વંદે ભારત ટ્રેન

વંદે ભારત ટ્રેન

આપણા દેશમાં નવી વંદે ભારત ટ્રેનો શરુ થઇ છે, એની તો બધાને ખબર જ છે. આજ સુધીમાં ૨૫ રૂટ પર વંદે ભારત ટ્રેનો શરુ થઇ છે. સૌથી પહેલી વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ શરુ થઇ હતી. અને છેલ્લી ૨૫મી ટ્રેન જોધપુર અને સાબરમતી(અમદાવાદ) વચ્ચે હમણાં ૭ જુલાઈ ૨૦૨૩ તારીખે શરુ થઇ. બીજી બે ટ્રેનો સ્પેરમાં રાખેલી છે. આ બધી ૨૭ ટ્રેનોનો રંગ સફેદ અને બ્લુ છે. હમણાં ૨૮ મી વંદે ભારત ટ્રેન બની તેનો રંગ  સફેદ અને કેસરી રાખેલો છે. આપણા રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ છે, એના પરથી પ્રેરણા લઇ હવે આ ટ્રેનનો રંગ કેસરી કરવામાં આવ્યો છે. મોટા ભાગનાં રાજ્યોમાં વંદે ભારત ટ્રેન છે.

આ ટ્રેનોમાં બે ક્લાસ છે, ચેર કાર અને એક્ઝીક્યુટીવ ક્લાસ. આ બધી ટ્રેનો ટૂંકા અંતરની છે, અને દિવસે જ દોડે છે, એટલે એમાં રાત્રે સુવાનો પ્રશ્ન જ નથી. આથી આ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ રાખ્યા જ નથી. આ ટ્રેન દેશનાં મુખ્ય મુખ્ય સ્ટેશનો વચ્ચે દોડે છે. આ ટ્રેનો ૧૬ ડબ્બા અથવા ૮ ડબ્બાની છે, જેમ કે જોધપુર સાબરમતી ૮ ડબ્બાની છે. આ ટ્રેનોમાં એસી, ઓટોમેટીક ડોર ઓપનીંગ એન્ડ કલોઝીંગ, સીસીટીવી કેમેરા, આખી ગોળ ફરી શકે એવી ખુરસી, વાઈ ફાઈ, વધુ સારાં ટોઇલેટ, કેટરીંગની સગવડ, મોટી બારીઓ, વાંચવા માટે લાઈટ, ઉપર સામાન મૂકવાના રેક વગેરે સગવડો આપવામાં આવી છે. પ્લેન જેવું લાગે. આ ટ્રેનનાં બારણાં બંધ થાય પછીજ ટ્રેન ચાલે. એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જવાનો માર્ગ એકદમ એરટાઈટ છે, એટલે બહારનો અવાજ ના સંભળાય.

આ ટ્રેન બનાવવામાં મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ રાખ્યો છે, એટલે કે આપણે જ બનાવવાની. આપણા જ એન્જીનીયરો અને ટેકનીશીયનો દ્વારા આ ટ્રેન બનાવાઈ છે. તેની સૌથી વધુ ઝડપ ૧૩૦ કિમી પ્રતિ કલાક છે, શતાબ્દિ ટ્રેન કરતાં ઝડપ વધુ છે. જો કે પાટાઓની ક્ષમતા ઓછી હોવાને લીધે સ્પીડ ૯૦-૯૫થી વધુ નથી રાખી શકાતી. ભવિષ્યમાં વધુ ઝડપે દોડાવવાનો પ્લાન છે. વંદે ભારત ટ્રેનનો ઉદ્દેશ વધુ ઝડપ અને વધુ સગવડનો છે, જો કે ભાડું પણ થોડુક વધારે છે.

હમણાં જે ૨૮મી ટ્રેન બની તેમાં નાનામોટા ૨૫ ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જેવા કે મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ પહેલાં કરતાં વધુ સહેલાઈથી મળી રહે એવી રચના કરાઈ છે.

વંદે ભારત ટ્રેન ક્યાં બને છે, એ તમે જાણો છો? આપણા દેશમાં મદ્રાસ (ચેન્નાઈ)ના પેરામ્બુર વિસ્તારમાં Integral Coach Factory (ICF) નામનું એક મોટું ટ્રેનો બનાવવાનું કારખાનું છે, એમાં આ ટ્રેનો બને છે. આ ટ્રેનને બીજી ટ્રેનોની જેમ જુદું એન્જીન જોડવાનું નથી હોતું, ટ્રેનને મળતો પાવર સપ્લાય આઠ કે ચાર ભાગમાં છે, દર બે ડબ્બાએ એક જગાએ. એકાદ ભાગ ફેલ થાય તો પણ ટ્રેન ચાલુ રહે છે. ૧૬ ડબ્બાવાળી ટ્રેન બનાવવાનો ખર્ચ આશરે ૧૨૦ કરોડ રૂપિયા જેટલો થાય છે, જે સાદી ટ્રેન કરતાં વધુ છે, જો કે મુસાફરો માટે સગવડો પણ વધુ છે.

આ ટ્રેન સાથે બળદ કે ભેંસ અથડાવાના બનાવો બન્યા છે, ભવિષ્યમાં આવું કોઈ પ્રાણી અથડાય તો ટ્રેનને ઓછામાં ઓછું નુકશાન થાય, એવો સુધારો કરવાનો પ્લાન છે. એ ઉપરાંત, આવું પ્રાણી ટ્રેનના પાટા સુધી ના પહોંચે, એવી વ્યવસ્થા ગોઠવવાની યોજના પણ વિચારણા હેઠળ છે. 

ગુજરાતને બે વંદે ભારત ટ્રેનો મળી છે, (૧) મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર (૨) જોધપુરથી સાબરમતી, જે હમણાં જ શરુ થઇ.

તમે વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કર્યો? નથી કર્યો, તો કરજો, મજા આવશે.

પ્રવાસીઓ વધે તે માટે

પ્રવાસીઓ વધે તે માટે

આપણા દેશમાં જોવાલાયક સ્થળો અને મંદિરો બહુ જ મોટી સંખ્યામાં છે. આ સ્થળોએ જો અઢળક પ્રવાસીઓ આવતા થાય તો સરકારની આવક ખૂબ જ વધે. પણ એવું નથી થતું. આ માટે શું શું કરવું જોઈએ, એની અહીં વાત કરીએ.

જોવાલાયક સ્થળો અને મંદિરો આગળ સરસ ચોખ્ખાઈ રહે, એ ખૂબ જરૂરી છે. કોઈ વ્યક્તિ કાગળના ડૂચા, પ્લાસ્ટિકની બોટલો વગેરે ગમે ત્યાં ન ફેંકે પણ કચરાના બોક્સમાં જ નાખે, ગમે ત્યાં પાણી ન ઢોળે, આવી બધી કાળજી લેવાવી જોઈએ. આવાં સ્થળોએ ટોઇલેટ હોવાં જ જોઈએ, અને તે પણ એકદમ સ્વચ્છ, તો લોકોને ગમશે.

બીજું કે ફરવાનાં સ્થળોએ છેક સુધી વાહન જઈ શકે એવી સુવિધા હોય તો ઘણું જ સારું. અને ત્યાં નજીકમાં જ પાર્કીંગની સગવડ ઉભી કરાય તો બહુ જ સારું રહે. પાર્કીંગ પણ ખૂબ જ વ્યવસ્થિત અને ચોખ્ખું રાખવાનું.  

