મિત્રો, તમારે તમારી જિંદગીમાં, તમે ધારો એ બધું મેળવવું છે? તો આ લેખ ધ્યાનથી વાંચો. તમે અહીં લખેલી રીતનો પ્રયોગ કરવાની ટેવ પાડશો તો, જિંદગીમાં તમે ધારો તે બધું જ મેળવી શકશો. લેખ બને એટલો ટૂંકો લખવા પ્રયત્ન કર્યો છે, ભાષા શક્ય એટલી સાદી રાખી છે.
અર્ધજાગ્રત મન, માણસને મળેલી આશ્ચર્યજનક ભેટ
તમને રાજા અલ્લાઉદીનના જાદુઈ ચિરાગની ખબર છે? અલ્લાઉદીન પાસે એક જાદુઈ ચિરાગ હતો, એના પર તે આંગળી ઘસે, એટલે એમાંથી જીન પ્રગટ થાય, અને પૂછે, “બોલ, માગ, માગે તે આપું.” પછી રાજાને જે જોઈતું હોય તે માંગે, અને જીન તરત જ એ વસ્તુ હાજર કરી દે. આવો જાદુઈ ચિરાગ આપણને મળી જાય તો, કેવી મજા આવી જાય ! હું તમને જણાવું કે આવો જાદુઈ ચિરાગ આપણી પાસે છે જ. ક્યાં છે, કહું? ભગવાને દરેક માણસને અર્ધજાગ્રત મન (Subconscious mind) આપ્યું છે, અને આ અર્ધજાગૃત મન એ આપણો જાદુઈ ચિરાગ છે. એની પાસેથી તમે ઈચ્છો તે બધું જ મેળવી શકો છો. બોલો, હવે જાણવાની ઉતાવળ આવી ગઈ ને? કે કઈ રીતે આ થઇ શકે? તો ચાલો, વાંચવા માંડો.
આપણી પાસે બે મન હોય છે, એક જાગ્રત મન અને બીજું અર્ધજાગ્રત મન. આપણે જાગતા હોઈએ ત્યારે આપણે બુદ્ધિથી સમજી વિચારીને જે કાર્યો કરીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, સારુંનરસું સમજી શકીએ છીએ, એ બધું જ જાગ્રત મન દ્વારા કરીએ છીએ. એટલે કે જાગ્રત મન વિચાર કરી શકે છે, નિર્ણયો લઇ શકે છે, સારુંખોટું સમજી શકે છે. તકને ઓળખી શકે છે. જાગ્રત મન આપણે જાગતા હોઈએ ત્યારે જ કામ કરે છે. જાગ્રત મનની શક્તિ ફક્ત ૧૦ ટકા જ છે.
અર્ધજાગ્રત મન, ચોવીસે કલાક કામ કરે છે. તેની તાકાત ૯૦ ટકા છે. એક બે ઉદાહરણ આપું. શરીરમાં ખોરાક પચવાની, હૃદયને ધબકતું રાખવાની, ઘા પડ્યો હોય તો રૂઝાવાની, ઉંઘમાં પડખું ફેરવવાની, યાદશક્તિ, શરીરની વૃદ્ધિ, ત્રિકાળજ્ઞાન, ટેલીપથી – આવી બધી જે ક્રિયાઓ છે, તે અર્ધજાગ્રત મન દ્વારા થાય છે. આ ઉપરાંત, તેને જે કામ સોંપો, તે બધું જ તે કરી આપે છે. અર્ધજાગ્રત મન પાસે નિર્ણય લેવાની શક્તિ નથી. પણ તેને જે સૂચનો કરવામાં આવે તેનો તે એક વફાદાર સેવકની જેમ અમલ કર્યા જ કરે છે. તમે એને સારું કે ખરાબ, જે કામ સોંપશો તે એ અચૂક કરશે જ.
