કારણ એ કે આપણે શરીરની કાળજી કરતા નથી. જો યોગ્ય કાળજી કરવામાં આવે તો રોગો આવે જ નહિ.

બીજું કે આપણું શરીર પોતે જ રોગો નાબૂદ કરવાની શક્તિ ધરાવે છે. શરીર પર જો ઘા પડ્યો હોય, અને જો કશું જ ન કરીએ તો પણ ધીરે ધીરે એ ઘા રુઝાઈ જાય છે. બીજી ઘણી બાબતમાં પણ આવું બને છે.

ત્રીજું, તમે એવું માનવા માંડો કે ‘મને કશું જ થયું નથી. મને કોઈ રોગ છે જ નહિ.’ તો આવી માન્યતા ધરાવવાથી પણ શરીરમાં કોઈ રોગ હોય તો તે દૂર થવા લાગે છે. ડો. નિમિત્ત ઓઝાએ લખેલા લેખો વાંચજો.

રોગ હોય તો પણ એવું માનવા માંડો કે, ‘મારો રોગ ધીરે ધીરે દૂર થઇ રહ્યો છે, હું સાજો થઇ રહ્યો છું’ આવી ધારણા કરવાથી પણ રોગ દૂર થાય છે. ડો. જીતેન્દ્ર અઢિયાનું પુસ્તક ‘પ્રેરણાનું ઝરણું’ વાંચી જજો.

બને ત્યાં સુધી તો તમે એવું સરસ જીવો કે કોઈ રોગ જ ના થાય.

મોટા ભાગના લોકો શું કરે છે કે સહેજ પણ તકલીફ લાગે, શરદી થાય, ખાંસીનો એકાદ ઠમકો આવે કે તરત જ ડોક્ટર પાસે દોડી જાય છે. (કોરોના કાળની વાત જુદી છે.) અને ગોળીઓ ખાવાનું શરુ કરી દે છે. ઘણાને તો ગોળીઓ ખાવાનો શોખ હોય છે. ક્યારેક જરૂર કરતાંય વધુ દવાઓ લીધે રાખે છે. આખો દિવસ ગણ્યા કરે કે ‘સવારે આ દવા લેવાની છે, સાંજે ફલાણી દવા લેવાની છે’ વગેરે. તેઓ દવામાંથી જ ઊંચા નથી આવતા. તમે તેમને મળો તો પણ તેઓ માંદગી અને દવાની જ વાતો કર્યે રાખે છે. આવા લોકોને ઘણી વાર દવાઓની સાઈડ ઈફેક્ટ પણ થાય, અને શરીર વધુ બગડે છે. ઈશ્વરે આપણને શું દવાઓ ખાવા માટે આ ધરતી પર મોકલ્યા છે? એવું જીવો કે દવા બને એટલી ઓછી લેવી પડે. દવા લેવી પડે તો પણ તમારું ધ્યાન દવાને બદલે બીજી પોઝીટીવ બાબતોમાં રાખો.

આપણે ત્યાં દવાખાનાંની સંખ્યા વધતી જાય છે. દવાખાનાંની કે ડોકટરોની સંખ્યા વધવાથી ખુશ થવા જેવું નથી. રોગ ન થાય, એમાં ખુશ થવા જેવું છે.

જો તમે તંદુરસ્ત અને નીરોગી રહેવા માગતા હો અને કોઈ રોગ ન થાય એવું ઈચ્છતા હો તો, ખાવાપીવા અને કસરતની બાબતમાં અમુક નિયમો પાળવા ખૂબ જરૂરી છે. આ માટે થોડી સામાન્ય બાબતો જોઈએ. રોજ થોડી હળવી કસરતો કરવી. રોજ ઓછામાં ઓછું અડધો કલાક ચાલવા જવું. રોજ પંદરેક મિનીટ પ્રાણાયામ કરવા. તાજો અને સમતોલ આહાર લેવો. નિયમિત આપણું કામકાજ કરતા રહેવું. હમેશાં પ્રસન્ન અને આનંદમાં રહેવું, નિવૃત્ત થયા પછી પણ ગમતી પ્રવૃત્તિ કરતા રહેવું. આરોગ્યને લગતાં તો અઢળક પુસ્તકો બજારમાં મળે છે. એમાંથી આપણને અનુકુળ લાગે તેવો સાર કાઢીને તે પ્રમાણે અનુસરવું.