આ બધી વ્યવસ્થા માટે ખર્ચ થાય, પણ એ માટે ટીકીટ રાખી શકાય. આ ટીકીટ બહુ મોંઘી નહિ રાખવાની, ટીકીટ સસ્તી હોય તો પણ પ્રવાસીઓ વધવાને કારણે સારી એવી રકમ ભેગી થાય, અને સ્વચ્છતા તથા પાર્કીંગના ખર્ચને પહોંચી વળાય. ટીકીટ મોંઘી ના હોય તો પ્રવાસીઓને  પોષાય પણ ખરી.

બીજું કે આપણાં મંદિરો આગળ પૂજાનો સામાન, પ્રસાદ, ચાનાસ્તો વગેરેની ખૂબ જ દુકાનો લાગી જાય છે, અને મંદિર સુધી જવા માટે માત્ર સાંકડી ગલી જ હોય છે. મંદિરનું પ્રવેશદ્વાર પણ ઢંકાઈ જાય, એટલી બધી નાની નાની દુકાનો લાગેલી હોય છે. એને બદલે મંદિરના પ્રવેશદ્વાર આગળ અમુક ખુલ્લી જગા હોવી જોઈએ, બેસવા માટે થોડા બાંકડા રાખવા જોઈએ, અને દુકાનો થોડેક દૂર વ્યવસ્થિત ઉભી કરવી જોઈએ, કે જેથી મંદિર આગળ બહુ જ ગીચ ગિર્દી ના થાય. વળી ખાણીપીણીની દુકાનો આગળ જરાય ગંદકી ના થાય, એ બાબતનું ખાસ ધ્યાન રખાવું જોઈએ.  

સામાન્ય રીતે, જોવાલાયક સ્થળોએ લોકો દૂરથી આવ્યા હોય છે, તેઓ આ સ્થળથી અજાણ્યા હોય છે, એટલે અહીંના અમુક સ્થાનિક લોકો તેમને છેતરીને પૈસા પડાવવાનું કરતા હોય છે. રીક્ષાવાળાઓ મીટરથી ભાડું લેવાને બદલે ઉચ્ચક વધુ પૈસા માગે, ગાઈડ વધારે પૈસા પડાવે, હોટેલોવાળા પણ તકનો લાભ લે, આવું બધું બને છે. એટલે પ્રવાસીઓને છેતરાવાનો બહુ ડર રહે છે. જો આવી છેતરાવાનો ડર ન હોય તો પ્રવાસીઓ વધુ આવે. ઘણી જગાએ તો લોકલ લોકો દાદાગીરી કરતા હોય એવું પણ બને છે.

ઘણી જગાએ હોટેલોમાં પણ સ્વચ્છતા નથી હોતી. ચાદર મેલી હોય, સંડાસ બાથરૂમ ચોખ્ખાં ન હોય, પ્રવાસીઓની ગરજનો લાભ લેતા હોય એવું બને છે.

હોટેલો અને ધર્મશાળા જોવાલાયક સ્થળની નજીક હોવાં જોઈએ. બસ સ્ટેન્ડ અને સ્ટેશનની નજીક પણ રહેવાની સારી વ્યવસ્થા હોવી જોઈએ.

જોવાલાયક સ્થળ આગળ તે સ્થળના ઈતિહાસની વિગતોનાં બોર્ડ મૂકવાં જોઈએ, એ સ્થળના અને આજુબાજુના નકશા મૂકવા જોઈએ, એ સ્થળને લગતાં બેચાર પાનાંનાં ચોપાનિયાં ત્યાં રાખવાં જોઈએ, આ બધું જરૂરી છે. આપણે ત્યાં ઘણી જગાએ ફોટા કે વિડીયો શુટિંગ નથી કરવા દેતા. ફોટા અને વિડીયો શુટિંગ તો કરવા જ દેવું જોઈએ.

મંદિરના પૂજારીઓ અને અન્ય કર્મચારીઓને પ્રવાસીઓ સાથે નમ્રતાથી અને મદદની ભાવનાથી વર્તવું જોઈએ. ઘણી જગાએ આ લોકો પ્રવાસીઓને માર્ગદર્શન નથી આપતા, બલકે રફ અને તોછડાઈથી વર્તતા હોય છે. તેઓ પ્રવાસીઓને તુચ્છ ગણે છે.

લોકો ઘણી વાર ફરવા જવા માટે ઓનલાઈન બુકીંગ કરાવીને જાય છે. એમાં હોટલો વિષે સારું સારું લખ્યું હોય છે, અને ત્યાં જાય ત્યારે સારાને બદલે બધું ખરાબ નીકળે છે, ત્યારે ફસાઈ ગયાનો અને છેતરાયાનો અહેસાસ થાય છે.

એટલે જો આપણે પ્રવાસન ઉદ્યોગ વિકસાવવો હોય તો આ બધી બાબતો સુધારવાની જરૂર છે. તમારા વ્યૂઝ પણ જણાવજો.

કર્મનું ફળ

મોટે ભાગે બધા એવું માને છે કે જેવું કર્મ કરો તેવું જ તેનું ફળ મળે. આપણી ‘ગીતા’માં પણ કર્મ કરવા વિષે ઘણી વાતો છે. ગુજરાતી કહેવત ‘કરો તેવું પામો’ સાંભળી જ હશે.

દરેક કર્મનું પરિણામ (ફળ) મળે એ સામાન્ય નિયમ છે. વૈજ્ઞાનિક રીતે પણ સાચું છે. જેમ કે તમે ખૂબ જ ખાઓ, ઓવરડોઝ કરો તો, સ્વાભાવિક છે કે પેટમાં દુખે અથવા ઉલટી થાય. ચીકણી ફરસ પર ચાલો તો લપસી જવાય, એ દેખીતું છે. આમ દરેક ઘટનાનું શું પરિણામ આવે તેની આપણને, અનુભવ પરથી ખબર છે. જો આ દેખીતી ઘટનાઓને પરિણામ (ફળ) હોય, તો જે નજરે ના દેખાય એવી બાબતોને પણ પરિણામ તો હોય જ ને? આમ, કર્મનું ફળ તો મળે જ.

કોઈ એક હોંશિયાર પણ લુચ્ચો માણસ, બીજાઓને છેતરીને ધન એકઠું કરે અને એ પોતાને હોંશિયાર માને કે ‘મેં લોકોને કેવા ઉલ્લુ બનાવીને પૈસા એકઠા કર્યા !’ આવું માનીને તે ખુશ થાય. આજે ભલે તે ખુશા થાય, પણ એ જે છેતરપીંડી કરી, તેનું પરિણામ તો તેને ક્યારેક ભોગવવું જ પડે. એ કર્મ-ફળના નિયમથી નક્કી જ છે.

એક ભાઈનો કિસ્સો મારી નજર સમક્ષ છે. તેઓ સરકારી ઓફિસર હતા. તેઓ સાચા લોકોનું પણ કામ ન કરતા. ટલ્લે ચડાવતા. પણ કોઈ તેમને લાંચ આપે, તેનું કામ તેઓ તરત કરી દેતા. ખોટું કામ હોય તો પણ કરી દેતા. આમ કરીને તેમણે બહુ જ પૈસા ભેગા કર્યા. ચારેક વર્ષ પછી, તેમને એક્સિડન્ટ થયો, એમાં કમર તૂટી ગઈ. ઓપરેશનોમાં પૈસા ખર્ચ્યા, પણ સારું થયું નહિ. તેમનાથી બેઠા ના થવાય, પાસુ ના બદલાય એવી સ્થિતિ આવી ગઈ. છેવટે એ છ મહિના રીબાઈને મૃત્યુ પામ્યા. ભેગા કરેલા પૈસા વાપરવા માટે જીવતા ના રહ્યા.

