માયસોરનો મહેલ (માયસોર પેલેસ)

                                    માયસોરનો મહેલ (માયસોર પેલેસ)

માયસોર પેલેસ એ માયસોરના વડીયાર રાજાઓનો મહેલ છે. આ મહેલ એટલો ભવ્ય અને કલાત્મક છે કે  ભારતના શ્રેષ્ઠ મહેલોમાં તેને અગ્રસ્થાને મૂકી શકાય. આ મહેલ તાજમહાલ પછીનું ભારતનું બીજા નંબરનું અગત્યનું ટુરિસ્ટ આકર્ષણ છે. દર વર્ષે ૬૦ લાખથી વધુ લોકો આ મહેલ જોવા આવે છે. તમે આ મહેલ જોયો હશે, ન જોયો હોય અને તાત્કાલિક જોવો હોય તો ‘મહેબૂબા’ ફિલ્મનું લતા મંગેશકરે ગયેલું ગીત ‘મેરે નયના સાવન ભાદો’ જોઈ જજો, એમાં આ મહેલના થોડા અંશો જોવા મળી જશે.

વડીયાર રાજાઓએ માયસોરમાં ઈ.સ. ૧૩૯૯ થી ૧૯૫૦ સુધી રાજ કર્યું. વચમાં, ૧૭૬૧ થી ૧૭૯૯ સુધી રાજનો વહીવટ સેનાપતિ હૈદર અલી અને પછી તેના પુત્ર ટીપુ સુલતાનના હાથમાં રહ્યો હતો. ટીપુ સુલતાને પાટનગર, માયસોરથી ૧૫ કી.મી. દૂર આવેલા શ્રીરંગપટનામાં રાખ્યું હતું. ટીપુ સુલતાન, ૧૭૯૯માં અંગ્રેજોના હાથે મરાયા પછી વડીયાર રાજાઓએ પાટનગર પાછું માયસોરમાં લાવી દીધું. જો કે હવે સત્તા તો અંગ્રેજોના હાથમાં જ આવી ગઈ હતી.

૧૭૯૯ થી ૧૮૬૮ સુધી કૃષ્ણરાજ વડીયાર માયસોરમાં રાજા હતા. તેમણે શિક્ષણ અને ધાર્મિક સ્થળો વિકસાવવામાં સારું એવું ધ્યાન આપ્યું. ત્યાર બાદ ૧૮૯૫ સુધી ચામરાજ વડીયાર નવમાએ ગાદી સંભાળી. ૧૮૯૫થી ૧૯૪૦ સુધી કૃષ્ણરાજ વડીયાર ચોથાનું રાજ હતું. આ મહારાજાએ જૂના મહેલને તોડીને નવો મહેલ બનાવડાવ્યો, એ જ માયસોર પેલેસ તરીકે પ્રખ્યાત થયો. મહેલનું બાંધકામ ૧૮૯૭માં શરુ થયું અને ૧૯૧૨માં પૂરું થયું. તેમણે તથા તેમનાં મમ્મી મહારાણી વાણીવિલાસ સંનીધ્નાએ બ્રિટીશ આર્કિટેક્ટ હેનરી ઈરવીનને મહેલ બાંધવાનું કામ સોંપ્યું હતું. બાંધકામ ચાલ્યું તે દરમ્યાન મહારાજા જગનમોહન પેલેસમાં રહ્યા હતા. તે વખતે આ મહેલ બાંધવાનો ખર્ચ 42 લાખ રૂપિયા થયો હતો. આજના હિસાબે તો તેની કિંમત અબજો રૂપિયા થાય.

કૃષ્ણરાજ વડીયાર ચોથા બહુ જ પ્રગતિશીલ રાજા હતા. તેમણે સર દિવાન વિશ્વેશરૈયા અને મિરજા ઈસ્માઈલની મદદથી એશિયાનો પહેલો હાયડ્રો પ્રોજેક્ટ કાવેરી નદી પર શીવસમુદ્રમ આગળ શરુ કર્યો હતો. ૧૯૪૦ થી ૧૯૫૦ સુધી જયચામરાજ વડીયાર છેલ્લા રાજા હતા. મહેલમાં તેમણે પણ થોડા ફેરફાર કર્યા. ૧૯૫૦માં તેમણે માયસોર રાજ્યને ભારત દેશમાં ભેળવી દેવાનું સ્વીકાર્યું. હાલ યદુવીર વડીયાર મહારાજા છે.