તમારા રોજીંદા આહારમાં લીલાં શાકભાજી, સલાડ (ટામેટા, કાકડી, ગાજર વિગેરે), આદુ, લસણ, કોથમીર, લીલી હળદર, આંબામોર, આમળાં (શિયાળામાં), દહીં, છાશ, લીંબુ, ગોળ, સૂકો મેવો, અનાજમાં બાજરી, મકાઈ, મુખવાસમાં તલ, ફળો, શેકેલા ચણા, સીંગ, કઠોળ વગેરે ઉમેરો. તળેલી વાનગીઓ અને મીઠાઈઓ ઓછી ખાવ અથવા ક્યારેક જ ખાવ. અમુક વસ્તુઓ જેવી કે ચોકલેટ, કેક, બિસ્કીટ, બરફનો ગોળો, આઈસક્રીમ, પીણાં, પેક્ડ ફૂડ, જંક ફૂડ, ફળોના પેક્ડ રસ વગેરે ન ખાવ. મેંદાની વાનગીઓ ન ખાવ અથવા સાવ ઓછી ખાવ. આહારને વિષે પણ કેટલાંય પુસ્તકો ઉપલબ્ધ છે. તેમાંથી આપણને યોગ્ય લાગે તેવો સાર કાઢી લેવો.

જો તમે આરોગ્ય અને ખાવામાં આવી કાળજી લેશો તો રોગો નહિ આવે. અને તમને લાંબુ જીવવામાં મજા આવશે.    

ગીતો સાંભળવાનો આનંદ

તમને ગીતો સાંભળવાનો શોખ ખરો? મને છે.

તમારે આજે કોઈ પણ ફિલ્મી ગીત કે ગરબા કે ભજન સાંભળવું હોય તો કેટલી બધી સગવડો, આંગળીને ટેરવે ઉપલબ્ધ છે ! મોબાઈલ કે લેપટોપમાં ઈન્ટરનેટ વડે, કોઈ પણ ગીત તરત સાંભળવા મળે. આ ઉપરાંત, ટેપ રેકોર્ડ કે સીડી મારફતે, ઈન્ટરનેટ સિવાય પણ ઘણું સંગીત સાંભળવા મળે. રેડીઓ અને ટીવી પણ સંગીત પીરસે. પણ આશરે પચાસ-સાઠ વર્ષ પહેલાંનો જમાનો એવો હતો કે એક ગીત સાંભળવા માટે પણ તડપવું પડે.

એ જમાનામાં અમે ગામડામાં રહેતા હતા, ત્યારની વાત કરું. અમારા ગામમાં હજુ વીજળી આવી ન હતી. ગામમાં માત્ર બે કે ત્રણ જણને ઘેર જ રેડીઓ હતો. (જૂના જમાનાનો ભારેખમ મોટો રેડીઓ) ટીવી, ટેપરેકોર્ડ તો હતા જ નહિ. લેપટોપ અને મોબાઈલ તો શોધાયા જ ન હતા. ગામમાં સિનેમા થીયેટર હતું જ નહિ. એટલે તમને ફિલ્મનું એક પણ ગીત ક્યાંય સાંભળવા ન મળે. શું કરવું?