એક વકીલને મેં જોયેલા. ખોટા કેસને પણ સાચા ઠેરવીને જીતાડી દે, અને સાચા માણસને રોવડાવે. આવું કરીને પૈસા એકઠા કરે. પણ એમનો પુત્ર એવો મંદ બુદ્ધિનો અને વિકલાંગ હતો કે એની પાછળ અઢળક પૈસા ખર્ચવા છતાં, એ સારો ના થયો. વકીલને વારસદારનું કાયમ દુઃખ જ રહ્યું.

એક સાવ નાની ઘટના. વર્ષો પહેલાં એક વાર, હું અમદાવાદથી નડિયાદ બસમાં જતો હતો. સાડા ચાર રૂપિયા ટીકીટ હતી. મેં કંડકટરને પાંચની નોટ આપી. કંડકટરે ‘છુટા નથી’ કહીને આઠ આના પાછા ના આપ્યા. સાંજે નડિયાદથી બીજી બસમાં અમદાવાદ પાછો આવ્યો. બસમાં સાડા ચાર રૂપિયાની ટીકીટ લેવાની હતી. મારી પાસે ચાર રૂપિયા છુટા હતા. મેં કંડકટરને કહ્યું, ‘મારી પાસે ચાર રૂપિયા છુટા છે. આઠ આના છુટા નથી.’ કંડકટર કહે, લાવો ચાર રૂપિયા, ચાલશે.’ આ ઘટનાને શું કહેવાય?

જો તમે ધ્યાનથી જોશો તો, કર્મના બદલાનાં તમને અનેક ઉદાહરણ સમાજમાં જોવા મળશે. ક્યારેક એવું પણ જોવા મળે એ કોઈ માણસ બહુ જ ખોટું કરતો હોય તો પણ તેની જીંદગી સરસ ચાલતી હોય, તેને કોઈ ઉપાધી ના આવતી હોય. તો એનું કારણ એવું હોય કે તેણે તેના પૂર્વજન્મમાં સારાં કામ કર્યાં હોય, અને તેનું પરિણામ અત્યારે મળતું હોય. આમાં, પૂર્વજન્મની માન્યતા સ્વીકારવી પડે. જો કે, ભગવાને ગીતાજીમાં પણ પૂર્વજન્મ વિષે કહ્યું જ છે. એટલે પૂર્વજન્મ અને હવે પછીના જન્મની બાબત સાચી હોય એવું તો લાગે છે. (એના વિષે આપણે એક જુદા લેખમાં વાત કરીશું.) ટૂંકમાં, પૂર્વજન્મના સારા કામનો બદલો માણસને અત્યારે મળતો હોય, અને એ માણસ અત્યારે જે ખરાબ કામો કરે છે, એનો બદલો એને જો અત્યારે ના મળી રહ્યો હોય તો એને એનું પરિણામ આવતા જન્મે ભોગવવું પડે એવું બને.

આ પરથી એવું લાગે છે કે કર્મનું ફળ તરત જ મળે એવું નથી. તેનું ફળ ગમે ત્યારે મળે. બીજા જન્મે પણ મળે. ભગવાને બનાવેલા સોફ્ટવેરમાં એનું પ્લાનીંગ લખેલું હશે, જે હજુ આપણને ખબર નથી.

આ બધા અંગે તમે શું માનો છો? કોમેન્ટમાં લખજો. જાણવાની મજા આવશે.   

Heal yourself (જાતે સાજા થાવ)

આજે એક સરસ નવી વાત કહેવી છે. હમણાં જ મેં ડો. નિમિત્ત ઓઝાનો એક લેખ વાંચ્યો. તેમણે કહેલી વાતનો ભાવાર્થ અહીં જણાવું છું.

અનીતા મૂર્જાની નામની એક સ્ત્રીને ૨૦૦૨ની સાલમાં કેન્સર થયું, ચારેક વર્ષ રીબાયા પછી હોસ્પિટલમાં દાખલ કર્યાં. ત્યાં ૩૦ કલાક બેભાન રહ્યા. ડોકટરોએ કહી દીધું કે હવે અનિતાની બચવાની બિલકુલ શક્યતા નથી. પણ કોઈક ચમત્કાર થયો અને તેઓ સાજા થવા માંડ્યા, દોઢેક મહિનામાં તો તેઓ બિલકુલ સાજા થઇ ગયા. પછી એમણે એક પુસ્તક લખ્યું, પુસ્તકનું નામ ‘Dying to be me’. આ પુસ્તકમાં એમને પોતે કઈ રીતે સાજા થયા એની વાત લખી છે. અનીતાબેન હજુ પણ જીવે છે.

અનીતાએ એ પુસ્તકમાં લખ્યું છે કે ‘હું બેભાન અવસ્થામાં હતી ત્યારે મેં અંદરખાનેથી વિચારવા માંડ્યું કે મને કેન્સર શાથી થયું? મેં મારી જીંદગીની કેટલીયે વાતો મનમાં ને મનમાં જ સંગ્રહી રાખેલી, બહાર કોઈનેય કહેતી ન હતી. મારા અમુક કુટુંબીઓ કેન્સરને લીધે મૃત્યુ પામેલા, એટલે મને કાયમ ડર રહ્યા કરતો કે ‘મને કેન્સર તો નહિ થાય ને?’ આમ, હું કાયમ ડરથી જ જીવતી હતી. મેં આવું બધું ક્યારેય કોઈને જણાવ્યું નહિ. કેન્સરનો ડર હતો, એમાં જ છેવટે મને કેન્સર થયું. બેભાન અવસ્થામાં મને આ બધી બાબતો સમજાવા માંડી. એમાં મેં મનમાં નક્કી કર્યું ‘I will heal myself’ (હું મારી જાતે જ સાજી થઈશ)

પછી તો મેં મારા વિચારો બદલ્યા. મેં નિર્ભય બનીને જીવવાનું નક્કી કર્યું. મારી જાતને બહાર સ્નેહીઓ, મિત્રો આગળ પ્રગટ કરવા માંડી. મારા વિચારો રજૂ કરવા માંડી. કોઈ પણ રોગથી હું ડરીશ નહિ, એવું મેં વલણ રાખ્યું. અને ધીરે ધીરે મારો કેન્સરનો રોગ મટી ગયો. આજે હું બિલકુલ સજીનારવી છું.’

મિત્રો, આજે ‘આજની વાત’માં મારે બધાને આ જ વાત કહેવી છે. તમે તમારી જીંદગી નિર્ભય બનીને જીવો. તમારી જાતને નબળી ન માનો. તમારી જાતને પ્રેમ કરો. જે કંઈ દુઃખો હોય તે મનમાં સંગ્રહી ના રાખો. તેને બીજા આગળ વ્યક્ત કરીને દિલ હળવું કરી નાખો. મન પરનો ભાર દૂર કરો. અને એવી જ માન્યતા કેળવતા રહો કે ‘હું બિલકુલ તંદુરસ્ત છું. મને કોઈ રોગ થયો જ નથી’ આવું વિચારશો તો બધા રોગ ભાગી જશે, બધાં દુઃખ હળવાં થઇ જશે. મનમાં નેગેટીવ વિચારો ના રાખો. ક્રોધ, ઈર્ષ્યા, નફરત જેવા નેગેટીવ વિચારો મનમાંથી કાઢી નાખો. નેગેટીવ વિચારો મનને નબળું બનાવે છે.

