રૂપાલની પલ્લી

દર વર્ષે આસો સુદ નોમની રાત્રે રૂપાલ ગામમાં પલ્લી નીકળે છે, એની વાત આજે કરીએ.                                         
                                                         રૂપાલની પલ્લી

રૂપાલની પલ્લીનું નામ તો બધાએ જરૂર સાંભળ્યું હશે. ગાંધીનગર જીલ્લાના રૂપાલ ગામે નવમા નોરતે એટલે કે આસો સુદ ૯ ની રાતે વરદાયિની માનો રથ આખા ગામમાં ફરે છે, આ રથને પલ્લી કહે છે. આ પલ્લીનું ઘણું માહાત્મ્ય છે. એકલા ગુજરાતમાં જ નહિ, વિદેશોમાં પણ રૂપાલની પલ્લી પ્રખ્યાત છે આ દિવસે દેશવિદેશથી લાખ્ખો લોકો પલ્લીનાં દર્શને આવે છે. રૂપાલ એક નાનકડું ગામ છે, પણ આ દિવસે લાખ્ખો લોકોની ભીડને કારણે ગામમાં ક્યાંય પગ મૂકવા જેટલી જગા પણ બાકી રહેતી નથી. ગામને છેડે ૨ થી ૩ કિલોમીટર સુધી વાહનો પાર્ક થયેલાં નજરે પડે છે. વાહન પાર્ક કરીને આ અંતર ચાલીને જ ગામમાં આવવું પડે છે.

પલ્લી, રાત્રે લગભગ ત્રણ વાગે પલ્લીવાળા વાસમાંથી નીકળે છે અને ગામના બધા રસ્તાઓ અને ચોરે ચૌટે ફરીને સવારે લગભગ સાતેક વાગે માતાના મંદિરે પહોંચે છે.  લોકો પલ્લીનાં દર્શન માટે, પલ્લી જે રસ્તેથી પસાર થવાની હોય ત્યાં રસ્તાની બંને બાજુએ તથા ચોક વિસ્તારમાં અગાઉથી ગોઠવાઈને ઉભા રહી જાય છે. ઘણા લોકો આજુબાજુના મકાનના કઠેડાઓ અને ધાબા પર પણ ગોઠવાઈ જાય છે. બધાને પલ્લીનાં નજીકથી દર્શન કરવાની તાલાવેલી હોય છે. દૂર દૂરથી આવેલા લોકો પલ્લીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. પલ્લી એ ભાવિકોની પરિપૂર્ણ થયેલી માનતા અને ઘીનો ઉત્સવ છે. ગામના ૨૭ ચોકમાં પલ્લી, ઘીના અભિષેક માટે ઉભી રહે છે. સુખ અને સમૃદ્ધિ માટે માતાની માનતા રાખનારા ભક્તો માનતાનું ઘી લઈને આવે છે અને પલ્લી પર ચડાવે છે. લોકો માની પલ્લી પર ફૂલો અને શ્રીફળના હાર પણ ચડાવે છે અને ચોખા તથા કંકુથી માને વધાવે છે. પલ્લીરથ મંદિરમાં પહોંચતાં જ માની મૂર્તિ ખૂબ જ સુંદર, ભાવવિભોર, આનંદી અને જાણે હમણાં જ હસી ઉઠશે એવી મનોહર દેખાય છે. પછી ત્યાં આરતી થાય છે, ગરબા ગવાય છે અને ભક્તો પ્રસાદ લઈને વિખૂટા પડે છે.

વરદાયિની માતાના ઈતિહાસની થોડી વાત કરીએ.