કોઈને ઘેર લગ્ન હોય અને તે જો વરઘોડા માટે બેન્ડ વાજાંવાળાને નજીકના શહેરમાંથી બોલાવે, તો વાજાંવાળા જે ગીત વગાડે તે સાંભળીને ખુશ થઇ જતા. (એમાં વાજાંવાળા મન ડોલે, મેરા તન ડોલે…., મેરા નામ રાજુ…., મેરા દિલ એ પુકારે આ જા…, તું ગંગા કી મોજ મેં જમના કી ધારા…આવાં ગીતોની ધૂન વગાડતા.) નજીકના શહેરમાંથી થાળીવાજુ (રેકોર્ડ પ્લેયર) ભાડે મળતું. ગામના એક ભાઈએ થાળી વાજુ વસાવ્યું હતું. તે લગ્ન પ્રસંગે ભાડે આપતા. વીજળી નહોતી, એટલે સ્પ્રીંગથી ચાવી ભરીને થાળી વાજા પર રેકોર્ડ ચાલતી. એમાં ગીતો સાંભળવાની મજા આવી જતી. અમે તો, લગ્નવાળાને ત્યાં જ ફરતા રહીને ગીતો સાંભળ્યા કરતા. એમાં ય ઉપર લખ્યાં એવાં કેટલાં ય ગીતો સાંભળવાની તક મળતી. મૂકેશ, લતા મંગેશકર, રફી કે કોઈનાં ય નામ નહોતાં સાંભળ્યાં, આ ગીતો કેવી રીતે ગવાઇને અહીં આવી ગયાં, એની કોઈ ગતાગમ નહોતી, બસ ગીતો સાંભળવાનો આનંદ અદ્ભુત હતો.

લગભગ દર વર્ષે એક વાર ગામમાં ભવાઈ કે નાટક કંપની આવતી. આવી કંપની ગામના મોટા ચોકમાં મંડપ બાંધીને નાટકો કરતી. કોઈ ટીકીટ નહિ, લોકો ચોકમાં બેસી જાય અને નાટક જુએ. આમાં ગીતોનો એક ખાસ પ્રોગ્રામ હોય. નાટક કંપનીનો એક કલાકાર એક ગીત ગાવાનું શરુ કરે. તમારે એ સિવાયનું બીજું ગીત સાંભળવું હોય તો પેલું ગીત પૂરું થતા પહેલાં જ સીટી મારવાની, અને ૪ આના આપી તમારું ગમતું ગીત તેની પાસે ગવડાવવાનું. અધવચ્ચે જ વળી બીજો કોઈ સીટી મારી, ૮ આના આપી તેની પસંદનું ગીત ગવડાવે. આમ ચડસાચડસીમાં ભાવ ડબલ થતો જાય. એક વાર ગામના રાજા અહીં નાટક જોવા આવેલા, તેમણે એક પટેલની સામે આવી ચડસાચડસીમાં ૬૪ રૂપિયા આપીને છેવટે પોતાનું ગીત ગવડાવ્યું હતું. રાજાનો વટ તો રહેવો જ જોઈએ ને ! ત્યારે તો ૬૪ રૂપિયાની કેટલી બધી કિંમત હતી ! અમને તો બસ ગીત સાંભળવાનો જ આનંદ હતો. એ ગીત મને હજુ એ યાદ છે, ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા…’

ગામમાં એક વાર એક એવી નાટક કંપની આવી હતી કે જેની પાસે થાળી વાજુ હતું. એણે તો નાટક જોવા માટે આઠ આના ટીકીટ પણ રાખી હતી. નાટક શરુ થતા પહેલાં, તે અડધો પોણો કલાક થાળી વાજામાં ગીતો વગાડ્યા કરતી. અમે દૂરથી પણ આ ગીતો સાંભળીને ખુશ ખુશ થઇ જતા. એમાંનાં થોડાં ગીતો, ‘દો હંસો કા જોડા, બિછડ ગયો રે…., ઢુંઢો ઢુંઢો રે સાજના ઢુંઢો…, મેરા નામ રાજુ…’, વગેરે હતાં.