બીજા આગળ જયારે આપણી વાત કરીએ ત્યારે મનનો ભાર હળવો કરવાની જ વાત છે. બીજા આગળ રોદણાં રળવાની વાત નથી. આપણે તો બિન્ધાસ્ત નિર્ભયતાથી જ જીવવાનું છે.

આપણે આપણા વિચાર બદલવાના છે. ડરપોકપણું ત્યજવાનું છે. આપણા શરીરના દરેક કોષ આપણા વિચારોને અનુસરે છે. તમે તંદુરસ્ત રહેવાનું વિચારશો, તો શરીરના દરેક કોષ અને અવયવો એ દિશામાં કામ કરતા થશે. Our body follows our mind.

જયારે ડોકટરો કોઈ રોગનું નિદાન ના કરી શકે ત્યારે કહેતા હોય છે કે ‘કોઈ અજાણ્યા કારણસર આ રોગ થયો છે.’ ત્યારે એ કારણમાં આપણા વિચારો જ હોય છે. આપણા નબળા વિચારો અને ડરને લીધે જ એ રોગ થયો હોય.

આ બધી વાતો ડો. નિમિત્ત ઓઝા જેવા એમ.ડી., સુપર શ્પેશ્યાલીસ્ટ ડોક્ટર કહેતા હોય, ત્યારે આ વાતોનું મહત્વ ખૂબ જ વધી જાય છે.

સ્વામી રામદેવે પણ વારંવાર કહ્યું છે કે રોગ માણસનો સ્વભાવ નથી. સ્વ. ડો. ભમગરા કહેતા કે રોગ માત્ર શારીરિક વિકૃતિ નથી, માણસના માનસિક, નૈતિક અને આધ્યાત્મિક અપરાધનું એ પરિણામ છે.

તો હવે યાદ રાખો કે ‘I will heal myself’ (હું મારી જાતે જ સાજો/સાજી થઈશ.) જીવનનો આ મહામંત્ર છે. આજે અહીં જે લખ્યું, તેનો પ્રયોગ શ્રદ્ધાથી નાનામોટા રોગ માટે તમારી જાત પર કરી જોજો, તમને ચોક્કસ પરિણામ મળશે. મારો એ અનુભવ છે.

આજની આ વાત સુંદર જીવન જીવવા માટે બહુ જ ઉપયોગી છે, એવું મને લાગે છે. અમલમાં મૂકજો અને તમારો અનુભવ જણાવજો.

એક ડોક્ટરની સરસ વાત

એક ડોક્ટરની સરસ વાત

એક ડોક્ટર વિષે ક્યાંક વાંચેલું. તેની અહીં વાત કરું. ડોક્ટર પોતે સર્જન (ઓપરેશનોના નિષ્ણાત) હતા. તેઓએ કરેલાં ઓપરેશન હંમેશાં સફળ થતાં.

આ ડોક્ટર પાસે જે કોઈ દર્દી આવે, તેને ઓપરેશન પહેલાં ડોક્ટર એક ફોર્મ ભરાવતા. એમાં એક બાબત ખાસ લખવાની રહેતી કે, ‘જો તમે આ ઓપરેશન દરમ્યાન બચી જશો તો તમે બાકીની જીંદગી કેવી રીતે જીવશો?’

અને દર્દીઓ ફોર્મમાં પોતાના મનની વાત દિલ ખોલીને લખતા. જેમ કે “જો હું બચી જઈશ તો બાકીની જીંદગી બહુ સારી રીતે જીવીશ.”, “જો હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વીતાવીશ.”, “ જો હું બચી જઈશ તો જે લોકોનાં દિલ મેં દુભવ્યાં છે, તેઓની સાથે મારા સંબંધો સુધારી લઈશ.”, “જો હું બચી જઈશ તો બાકીની જીંદગી હાસ્ય અને આનંદમાં વીતાવીશ.”, “જો હું બચી જઈશ તો જીંદગીમાં કોઈની સામે ફરિયાદ નહિ કરું, બધા સાથે હળીમળીને રહીશ.”, “જો હું બચી જઈશ તો, કોઈ ગુનાહિત કામ નહિ કરું, જીંદગી પ્રામાણિકપણે જીવીશ.” વગેરે. લોકો આવું બધું લખતા. બધાને જીવી જવાનો મોહ હોય છે. ડોક્ટરને આ બધું જાણવા મળતું.

(ફોર્મમાં કોઈ દર્દી એવું ના લખે કે “ જો હું જીવી જઈશ તો મારે ફલાણા સાથે વેર વાળવું છે, તે હું વાળીશ.”, “હું બહુ જ રૂપિયા કમાઇશ,” વગેરે.)

ડોક્ટર ઓપરેશન કરે, અને દર્દીને હોસ્પિટલમાંથી રજા આપે ત્યારે એનું પેલું ફોર્મ પાછું આપે. અને કહે કે “ જો જો હોં, તમે આ ફોર્મમાં જે લખ્યું છે, તેનું પાલન કરજો. તમે એમાં જે લખ્યું છે, એ પ્રમાણેની જીંદગી જીવજો. અને ફરી બતાવવા આવો ત્યારે આ ફોર્મ પાછું લેતા આવજો, અને તમે એ પ્રમાણે જીવવાનું શરુ કર્યું કે નહિ, તે મને કહેજો.”

પછી ડોક્ટર વધુમાં કહેતા કે, “તમે સાજા હતા, ત્યારે આ પ્રમાણે સારું જીવતાં તમને કોણ રોકતું હતું? તમારે ઓપરેશન કરાવવાનું આવે અને મૃત્યુનો ડર લાગે છે ત્યારે, સારી રીતે જીવવાનું તમને યાદ આવે છે, તો આ રીતે પહેલાં નહોતું જીવી શકાતું?’

મિત્રો, આજના આ લેખમાં આ જ વાત કહેવી છે. તમે સાજાનરવા છો, તમે એકદમ તંદુરસ્ત છો, ત્યારે પણ સારું જીવન જીવો, બધાની સાથે હળીમળીને રહો, કુટુંબના સભ્યો સાથે પ્રેમભાવથી જીવો. માતા, પિતા, પત્ની અને બાળકોને પૂરતો સમય આપો, બીજા લોકો સાથે પણ સારા સંબંધો રાખો, બીજાને મદદરૂપ થવાની ભાવના રાખો, જીવન આનંદ અને સંતોષથી જીવો. ભગવાને આ અમૂલ્ય જીંદગી આપી છે, તેનો ભરપૂર આનંદ માણો. માંદા પડવાની કે ઓપરેશનની સ્થિતિ આવે ત્યાં સુધી સારા બનવાની રાહ ન જુઓ. ‘જાગ્યા ત્યાંથી સવાર’ માનીને અત્યારથી જ સારું જીવન જીવવાનું શરુ કરી દો. તો માંદા પડવાની કે ઓપરેશનની નોબત જ નહિ આવે.

 જિંદગીના અંતે એવું લાગવું જોઈએ કે મારું જીવન હું ખૂબ સરસ જીવ્યો હતો.