પહેલાં તો આપણે શું મેળવવા ઈચ્છીએ છીએ, આપણું ધ્યેય (Goal) શું છે, તે નક્કી કરવું જોઈએ. હવે, અર્ધજાગ્રત મનને આ કામ કઈ રીતે સોંપવું? એની એક રીત અહીં લખું છું. તમે રાત્રે સૂવા પડો ત્યારે, ઉંઘ આવી જતા પહેલાંની પાંચેક મિનીટ એવી હોય છે કે જેમાં તમે પૂરા જાગતા ન હો કે પૂરા ઉંઘી પણ ન ગયા હો. આ સમયે અર્ધજાગ્રત મનને જે સૂચન કરીએ, તે અર્ધજાગ્રત મનમાં બરાબર પહોંચી જાય છે. એટલે આ સમયે, જે વસ્તુ પ્રાપ્ત કરવી છે, તેનું મનમાં રટણ કરતાં કરતાં ઉંઘી જવું. દા.ત. મારે પરીક્ષામાં ૯૦ ટકા, લાવવા છે, ૯૦ ટકા લાવવા છે, એવી ઈચ્છા કરતાં કરતાં ઉંઘી જવું. પછી અર્ધજાગ્રત મન તમે સોંપેલું કામ કરવા માંડશે. મેં એવું ઘણી વાર અનુભવ્યું છે કે રાતે કોઈ દાખલો ના આવડ્યો હોય અને પછી સૂવા પડું અને એ દાખલો યાદ કરતાં કરતાં ઉંઘી જાઉં, સવારે જાગું ત્યારે એ દાખલો ગણવાની રીત જડી ગઈ હોય.
અર્ધજાગ્રત મનને આપણું ધ્યેય સોંપવાની બીજી રીત. અર્ધજાગ્રત મન ફક્ત ચિત્રોની ભાષા સમજે છે. તમે શાંત ચિત્તે એક રૂમમાં આંખો બંધ કરીને બેસો. અને તમારા ધ્યેયને લગતાં ચિત્રો કપાળ આગળ એક કાલ્પનિક પડદા પર જુઓ. આ ચિત્રો અર્ધજાગ્રત મનમાં અંકિત થઇ જશે, અને તમારા ધ્યેયને સાચું બનાવવા માટે તે કામે લાગી જશે. અર્ધજાગ્રત મનને આ રીતે કામ સોંપવાનું થોડા દિવસો સુધી રોજ કરવું જોઈએ.
અર્ધજાગ્રત મનને કામ સોંપ્યા પછી, તે આપણને ધ્યેય સિદ્ધ થયાનો સંદેશો કઈ રીતે મોકલે? (૧) આપણે રાબેતા મૂજબ જીવતા હોઈએ અને કોઈ દિવસ એકાએક આપણને સ્ફૂરણા થાય કે ઓહો ! ફલાણું કામ તો આ રીતે કરી શકાય. આ સ્ફૂરણા અર્ધજાગ્રત મને મોકલી હોય છે. (૨) દા.ત. પરીક્ષામાં ૯૦ ટકા લાવવાનું કામ અર્ધજાગ્રત મનને સોંપ્યું હોય તો તે આપણને પ્રેરણા કરે કે અમુક રીતે વાંચો, આપણે એ પ્રમાણે વાંચીએ, અને ૯૦ ટકા આવી જાય.
અર્ધજાગ્રત મન તમારાં કામ કરી આપે એ માટે અમુક જરૂરિયાતો છે. (૧) હમેશાં હકારાત્મક (Positive) બનવું. (૨) ગુસ્સો ના કરવો. (૩) બીજાઓને તેમની ભૂલો માટે માફી આપવી. (૪) જે મેળવવું છે, તેની તીવ્ર ઈચ્છા (Burning desire) હોવી જોઈએ.(૫) અર્ધજાગ્રત મનની શક્તિઓ પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ.
અર્ધજાગ્રત મન એ કદાચ શરીરમાં રહેલો આત્મા કે ભગવાનનો અંશ છે. તમે તમારા અર્ધજાગ્રત મનને ઓળખો. તેની સાથે થોડો સમય વિતાવો. તમારી અંદરની દુનિયામાં ડોકિયું કરવાની ટેવ પાડો, તે તમારાં બધાં કામ કરી આપશે. તમારું જીવન ધન્ય થઇ જશે. અર્ધજાગ્રત મન પાસે બધા જ પ્રશ્નોના ઉકેલ છે.
નોંધ: અર્ધજાગ્રત મનને લગતી ઘણી બુક્સ અંગ્રેજી અને ગુજરાતીમાં લખાઈ છે. આ લેખ લખવામાં, એવી એક બુક “પ્રેરણાનું ઝરણું”નું માર્ગદર્શન લીધું છે.