ગામમાં ક્યારેક કોઈને ત્યાં ભજન રાખ્યું હોય ત્યારે ભજનો સાંભળવાની પણ મજા આવતી. નવરાત્રિ વખતે ગરબાની જે રમઝટ જામતી, તે બહુ જ ગમતી. 

પછી તો ભણવા શહેરમાં આવ્યા, પણ ગીતો સાંભળવાની સગવડ ક્યાં હતી? રસ્તે ચાલતા જતા હોઈએ, ત્યારે રોડ પર વાળ કાપવાની સલુનમાં રેડીઓ વાગતો હોય, એમાં કોઈ ગીત કાને પડી જાય. એક રેસ્ટોરન્ટ વાળાએ ‘ચેઈન્જર’ રાખ્યું હતું, એમાં ચાર આના નાખો તો તમારું મનપસંદ ગીત તમને અને ત્યાં નાસ્તો કરવા બેઠેલા બધાને સાંભળવા મળે.  

સારાં અને સુમધુર કર્ણપ્રિય ગીતો સાંભળવાનું તો મને નાનપણથી જ ગમતું હતું. કદાચ આ જન્મજાત ભાવના હશે. બધાને પણ આ ગમતું હશે. કમાતા થયા પછી રેડિયો વસાવ્યો, ત્યારે ઘણાં ગીતો સાંભળવાની તક મળી. પણ આપણને ગમતાં હોય એ ગીતો જ સાંભળવાં હોય તો  ટેપરેકોર્ડ અને કેસેટો જોઈએ, એટલે, સગવડ થઇ ત્યારે ટેપરેકોર્ડ ખરીદ્યું. પસંદગીનાં ગીતોનું લીસ્ટ બનાવ્યું. પછી, એ ગીતોની કેસેટો બજારમાં બનાવડાવી, અને એ ગીતો બહુ જ બહુ જ વાર સાંભળ્યાં. મારો બચેલો બધો જ સમય હું આ ગીતો પાછળ વાપરતો. મનગમતાં ગીતો સાંભળવાની છેક નાનપણની ઈચ્છા હવે પૂરી થઇ. તમને થશે કે મારી પસંદગીનાં એવાં કયાં ગીતો હતાં? તો તેમાંનાં બેચાર ગીતો કહું. ‘મેરે નયના સાવન ભાદો….’, ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં…’, ‘બહારો ફૂલ બરસાઓ…’, ઝીલમિલ સિતારો કા આંગન હોગા…’, યે મેરી આંખો કે પહલે સપને…’, કભી તન્હાઈઓ મેં યુ હમારી યાદ આયેગી…’,

પછી તો કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો જમાનો આવ્યો. મેં મનગમતાં બધાં જ ગીત કેટલીક વેબસાઈટો પરથી ડાઉનલોડ કરી લીધાં. MP૩ પ્લેયરમાં પણ ઉતાર્યા, અત્યારે અવારનવાર મોબાઈલ, ટીવી કે લેપટોપ પર મનગમતાં ગીતો સાંભળીએ છીએ. નવરાત્રિના દિવસોમાં સોસાયટી કે પાર્ટી પ્લોટમાં કેટલાય ગાયકોનો સુમધુર કંઠ ગરબા સ્વરૂપે માણીએ છીએ. કેટલીયે ‘મ્યુઝીકલ નાઈટ્સ’ જોવાસાંભળવા ગયા છીએ. મનમાં સંતોષ થાય એટલું સંગીત અને ગીતો માણ્યા છે. કોઈ ગાયકને રૂબરૂ સાંભળવાની કે મળવાની તક મળી જાય તો બહુ જ આનંદ આવે છે.

ઉંમર તો માત્ર એક આંકડો જ છે.