લોકોએ સારી જીંદગી જીવવા માટેની, પેલા ડોક્ટરની વાત કેટલી સરસ છે ! તમે પણ ડોક્ટર પાસે ગયા વગર જ, પેલું ફોર્મ ભરીને, સારી રીતની જીંદગી જીવવા માંડો. 

મહાજ્ઞાની અને યોગી ડોક્ટર વર્તક

મહાજ્ઞાની અને યોગી ડોક્ટર વર્તક

પૃથ્વી પરનો માણસ ચંદ્ર પર ગયો છે, પણ હજુ સુધી કોઈ પણ માણસ મંગળ કે ગુરુના ગ્રહ પર ગયો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે પૂનાના એક ડોક્ટર સમાધિ અવસ્થામાં પોતાના વિજ્ઞાનમય કોષ દ્વારા ૧૯૭૫માં મંગળ તથા ગુરુના ગ્રહ પર ભ્રમણ કરી આવ્યા છે. એ ડોક્ટરનું નામ છે ડો. પદ્માકર વિષ્ણુ વર્તક.

એક ભણેલાગણેલા વિદ્વાન ડોક્ટર જયારે મંગળ અને ગુરુના ગ્રહ પર જઈ આવ્યાની વાત કરે, ત્યારે તેમના વિષે જાણવાનું મન જરૂર થાય. આ ડોક્ટર અને તેમણે મેળવેલી સિદ્ધિઓ વિષે અહીં વાત કરું.

ડોક્ટર પદ્માકરનો જન્મ ઈ.સ. ૧૯૩૩માં પૂનામાં થયો હતો. તેઓ MBBS ડોક્ટર હતા. પૂનામાં તેમની હોસ્પિટલ હતી. તેઓએ સાહિત્યમાં Ph Dની ડીગ્રી મેળવી હતી. તેઓ સ્વભાવે નમ્ર હતા. તેઓ ૨૦૧૯માં ગુજરી ગયા.

તેઓ ઋષિ જેવા સાધક હતા. તેમણે ઘણું આધ્યાત્મિક અને વૈદિક સંશોધન કરેલું. તેમણે ‘અધ્યાત્મ સંશોધન મંદિર’ અને ‘વેદવિજ્ઞાન મંડળ’ની સ્થાપના કરેલી છે. પોતાના પૂના ખાતેના ‘વર્તક’ આશ્રમમાં તેઓ દર રવિવારે ધ્યાન-સાધનાના વર્ગો ચલાવતા હતા. તેમણે પુનર્જન્મ પર ઘણું સંશોધન કર્યું છે.

તેમને દિવ્ય દ્રષ્ટિનું વરદાન હતું. તેમની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે સમાધિ અવસ્થામાં તેઓ પોતાના વિજ્ઞાનમય કોષ દ્વારા મંગળ તથા ગુરુ ગ્રહ પર ભ્રમણ કરી આવ્યા હતા. અને એ ગ્રહો પરનું વાતાવરણ તથા અન્ય માહિતી તેમણે ૧૯૭૭માં પ્રસિદ્ધ કરી હતી અને અમેરિકાની ‘નાસા’ સંસ્થાને મોકલી હતી. ત્યાર બાદ નાસાએ મંગળ અને ગુરુ ગ્રહ પર મોકલેલાં અવકાશયાનોએ જે માહિતી એકઠી કરી તેની સાથે ડો. વર્તકની માહિતી સરખાવવામાં આવી તો, ડોક્ટર સાહેબના ૨૧માંથી ૨૦ મુદ્દા મળતા આવ્યા. આપણા દેશના ડોકટરે આ કામ કર્યું તે આપણા માટે ગૌરવની વાત છે. તેમણે ખગોળશાસ્ત્રીય ગણિત પરથી ભગવાન રામની જન્મતારીખ, લગ્નતારીખ, રાજ્યાભિષેક, વનવાસ એવું ઘણું બધું પુરાવાઓ સાથે શોધી કાઢ્યું છે. અને ‘વાસ્તવ રામાયણ’ નામના પોતે લખેલા પુસ્તકમાં એ બધું લખ્યું છે. કોઈ પણ વિદ્વાન આજ સુધી તેમના પુરાવાઓનું ખંડન કરી શક્યા નથી. તેમણે ઉપનિષદ, પાતંજલ યોગ, પુનર્જન્મ, શ્રીકૃષ્ણ, દ્રૌપદી, ભીમ વગેરે પુસ્તકો લખ્યાં છે. તેમની શોધ અનુસાર, મહાભારતનું યુદ્ધ ઈ.સ. પૂર્વે ૫૫૬૧માં લડાયું હતું.

ડો. વર્તકે પુનર્જન્મનો સિધ્ધાંત સાચો સાબિત કર્યો છે. તેઓએ એક જગાએ કહ્યું છે કે ‘આપણી સંસ્કૃતિમાં પુનર્જન્મનો સિધ્ધાંત અગત્યનો છે. ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે કર્મના સિધ્ધાંત અનુસાર, દરેકને કર્મફળો ભોગવવાં પડે છે. ઋગ્વેદનો સમય આશરે ૨૫૦૦૦ વર્ષ પૂર્વેનો મનાય છે. સંશોધન કરતાં, મારી પાસે એટલા બધા પુરાવાઓ અને માહિતી એકઠી થઇ કે પુનર્જન્મ એ સો ટકા સાચો અને વૈજ્ઞાનિક સિધ્ધાંત છે, એવી મને ખાતરી થઇ. આ સંશોધનમાં મારી ધ્યાનસાધના અને સમાધિ અવસ્થા તથા દિવ્ય દ્રષ્ટિના વરદાનનો પણ ઉપયોગ થયો.’

તેમણે શોધેલી માહિતી અનુસાર, મહાભારતના પાંડવ ભીમે સંત જ્ઞાનેશ્વર અને પછી વીર સાવરકર તરીકે પુનર્જન્મ લીધો હતો. પાંડવો તેમના પૂર્વજન્મમાં ઇન્દ્રો હતા, અને દ્રૌપદી સાક્ષાત લક્ષ્મી હતાં. કોઈક કારણસર તેઓને મૃત્યુ લોકમાં આવવું પડ્યું અને પાંડવો તથા દ્રૌપદી તરીકે જન્મ લેવો પડ્યો. સમાધિ અવસ્થામાં કોઈ પણ માનવીનો પૂર્વ જન્મ જોઈ શકાય છે. એના ઘણા પૂરાવા એમણે એમના ‘પુનર્જન્મ’ નામના પુસ્તકમાં આપ્યા છે.

ડોક્ટર પદ્માકરે આવી તો ઘણી જ બાબતો શોધીને પ્રસિદ્ધ કરી છે. તમને વધુ જાણવામાં રસ પડે તો Google પર જઈ તેમના વિષે વધુ જાણવાનો પ્રયત્ન કરજો. મજા આવશે. ડો. વર્તકનો ફોટો અહીં મૂક્યો છે.

૨૪ કલાક માટેનો નિયમ

૨૪ કલાક માટેનો નિયમ

એક વાર હું એક સંબંધીને ત્યાં એક દિવસ રહેવા માટે ગયો. ખાવાપીવામાં અને વાતોમાં આખો દિવસ સરસ રીતે પૂરો થઇ ગયો. સવારે જમવામાં ભવ્ય ગુજરાતી થાળી અને સાંજના પાઉં ભાજી, ખાવાની મજા આવી ગઈ. મારા એ સંબંધી વૈષ્ણવ હતા, તેઓ ડુંગળી-લસણ ના ખાય. પાઉં ભાજીમાં તો ડુંગળી-લસણ આવે જ. એના વગર મજા ના આવે. પણ એ દિવસે મારા એ સંબંધીએ ડુંગળી-લસણવાળા પાઉં ભાજી ખાઈ લીધા. મને યાદ આવ્યું કે તેઓ ડુંગળી-લસણ તો ખાતા નથી, તો આજે કેમ ખાઈ લીધું હશે? એટલે મેં તો તેમને પૂછ્યું, ‘તમે આજે ડુંગળી-લસણવાળા પાઉં ભાજી ખાધાં?’