શરણાગત દાનાર્ત પરિત્રાણ પરાયણે |

સર્વ સ્યાતે હરે દેવી વરદાયિની નમો સ્તુતે ||

આ શ્લોકમાં વરદાયિની માતાની સ્તુતિ કરવામાં આવી છે. આપણા પુરાણોમાં મા વરદાયિનીનો ઉલ્લેખ છે. ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો સંહાર કરવા વરદાયિની માતાની આરાધના કરી શસ્ત્રોનું વરદાન મેળવ્યું હતું. ભગવાન રામે પણ રાવણનો સંહાર કરવા મા વરદાયિની પાસેથી વરદાન મેળવી શસ્ત્રો મેળવ્યાં હતાં. પાંડવોએ ગુપ્તવાસમાં જતા પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે મા વરદાયિનીને પ્રાર્થના કરી હતી. એ વખતે અહીં ખીજડાના ઝાડ નીચે માનું સ્થાનક હતું. પછી અહીં રૂપાલ ગામ વસ્યું. પાંડવો, વિરાટનગર કે એટલે આજના ધોળકામાં પોતાનો ગુપ્તવાસ પૂરો કરી ફરી માના સ્થાનકે પાછા ફર્યા હતા અને ખીજડાના ઝાડમાં છૂપાવેલાં શસ્ત્ર પાછાં મેળવી, માના આશિર્વાદ લીધા હતા. તથા ત્યાં યજ્ઞ કરી પાંચ દીવાની જ્યોતવાળી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ, પલ્લીનો પ્રારંભ પાંડવોએ કર્યો હતો પણ પછી સોનાની પલ્લીની જગાએ, માને ખીજડાનાં ઝાડ પસંદ હોવાને કારણે, ખીજડાના વૃક્ષમાંથી પલ્લી બનાવવાનો રીવાજ ચાલુ થયો. સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવવા માટે પણ માના આશિર્વાદ લીધા હતા. માળવા જતાં રસ્તામાં રૂપાલમાં સિદ્ધરાજે યજ્ઞ કરી, માતાજીની પંચધાતુની સુંદર મૂર્તિ બનાવી, મંદિરમાં સ્થાપના કરી હતી અને એ મૂર્તિની જાળવણીની જવાબદારી ચાવડા રજપૂતોને સોંપી હતી. આજે પણ રૂપાલના ચાવડા રજપૂતો માની પલ્લીની ઉઘાડી તલવારો સાથે, પલ્લીની સન્મુખ પાછા પગે ચાલતા રહીને, પલ્લીની રક્ષા કરે છે.

માતાજીની પલ્લી તૈયાર કરવા માટે ગામમાં વસતા અઢારે આલમના લોકોને સેવા કરવાની તક આપવામાં આવે છે. હરિજન ભાઈઓ પલ્લી માટે ખીજડાનું વૃક્ષ કાપી લાવે છે. તેમાંથી ગુર્જર સુથારભાઈઓ પલ્લીનો રથ ઘડીને તૈયાર કરે છે. પછી, વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથની ચારે બાજુ બાંધી રથ શણગારે છે. પછી તેને પલ્લીવાળા વાસમાં જ્યાં માનો ગોખ અને છબી છે, ત્યાં મૂકવામાં આવે છે. ત્યાર બાદ કુંભાર પલ્લી પર, ઘી ચડાવવા માટે માટીનાં પાંચ કુંડાં તૈયાર કરી જાય છે. જ્યોત માટે પીંજારો કપાસ પૂરી જાય છે. પંચાલભાઈઓ ખીલા આપે છે અને માળી માતાજીને ફૂલહારથી શણગારે છે. આમ, માની સુંદર પલ્લી આગલી સાંજે તૈયાર થાય છે. માની પલ્લી પર પાંડવોના પ્રતિક સમી જ્યોત ઝળહળે છે. માતાજીનો પ્રસાદ બ્રાહ્મણો રાંધે છે.

અમને ઘણાં વર્ષોથી પલ્લીનાં દર્શન કરવાની ઈચ્છા હતી. છેવટે આ વર્ષે તો આસો સુદ ૯ ની રાતે અમે અમદાવાદથી નીકળી પડ્યા. સવારે ૪ વાગે ગાડી લઈને નીકળ્યા અને ઉવારસદ તથા અન્ય ગામડાઓમાં થઇને, ૨૮ કિલોમીટરનું અંતર કાપીને, ૫ વાગે રૂપાલ પહોંચ્યા. કેટલાય લોકો પલ્લીનાં દર્શન કરીને પાછા વળી રહ્યા હતા, તે બધા અમને સામે મળ્યા. રૂપાલ ગામથી ૨ કિમી દૂર પાર્કિંગની જગા મળી. ગાડી પાર્ક કરીને, પૂછી પૂછીને પલ્લી ક્યાંથી નીકળે છે, તે શોધી કાઢ્યું. અહીં તો માનવ મહેરામણ ઉમટ્યો હતો ! ચાલવાની પણ જગ્યા ન હતી. પલ્લી નીકળી ચૂકી હતી. રસ્તા પર બધે ઘી ઢોળાયેલું હતું.