૭૮ વર્ષની ઉંમરના જો બાયડન અમેરીકાના પ્રમુખ તરીકે ચૂંટાયા, તેઓ હવે ચાર વર્ષ સુધી અમેરીકાના પ્રમુખ તરીકે કામ કરશે. ૭૮ વર્ષની ઉંમરે પણ અમેરિકા જેવા દેશની સત્તા તેઓ સંભાળી શકે છે. અમિતાભ બચ્ચન પણ ૭૮ વર્ષના છે, આ ઉંમરે તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ જેવો ટીવી શો ખૂબ ઉત્સાહથી ચલાવી રહ્યા છે. લોકોને એમનો શો જોવાની આતુરતા રહે છે. શેરબજારના માંધાતા વોરેન બફેટનું નામ સાંભળ્યું હશે. હાલ તેઓ ૯૦ વર્ષની ઉંમરે પણ ખૂબ જ કાર્યરત છે. આ બધાં ઉદાહરણો બતાવે છે કે માણસની કામ કરવાની ધગશને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. ઉંમર તો માત્ર એક આંકડો જ છે.

આપણે બધા સામાન્ય રીતે એવું જોતા આવ્યા છીએ કે માણસ ૬૦ વર્ષ જેવી ઉંમરનો થાય એટલે પોતાના ધંધામાંથી ધીરે ધીરે નિવૃત્તિ તરફ ઢળવા માંડે છે. કામકાજ ઓછું કરી નાખે છે. જાહેર નોકરીઓમાં તો ૫૮ કે ૬૦ વર્ષે ફરજીયાત નિવૃત્તિની પ્રથા છે જ. પછી લોકો શું કરે છે તે જુઓ. છાપાં વાંચે, ટીવી જુએ, પૌત્રોપૌત્રીઓ જોડે થોડું રમે, બપોરે પણ ઊંઘે, સાંજ પડે હમઉમ્ર લોકો જોડે ગપ્પાં મારે અને એમ કરીને દિવસો પસાર કરે. કંઈ કામ કરવાનું આવે તો કહે, ‘હવે તો મારી ઉંમર થઇ, મારાથી કંઈ નહિ થાય.’ મોટા ભાગના લોકો આ પ્રકારના છે.

આમાં થોડો સુધારો કરવાની જરૂર જણાય છે. ૬૦ વર્ષ જેવી ઉંમરે તમે ધંધોનોકરી અને પૈસા કમાવાનું ભલે છોડી દો, પણ એ સિવાય બીજું ઘણું કરી શકાય એમ છે. તમને જે જાતના શોખ હોય, અને યુવાનીમાં ભાગદોડમાં એ શોખ પૂરા ના કરી શક્યા હો, તો હવે એ માટે તમને સમય મળ્યો છે, શોખનાં કામ કરવા માંડો. જેવા કે ફરવા જાવ, પેઇન્ટિંગ કરો, લખવાનો શોખ હોય તો એ કામ કરો, બીજાને મદદ કરવાની કોઈ યોજના ઘડી કાઢો અને એમાં પ્રવૃત્ત થઇ જાવ. તમે થોડું વિચારશો તો તમને ગમતાં કામ જડી જ આવશે.

બીજી એક સાયકોલોજીકલ વાત કહું. સામાન્ય રીતે સાઈઠ સિત્તેર વર્ષની ઉંમર થાય પછી મનમાં એક વિચાર આવે છે કે હવે મારે જીવવાનાં કેટલાં ઓછાં વર્ષ બાકી રહ્યાં ? આમાં હું શું કરી શકું? મનમાં પેલો ઉંમરનો આંકડો અને બાકી રહેલાં થોડાં વર્ષ દેખાયા કરે. પણ જો મનમાં એવું જ વિચાર્યું હોય કે હું ૧૦૦ વર્ષ જીવવાનો છું. તો જીવનમાં હજુ ઘણાં વર્ષ બાકી રહેલાં દેખાશે. એટલે એવું થશે કે ‘ઓ હો, હું તો હજુ ઘણું જીવવાનો છું.’ આ એક વિચારથી જ કામ કરવાનો ઉત્સાહ આવશે. મનમાં તાજગી આવશે. દોડવાનું મન થઇ જશે. તમે આવું વિચારી જુઓ, અને પછી જુઓ, તમારા જીવનની કમાલ ! તમે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘૧૦૨ નોટ આઉટ’ જોઈ હશે. એ આ જ વાત કહેવા માગે છે.