તેમણે કહ્યું, ‘હા, આજે મેં ડુંગળી-લસણવાળા પાઉં ભાજી ખાધાં.’

મેં કહ્યું, ‘તમે ડુંગળી-લસણ તો ખાતા નથી. તો આજે કેમ ખાધાં?’

તેમણે જવાબ આપ્યો, ‘મેં આજે ૨૪ કલાક પૂરતું નિયમમાં છૂટછાટ રાખી. મેં નક્કી કરેલું કે આજનો દિવસ હું બધાની સાથે ડુંગળી-લસણ ખાઈ લઈશ.’

મને આ વાત ગમી. કોઈ નિયમમાં ૨૪ કલાક પૂરતી છૂટ લઇ શકાય. અથવા કોઈ નિયમ ૨૪ કલાક પૂરતો પણ લઇ શકાય.

આપણે જીંદગીમાં ઘણી વાર કોઈ નિયમ કે બાધા લેતા હોઈએ છીએ. જેમ કે, ‘હું છ મહિના સુધી મીઠાઈ નહિ ખાઉં’, ‘હું રોજ સવારે પાંચ વાગે ઉઠીશ’, ‘હું હવે સિગારેટ નહિ પીવું’, ‘હું રોજ ૨ કિમી ચાલીશ’ વગેરે. આપણે આવો કોઈ નિયમ તો લઇ લઈએ, પણ પછી તેને લાંબા સમય સુધી પાળવો અઘરો લાગે છે. અને ના ગમે તો ય બળજબરીથી એ નિયમ પાળતા રહીએ છીએ.

એને બદલે, આવો કોઈ નિયમ લાંબા ટાઈમ માટે લેવાને બદલે, એક દિવસ પૂરતો જ એટલે કે ૨૪ કલાક માટે જ લઈએ. જેમ કે (૧) આજે હું એક ટાઈમ જમીશ (૨) આજે હું કોઈના પર ગુસ્સો નહિ કરું (૩) આજે હું ખુશ રહીશ અને બધાને ખુશ રાખીશ (૪) આજે હું ચોકલેટ અને કેક નહિ ખાઉં (૫) હું આજનો દિવસ ભાત નહિ ખાઉં વગેરે.

આમ જો ૨૪ કલાક પૂરતો જ નિયમ લેશો તો એને પાળવાનું બહુ સહેલું છે. ધારો કે આજે હું ભાત નહિ ખાઉં, પણ આવતી કાલે તો ખાવા મળશે જ ને. એટલે આજ પૂરતું એનો અમલ કરવાનું અઘરું નહિ લાગે. વળી, આવો નિયમ કાયમ માટેનો નહિ હોવાથી, મન પર તેના અમલનો ભાર નહિ રહે. તમે હળવા જ રહેશો.

વળી, એક દિવસ પૂરતો તો તમે નિયમ પાળો જ છે, એટલે એનો લાભ તો થશે જ. જેમ કે ‘આજે હું મીઠાઈ નહિ ખાઉં’ એવું નક્કી કર્યું હોય તો આજના દિવસ પૂરતું તો તમે ગળ્યું નથી ખાતા, તેનો લાભ તો શરીરને મળશે જ. વળી, બીજે દિવસે એમ લાગે કે ‘હજુ વધુ એક દિવસ મીઠાઈ નથી ખાવી’ તો આ નિયમ વધુ એક દિવસ લંબાવી શકાય. એમ કરીને કદાચ વધુ દિવસો સુધી પણ નિયમ લંબાવી શકાય. પણ જો પહેલેથી વધુ દિવસો માટે નિયમ લઈશું, તો પાળવાનું અઘરું લાગશે.

ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ નિયમ કે બાધા લો તો તે એક દિવસ પૂરતી એટલે કે ૨૪ કલાક પૂરતી લો, તો વધુ સગવડભર્યું રહેશે અને નિયમનું પાલન પણ થશે.

બોલો, આ વાત તમને ગમી કે નહિ?       

મકાઈ ખાવાની મોજ

મકાઈ ખાવાની મોજ

પંચમહાલ જીલ્લામાં ગોધરાથી ૧૬ કી.મી. દૂર ઘૂસર ગામમાં, ડુંગરો વચ્ચે ગોમા નદીને કિનારે ગુપ્તેશ્વર મહાદેવ આવેલું છે. અહીં એક ડુંગર પર પત્થરોની ગુફામાં ગુપ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે.

અમે એક વાર બપોર પછી અહીં ગયા હતા. મહાદેવનાં દર્શન કર્યા બાદ નદી બાજુ ફરવા નીકળ્યા. નદી કિનારે, એક ખેતર જોયું, એમાં મકાઈનો  પાક લહેરાતો હતો. છોડ પર મકાઈનાં ડોડા લાગેલા હતા. આવી સરસ કુણી મકાઈ ક્યાં ખાવા મળે? મોઢામાં પાણી આવી ગયું. પણ આ મકાઈ લેવી કઈ રીતે? ખેતરને વાડ કરેલી હતી, એટલે જાતે તો મકાઈ લેવાય એવું હતું જ નહિ.

એટલામાં ખેતરમાં એક ખેડૂત નજરે પડ્યો. મેં કહ્યું, ‘એ ભાઈ, અમને થોડી મકાઈ આપશો?’

તેણે ના પાડી, કહે, ‘હું તો ભાઈ, ચોકીદાર છું. આ ખેતર મારું નથી. મારાથી મકાઈ ના અપાય.’

મેં કહ્યું, ‘એ જે હોય તે. તને થોડા રૂપિયા આપી દઈશું. એ રૂપિયા તું તારા શેઠને આપી દેજે. પણ મકાઈ તો અમારે ખાવી છે.’

થોડી હા-ના પછી એ મકાઈ આપવા તૈયાર થયો. અમે સાત જણ હતા, એટલે એણે સાત મકાઈ તોડી આપી. અમે ૨૦ રૂપિયા આપી દીધા. ખેડૂત ખુશ અને અમે પણ ખુશ. હવે આ મકાઈને શેકવી કેવી રીતે? એમાં એ ખેડૂત મદદે આવ્યો. એ ખેતરમાંથી બહાર આવ્યો. એણે આજુબાજુથી ડાળખીઓ-લાકડાં ભેગાં કર્યા. એની પાસે બીડી સળગાવવા માટેની દીવાસળી તો હતી જ. એણે લાકડાં સળગાવ્યાં, અને અમે બધાએ થઈને મકાઈ શેકી.

વાહ, પછી તો ખાવાની શું મજા આવી ગઈ !! આવી તાજી મકાઈ ખાઈને ખૂબ સંતોષ થયો. પછી તો નદીમાં જઈને બેઠા. નદીમાં હાથથી વહેરો (ખાડો) ખોદી પાણી કાઢ્યું, પાણી પીધું.