પલ્લી ગામમાં ફરી રહી હતી. પોલીસ વ્યવસ્થા પણ ઘણી સરસ હતી. પલ્લી ક્યાં જોવા મળશે, તેની માહિતી મેળવીને, રસ્તાના એક ત્રિભેટે, ચોક આગળ માણસોના સમૂહ વચ્ચે અમે ઉભા રહી ગયા. થોડી વારમાં, પાછા પગે ચાલતા, ઉઘાડી તલવારવાળા રક્ષકો સહિત પલ્લી અહીં આવી પહોંચી. પલ્લીનાં દર્શનથી મન પ્રફુલ્લિત થઇ ગયું. જે માતાજીની પલ્લીનાં દર્શનની વર્ષોથી ઉત્કંઠા હતી, તે સંતોષાતાં મનમાં આનંદની લાગણી ઉભરાઇ આવી. મનમાં એક પ્રકારની શાંતિ સ્થપાઈ ગઈ. કદાચ માતાજીની કૃપાનો જ આ પ્રતાપ હશે. પલ્લીને લોકો ખેંચતા હતા.પલ્લી પર જ્યોત પ્રગટાવેલ હતી. અમે ટોળામાં ઘૂસી જઈને, પલ્લીની સાવ નજીક જઈને ફોટા પાડી લીધા. ઘણા લોકો મોબાઈલથી ફોટા ખેંચતા હતા. માતાજીનાં દર્શન થતાં અમને ગરબો યાદ આવી ગયો, “મા તારી પલ્લી ઝાકમઝોળ, ઉડે રે ઘીની છોળ….”

હવે થોડી વાત કરીએ માતાજીને ઘી ચડાવવા વિષે. પલ્લી પર ઘી ચડાવવાનો ખૂબ મહિમા છે. પલ્લીની સાથે ટ્રકોમાં, તપેલાં અને કોઠીઓ ભરીને ઘી રાખેલું હોય છે એ ઘી પલ્લી પર ચડાવાતું જાય, એ ઉપરાંત પણ, લોકો માનતા માનેલું જે ઘી લાવ્યા હોય તે, ચાલુ પલ્લીએ, પલ્લી પર ચડાવતા જાય. અમારી સામે ચોકમાં પલ્લી થોડી વાર માટે ઉભી રહી તે દરમ્યાન ઘણા ભક્તો પલ્લી પર ચડી ગયા, લોકોએ આપેલાં  ઘીનાં તપેલાં તેમણે પલ્લી પર ચડાવ્યાં અને પોતાના શરીર પર પણ ઢોળ્યાં. ઘણા લોકોએ બાળકોને માતાજીને પગે લગાડ્યાં. પલ્લીના આખા માર્ગે થઈને હજારો મણ ઘી પલ્લી પર ચડે છે. આ બધું ઘી છેવટે તો રસ્તા પર જ ઢોળાય છે. રસ્તા પર તો ઘીની નદી વહેતી હોય એવું લાગે. રસ્તા પર ધૂળ હોય એટલે આ ઘી ધૂળમાં રગદોળાય, એટલે તે કાદવ અને પેસ્ટ જેવું લાગે. માણસો એમાં ઉભા હોય અને ચાલતા હોય એટલે તે વધુ ગંદુ થાય. માણસોના ચંપલ ઘીમાં લથપથ થઇ જાય. અમુક લોકો તો આ ઢોળાયેલું ઘી ખોબા ભરીને, તપેલાં અને ડોલોમાં ભેગું કરીને પોતાને ઘેર લઇ જાય છે અને તેને સાફ કરીને તેનો ખાવામાં પણ ઉપયોગ કરે છે !

અમે આ બધું જોયું. પલ્લીનો મહિમા જોયો. લોકોની ભક્તિ અને શ્રદ્ધા જોયાં. આ વખતે લગભગ ૬ લાખ લોકો પલ્લીનાં દર્શને આવ્યા હતા ! છેલ્લે અમે ચાલીને અમારી ગાડી સુધી પહોંચ્યા અને એ જ રસ્તે અમદાવાદ પાછા વળ્યા. પલ્લી જોવાની મનોકામના પૂરી થઇ. વરદાયિની માતા બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે એવી આશા રાખીએ.

2_827B_Pic-09

6_825B_Pic-07

DSCF5840

DSCF5847

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. Deepak.R.Shah.
    ઓક્ટોબર 15, 2013 @ 08:56:24

    Rupal Ni Palli remained very interesting..it gave us lots of anxiety and interest.
    I can’t imagine faith of the people..It happens only in INDIA !

    જવાબ આપો

  2. vkvora Atheist Rationalist
    ઓક્ટોબર 21, 2013 @ 10:47:29

    ઘી એ પ્રણીજ ખોરાક કહેવાય. ગાય કે ભેંસ પોતાના બચ્ચા માટે દુધ શરીરમાં ઉત્પન્ન કરે છે અને લુચ્ચુ માનવ પ્રાણી ઠગાઈ કરી ધાવણા બચ્ચાનું દુધ છીનવી લે છે. આ છીનવેલા દુધમાંથી ઘી બનાવી માતાજીને ચડાવીએ એ માતાજી ને કલ્પે?

    જવાબ આપો

Leave a reply to vkvora Atheist Rationalist જવાબ રદ કરો