હું મોટીવેશનના એક સેમીનારમાં ગયો હતો. એમાં શૈલેશભાઈ નામના એક વિદ્વાનના પ્રવચનના શબ્દો હજુ યાદ છે. તેમણે કહ્યું હતું કે ‘હું જીવું ત્યાં સુધી આ કામ કરતો રહેવાનો છું. મારું મૃત્યુ જયારે આવે ત્યારે, પણ આ જ રીતે પ્રવચન કરતાં કરતાં જ આવે, એવી મારી ઈચ્છા છે.’ ગુજરાતી લેખક અને પત્રકાર સૌરભ શાહને તો જાણતા જ હશો. તેઓએ અવારનવાર લખ્યું છે, ‘હું ૧૦૦ જીવવાનો છું, અને ૯૮ વર્ષ સુધી આ રીતે લખતો રહેવાનો છું, છેલ્લાં બે વર્ષો આરામ કરવાનો છું.’

હમણાં જ મેં એક ચોપડી વાંચી. તેનું નામ છે ‘I have decided to live 120 years’ લેખક ILCHI LEE છે. ૧૨૦ વર્ષ કેવી રીતે જીવવું, એની એમણે વાત કરી છે. તેમણે કહું છે કે ’૬૦ -૭૦ વર્ષ પછી તમે જીવનમાં કંઇક કરવા માટેનું એક ધ્યેય નક્કી કરો, અને આ ધ્યેય તમને કામે લગાડી દેશે. તમે ઉંમર ભૂલી જશો.’

ઘણા કહે છે કે ‘Life begins at 65.’ ‘જીવનનું ૬૫મુ વર્ષ એ તો જીવનની શરૂઆત છે.’ આવું માનવાવાળા લાંબુ, સારું અને તંદુરસ્ત જીવી શકે છે. હિમાની માઈન્ડ ટ્રેઈનરને તમે ક્યારેક સાંભળી હશે. તે કહે છે, ‘જીવો, લાંબુ જીવો, બિન્ધાસ્ત જીવો, જીવનનો આનંદ માણો, અને બીજાને પણ એ આનંદ માણતા કરી દો.’

સામાન્ય રીતે તમે જેવું વિચારતા હો, એવું થતું હોય છે. લાંબુ અને તંદુરસ્ત જીવવાનું વિચારો, તો એવું જ થશે. તો આજથી “હવે મારી ઉંમર થઇ” એવું વિચારવાનું છોડી દો. તમારી ડીક્ષનરીમાંથી “થાક” અને “કંટાળો” નામના બે શબ્દ કાઢી નાખો. ઉત્સાહથી નીતરતા એક યુવાન જેવું જીવો, પછી જુઓ જીવનની મજા !

સુખનાથ ધોધ

આજે જ એક ફોટો જોયો અને એના વિષે વાંચ્યું. એ અહીં મુકું છું. એ ફોટો સુખનાથ ધોધનો છે. જામનગરથી ૩૫ કી.મી. દૂર આવેલ ખડ ખંભાળિયા ગામની નજીક, નાગમતિ નદીની નજીક આ ધોધ આવેલો છે. આ ધોધનું પાણી રણજીત સાગર ડેમમાં જાય છે. અત્યારે આ ધોધ જોવા અને નહાવાની મજા માણવા જામનગર અને આજુબાજુના લોકો શનીરવિની રજાઓમાં અહીં ઉમટી પડે છે. જામનગરથી દક્ષિણમાં જામજોધપુર તરફ જવાના રસ્તે,પંચાસરા મોતા ગામ પછી, જમણી બાજુ રસ્તો પડે છે, એ રસ્તે ખડ ખંભાળીયા ગામ છે. મેં આ જગા નથી જોઈ. કોઈને આ વિષે વધુ માહિતી હોય તો જણાવજો.

કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી

કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી, યુપી: વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર, એ શિવજીનાં બાર જ્યોતિર્લીંગોમાનું એક જ્યોતિર્લીંગ મંદિર છે. તે ગંગા નદીને કિનારે, મણિકર્ણિકા ઘાટ પર આવેલું છે. મુખ્ય મંદિરની આજુબાજુ બીજાં નાનાં મંદિરો છે. મંદિરને ત્રણ ભાગ છે. પ્રવેશવાળા ભાગ પછી આગળ સભાગૃહ અને ગર્ભગૃહ છે. ગર્ભગૃહમાં શિવલિંગ છે. શિખરો સોનાથી મઢેલાં છે. નંદી મંદિરના પાછળના ભાગમાં છે. સંકુલમાં એક કૂવો છે, એ જ્ઞાનવાપી કૂવા તરીકે ઓળખાય છે. આ પુરાણું મંદિર અવારનવાર તૂટ્યું છે, અને ફરી ઉભું થયું છે. છેલ્લે, ઈ.સ. ૧૬૬૯માં તૂટ્યું પછી,હાલનું મંદિર ઇન્દોરનાં અહલ્યાબાઈ હોલકરે ઈ.સ. ૧૭૮૦માં બંધાવેલું છે. મહારાજા રણજીતસિંહે મંદિરના ઘુમ્મટ માટે સોનાનું દાન આપેલું. મંદિરની જોડે જ્ઞાનવાપી મસ્જીદ છે. ૧૯૮૩થી આ મંદિરનો વહીવટ ઉત્તર પ્રદેશની સરકાર સંભાળે છે. હિંદુઓ માટે આ અતિ પવિત્ર સ્થળ છે. લાખો લોકો આ મંદિરનાં દર્શને આવે છે.

મંદિરમાં મોબાઈલ કે કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ લઇ જવા દેતા નથી. બહાર લોકર રૂમમાં બધું સોપી દેવાનું.

ફોન: +91 54223 92629

સમય: આ મંદિર દર્શન માટે બધા દિવસ ચોવીસે કલાક ખુલ્લું રહે છે.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ, મથુરા, ઉત્તર પ્રદેશ

મથુરામાં આ જગાએ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. આ મંદિર અનેક વાર તૂટ્યું છે, અને ફરી બંધાયું છે. છેલ્લે ઔરંગઝેબે તે ૧૬૭૦માં તોડ્યું, અને ત્યાં શાહી ઇદગાહ ઉભી કરી હતી. એના પછી, બિરલા અને દાલમિયાના દાનથી આ મંદિર ઈ.સ. ૧૯૮૨માં બનીને તૈયાર થયું છે. તેમાં મુખ્ય ૩ મંદિર છે, ગર્ભગૃહ, કેશવદેવ મંદિર અને ભાગવત ભવન. ગર્ભગૃહમાં કૃષ્ણ જ્યાં જન્મ્યા હતા, ત્યાં મંદિર છે. ભાગવત ભવનમાં રાધાકૃષ્ણ, બલરામ, સુભદ્રા અને જગન્નાથ, રામ, લક્ષ્મણ અને સીતા, ગરુડ સ્તંભ, હનુમાન, દુર્ગા અને શિવલિંગ મંદિરો છે. સંકુલમાં બિરલા અને માલવિયાનાં સ્ટેચ્યુ છે. આ ઉપરાંત, આયુર્વેદ ભવન, ગેસ્ટ હાઉસ, દુકાનો, લાયબ્રેરી અને ખુલ્લું મેદાન છે. સંકુલમાં એક પવિત્ર કુંડ પણ છે. જન્માષ્ટમી, દિવાળી અને હોળી અહીં ખાસ ઉજવાતા તહેવારો છે. આ મંદિરનો ફોન નંબર: +91 56524 23888

Previous Older Entries Next Newer Entries