હવે અંધારું થવા આવ્યું હતું. આજુબાજુ કોઈ દેખાતું ન હતું. અમે ગાડી ઉપાડી, અને આઠ વાગે બાજુના વેજલપુર ગામે એક સંબંધીને ત્યાં પહોંચ્યા. અમે તેમને મકાઈ ખાધાનો અને નદીમાં પાણી પીધાનો અનુભવ કહ્યો. એ સંબંધી બોલ્યા, ‘તમે બચી ગયા. અંધારું થયા પછી, ત્યાં એ નદીમાં વાઘ પાણી પીવા આવે છે.’

બાપ રે, તે દિવસે જો વાઘ આવ્યો હોય, તો અમને બધાને ખાઈ ગયો હોત !!

ઓલિમ્પિક રમતો અને ભારત

ઓલિમ્પિક રમતો અને ભારત
જાપાનના ટોકિયો શહેરમાં રમાયેલી ઓલિમ્પિક રમતો આ રવિવારે ૮ તારીખે પૂરી થઇ. એમાં ભારતના નીરજ ચોપડા ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યા એ આપણા માટે ખાસ ગૌરવ લેવા જેવી બાબત છે. નીરજભાઈને ઘણાં માનપાન અને ઇનામો મળ્યાં. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાત કરીને તેમને અભિનંદન આપ્યાં. આપણા ખેલાડીઓને આપણે પણ અભિનંદન પાઠવીએ.
આ વખતની ૨૦૨૧ની ઓલિમ્પિક રમતો જાપાનના ટોકિયો શહેરમાં ૨૩ જુલાઈથી ૮ ઓગસ્ટ દરમ્યાન યોજાઈ. ભારતને કુલ સાત મેડલ મળ્યા. (૧) વેઇટ લીફટીંગમાં મીરાબાઈ ચાનૂને સિલ્વર મેડલ. મીરાબાઈ ૨૬ વર્ષની છે, અને મણીપુરના નોંગપોક ગામની છે. (૨) પી વિ સિંધુએ વિમેન્સ બેડમીન્ટનમાં બ્રોન્ઝ (કાંસા)નો મેડલ મેળવ્યો. તે ૨૬ વર્ષની અને હૈદરાબાદની વતની છે. (૩) લવલીના બોર્ગોહેનને વિમેન્સ બોક્સીંગમાં બ્રોન્ઝ ચંદ્રક મળ્યો. તે આસામના બારપાથર ગામની છે, તેની ઉમર ૨૩ વર્ષ છે. (૪) રવિકુમાર દહિયાએ મેન્સ રેસલીંગ (કુસ્તી)માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. તે ૨૩ વર્ષના અને હરિયાણાના સોનેપત ગામના છે. (૫) ભારતની મેન્સ હોકી ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યો. (૬) બજરંગ પુનિયાને મેન્સ રેસલીંગમાં બ્રોન્ઝ ચંદ્રક મળ્યો. તેઓ હરિયાણાના ખુદાન ગામના છે. (૭) નીરજ ચોપરાએ મેન્સ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. તેઓ હરિયાણાના ખન્દ્રા ગામના છે.
આમ, ભારતને ૧ સુવર્ણ (ગોલ્ડ), ૨ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મળીને કુલ સાત મેડલ મળ્યા છે. અગાઉ કરતાં આ વખતે ભારતનો દેખાવ સારો રહ્યો છે. આમ છતાં, બીજા ઘણા દેશોની સરખામણીએ આપણે બહુ પાછળ છીએ. જેમ કે અમેરીકાને કુલ ૧૦૮ મેડલ્સ, ચીનને ૮૭, રશિયાને ૬૭ અને ઇંગ્લેન્ડને ૬૩ મેડલ્સ મળ્યા છે. આપણે ઓલિમ્પિક્સમાં હજુ વધુ રસ લઈને વધુ આગળનું સ્થાન મેળવવાનું છે.
ઓલિમ્પિક રમતો વિષે થોડી વિગતે વાત કરીએ. પુરાણા જમાનામાં ગ્રીસના ઓલિમ્પિયામાં ઈ.સ. પૂર્વે ૭૭૬માં આવી રમતો શરુ થઇ હતી, તે ઈ.સ. ૩૯૩ સુધી રમાઈ હતી. આધુનિક ઓલિમ્પિક રમતો ઈ.સ. ૧૮૯૬થી શરુ થઇ છે. સૌ પહેલી ઓલિમ્પિક ગ્રીસના એથેન્સ શહેરમાં ૧૮૯૬માં રમાઈ હતી. ત્યાર પછી દર ચાર વર્ષે આ રમતો યોજાતી આવી છે. આ રમતો માટે પાંચ રીંગનો લોગો છે, એ સૂચવે છે કે દુનિયાના પાંચે ય ખંડમાંથી ખેલાડીઓ અહીં આવી શકે છે. ઓલિમ્પિક રમતોમાં ખેલાડીનું શરીર સૌષ્ઠવ કેવું છે, અને જુદી જુદી શારીરિક રમતોમાં કેવી આવડત છે, એનું માપ નીકળે છે.
છેલ્લા કેટલાય વખતથી આ રમતો દર બે વર્ષે યોજાય છે, એક વાર સમર (ઉનાળુ) અને બીજી વિન્ટર (શિયાળુ). અત્યારે ટોકિયોમાં યોજાયેલી ઓલિમ્પિક એ ૩૨મી સમર ઓલિમ્પિક છે. હવે પછીની ૨૦૨૨માં વિન્ટર ઓલિમ્પિક બીજિંગમાં અને ૨૦૨૪ની સમર ઓલિમ્પિક પેરીસમાં યોજાવાની છે. ભારતમાં ઓલિમ્પિક એક પણ વાર યોજાઈ નથી. ૨૦૩૬ની ઓલિમ્પિક ભારતમાં ગુજરાતમાં યોજાવાની વાતો ચાલે છે. જો એવું થાય તો ૨૦૩૬માં ભારત પહેલી વાર ઓલિમ્પિકનું યજમાન બનશે.
અત્યારની ટોકિયો ઓલિમ્પિક ખરેખર તો ગઈ સાલ ૨૦૨૦માં યોજાવાની હતી, પણ કોરોનાને લીધે મોડું થયું, અને છેવટે હમણાં યોજાઈ. ઓલિમ્પિક રમતો યોજવાનો ખર્ચ બહુ જ મોટો આવે છે. મોટાં સ્ટેડિયમો અને ખેલાડીઓની સગવડો, રમત જોવા આવનારા પ્રેક્ષકો માટેની વ્યવસ્થા એમ બહુ જ મોટું પ્લાનીંગ કરવાનું હોય છે. આમ છતાં, જાહેરાતોની અને પ્રેક્ષકોની ટીકીટની આવક પણ થતી હોય છે. આ વખતે ૨૦૬ દેશોના લગભગ ૧૧,૦૦૦ રમતવીરોએ ભાગ લીધો હતો. ૪૧ જુદી જુદી રમતોના ૩૩૯ જેટલા events યોજાયા હતા. કોરોનાને લીધો પ્રેક્ષકો પણ હતા નહિ.
ભારતના મેડલ મેળવનારા ખેલાડીઓ એકાએક જાણીતા બની ગયા છે, આ બધા ખેલાડીઓ સાવ સામાન્ય કુટુંબોમાંથી આવેલા છે. તેઓની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હોવા છતાં તેઓએ ઓલિમ્પિકમાં સિદ્ધિ મેળવી છે. આપણા આવા ખેલાડીઓ પ્રત્યે જો વધુ ધ્યાન આપવામાં આવે તો બીજા દેશોની જેમ આપણે પણ વધુ મેડલ્સ મેળવી શકીએ.

મુશ્કેલીઓને હળવી બનાવો

મુશ્કેલીઓને હળવી બનાવો

આપણા જીવનમાં ક્યારેક નાનીમોટી મુશ્કેલીઓ તો આવતી હોય છે, કોઈનું ય જીવન સંપૂર્ણ સરળ તો નથી જ હોતું. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, તો પણ ક્યારેક તકલીફ તો આવે જ. તો આવી તકલીફ વખતે શું કરવું? તકલીફ વખતે શું કરવું કે જેથી જીંદગીનો આનંદ જતો ના રહે. તમે મુશ્કેલીને હળવી બનાવી શકો. મુશ્કેલીને હળવાશથી લો, અને તેને સુલઝાવવાનો રસ્તો શોધો. કોઈ રસ્તો ના મળે તો તેનો સ્વીકાર કરો. ભગવાન પર શ્રદ્ધા રાખો. ભગવાન આપણી મુશ્કેલીઓ જરૂર હળવી બનાવી દે છે.  

શ્રી યદુનાથજી મહોદયશ્રીએ આ અંગે બહુ જ સરસ વાત કરી છે. તેમણે કહેલો એક પ્રસંગ તમને કહું. એક રાજા હતો, તેના મહેલની આગળ એક બહુ મોટો બગીચો હતો. બગીચામાં જાતજાતના ફૂલછોડ અને ફળોનાં ઝાડ હતાં. રાજાએ એ બધાની સંભાળ માટે માળી રાખ્યો હતો. માળી છોડોને પાણી પાય, અને ઝાડ પર જે ફળો થાય તે ટોપલામાં ભરીને રોજ સાંજે રાજાને પહોંચાડે. રાજા પણ ફળો ખાઈને ખુશ થાય, અને માળીને અવારનવાર પૈસા અને ભેટસોગાદો આપે. એક દિવસ માળીએ રાજા માટે ફળ તોડ્યાં. તેણે થોડાં નાળીયેર તોડ્યાં, થોડાં સફરજન, થોડાં જામફળ અને થોડી દ્રાક્ષ પણ તોડી. પછી વિચાર કરવા બેઠો કે રાજા પાસે આજે કયાં ફળ લઈને જાઉં કે જેથી રાજા ખુશ થાય. પહેલાં એણે નાળીયેર લઇ જવાનું વિચાર્યું, પછી વિચાર બદલીને સફરજન, એ વિચાર પણ બદલીને જામફળ, પણ એ ય ઠીક ન લાગતાં છેવટે દ્રાક્ષ લઇ જવાનું નક્કી કર્યું. માળી દ્રાક્ષની ટોપલી લઈને રાજા પાસે પહોંચ્યો.  

રાજા સામે તેણે દ્રાક્ષની ટોપલી ધરી. આજે રાજા કોઈક કારણસર ગુસ્સામાં હતો. તેણે ટોપલામાંથી એક દ્રાક્ષ ખાધી, અને બીજી એક દ્રાક્ષ ઉપાડીને માળીને માથામાં મારી. માળી બોલ્યો, ‘ભગવાન, આપની કૃપા.’ રાજાએ બીજી દ્રાક્ષ ખાધી, અને ટોપલીમાંથી એક દ્રાક્ષ લઈને માળીને ફરીથી માથામાં મારી. આ વખતે પણ માળી બોલ્યો, ‘ભગવાન, આપની કૃપા.’ આમ દર વખતે રાજા એક દ્રાક્ષ ખાતો જાય અને એક દ્રાક્ષ માળીને માથામાં મારતો જાય, માળી પણ દર વખતે ‘ભગવાનની કૃપા’ એમ બોલતો જાય. આમ વારંવાર થયા પછી, અને ‘ભગવાનની કૃપા’ એવું સાંભળ્યા પછી, રાજાનો ગુસ્સો ઉતરી ગયો, ત્યારે રાજાએ માળીને પૂછ્યું, ‘મેં તને આટલી બધી વખત દ્રાક્ષ માથામાં મારી, તો પણ તેં એને ભગવાનની કૃપા જ કેમ માની?’

માળી કહે, ‘રાજન, આજે મેં દ્રાક્ષ ઉપરાંત નાળીયેર, સફરજન અને જામફળ પણ તોડ્યાં હતાં, છતાં, ભગવાને જ મને આપની સમક્ષ દ્રાક્ષ લઇ આવવાનું સુઝાડ્યું. જો હું નાળીયેર, સફરજન કે જામફળ લાવ્યો હોત, અને તમે મને તે માથામાં માર્યાં હોત, તો મારું માથું ફૂટી જાત, અને હું મરી જાત. પણ ભગવાને જ મને સારું સુઝાડ્યું અને હું દ્રાક્ષ લઈને આવ્યો, અને હું બચી ગયો, મારી મુશ્કેલી હળવી થઇ ગઈ, એને ભગવાનની કૃપા જ કહેવાય ને?’ આપણે પણ ભગવાન પર ભરોસો રાખીએ અને દરેક ઘટનામાં ભગવાનની કૃપા માનીએ, તો ભગવાન આપણને સારું જ સૂઝાડે છે, જો આપણો ઈરાદો શુદ્ધ હોય તો ભગવાન જે કરે તે સારા માટે જ હોય છે. ભગવાન આપણી મુશ્કેલીને હળવી બનાવી દે છે, અને આપણે તે મુશ્કેલીમાંથી બહાર આવી જઈએ છીએ.’

માળીની આ વાત આપણા જીવનમાં બનતી બધી ઘટનાઓ માટે લાગુ પડે છે. ભગવાન આપણું ક્યારેય અહિત કરતા નથી. ભગવાન પર શ્રદ્ધા રાખીએ તો તે આપણી મુશ્કેલી આસાન કરી દે છે. તમારા જીવનમાં બનતી ઘટનાઓમાં આ બાબતનો અનુભવ કરજો.

એક વાર અમે નારેશ્વર ગયા હતા. ત્યાંથી પાછા વળીને ભરૂચ જવાનું હતું. નારેશ્વરથી ભરૂચ ૩૮ કી.મી. દૂર છે. નારેશ્વરમાં જ રાત પડી ગઈ. આ રસ્તે પહેલી વખત જ જતા હતા. થોડાક કી.મી. ગયા પછી, રસ્તાના બે ફાંટા પડ્યા, હવે? કયા ફાંટામાં જવું એ ખબર નહિ. ક્યાંય બોર્ડ મારેલું ન હતું. કોઈ માણસ પણ ત્યાં હતો નહિ કે જેને પૂછી શકાય. બધે જ અંધારું હતું. છેવટે ભગવાનનું સ્મરણ કરી એક ફાંટામાં ગાડી આગળ લીધી. ચારેક કી.મી. પછી એક ધાબા જેવું કંઇક આવ્યું, ત્યાં ઉભેલા માણસોને ભરૂચનો રસ્તો પૂછ્યો, તો કહે કે ‘આ રસ્તો બરાબર છે.’ છેવટે અમે આસાનીથી ભરૂચ પહોંચી ગયા. ભગવાન આપણને સાચું જ સુઝાડે છે, અને આપણી મુશ્કેલી હળવી બની જાય છે. તમારા અનુભવો જણાવજો.

Previous Older Entries