માયસોર પેલેસમાં હિંદુ, મુસ્લિમ, રાજપૂત અને ગોથીક સ્ટાઈલનું મિશ્રણ છે. ત્રણ માળનો આ મહેલ ગ્રેનાઈટના પત્થરોનો બનેલો છે. ઉપર ચોરસ આકારના આરસના ઘણા ટાવર છે, દરેક ટાવર પર ઘુમ્મટ છે. મુખ્ય ટાવર ૫ માળનો અને ૧૪૫ ફૂટ ઉંચો  છે. મહેલની ચારે બાજુ બગીચા અને વિશાળ કંપાઉંડ છે. મુખ્ય પ્રવેશદ્વાર ખૂબ જ ભવ્ય છે, તેના પર રાજ્યનું સુત્ર ‘ન બિભેતિ કદાચન’ (ક્યારેય ડરવું નહિ) સંસ્કૃતમાં લખેલું છે.

મહેલમાં બે દરબાર હોલ છે, દરબાર હોલનાં ચાંદીનાં બારણાં, સુશોભિત છત, સફેદ આરસની ફર્શ,  કલાત્મક થાંભલાઓ અને ઝુમ્મરો દર્શકોને અભિભૂત કરી દે છે. મહેલમાં ભવ્ય રૂમો, બારણાં, મોટી પરસાળો, ગેલેરીઓ, કલાત્મક થાંભલાઓ અને કમાનો છે. વચ્ચેની મુખ્ય કમાન પર ગજલક્ષ્મી અને હાથીનું શિલ્પ છે, એ સંપત્તિ, સમૃદ્ધિ અને ભાગ્યની દેવી છે. ખુલ્લી ગેલેરીઓ કમાનોથી શોભે છે. મહેલ, કલાનો અદભૂત નમૂનો છે. તે એક મ્યુઝીયમ જેવો છે, એમાં વડીયાર રાજાઓનાં ચિત્રો, આભૂષણો, પહેરવેશ, સંગીતનાં સાધનો વગેરેનો સંગ્રહ છે. કાચ પરની મીનાકારી અને અરીસાઓ ઘણા છે.

મહેલમાં એક કલ્યાણ મંડપ એટલે કે મેરેજ હોલ છે, તે વિશાળ અષ્ટકોણીય પેવેલિયન છે. બહુ જ સરસ રીતે શણગારેલો છે. રંગીન મોરવળી ટાઈલ્સ, દિવાલો પર રોયલ સરઘસ તથા દશેરા વગેરેનાં ચિત્રો છે. મહેલના પ્રવેશ આગળ દેશી તથા વિદેશી ઢીંગલીઓનો સંગ્રહ છે, તેને ડોલ પેવેલિયન કહે છે. મહેલમાં શસ્ત્રાગાર છે, જ્યાં રાજાએ વાપરેલાં શસ્ત્રો રાખવામાં આવેલ છે.

મહેલના અંબા વિલાસ હોલમાં રાજા ખાસ માણસોને મળવાનું રાખતા. દીવાને આમ નામના હોલમાં પબ્લીક રાજાને મળે અને પોતાની તકલીફો જણાવે એવી વ્યવસ્થા હતી.

મહેલને ત્રણ પ્રવેશદ્વાર છે. પૂર્વનો મુખ્ય દરવાજો દશેરાના દિવસે અને અગત્યના મહેમાનો આવવાના હોય ત્યારે ખોલાય છે. દક્ષિણનો દરવાજો પબ્લીક માટે છે, પશ્ચિમ દરવાજો દશેરા વખતે ખુલે છે. ભોંયરામાં બીજા ભૂગર્ભ માર્ગો છે, જે શ્રીરંગપટના અને બીજે જાય છે.

મહેલ જૂના કિલ્લામાં છે. કિલ્લામાં બાર મંદિરો છે, સોમેશ્વર મંદિર, લક્ષ્મીરમણા મંદિર, શ્વેત વરાહસ્વામી મંદિર વગેરે. મહારાજા ચામુન્ડી માતાના ભક્ત હતા, તેથી મહેલનો આગળનો ભાગ ચામુન્ડી હીલ તરફ રાખેલો છે.

અહીં દશેરાનો તહેવાર ખાસ અગત્યનો છે. દેવી દુર્ગાએ મહિષાસુર પર વિજય મેળવેલો તેની યાદમાં આ ઉત્સવ ઉજવાય છે. આ તહેવાર ‘સારાનો ખરાબ પર વિજય’ના પ્રતિક તરીકેનો ગણાય છે. મહેલના કંપાઉંડમાં સ્ટેજ પર જાણીતા કલાકારો પોતાની કલા દર્શાવે છે. દશેરાના દિવસે શણગારેલા હાથી સાથે પરેડ નીકળે છે. વડીયારો આ ઉત્સવ શ્રીરંગપટનામાં ૧૬૧૦થી અને માયસોરમાં ૧૭૯૯થી ઉજવતા આવ્યા છે. મહેલના આગળના ભાગ પર એક લાખ બલ્બ લગાડવામાં આવ્યા છે. દશેરાના ઉત્સવ વખતે આ બલ્બો ચાલુ રખાય છે.

પેલેસ રેલ્વે સ્ટેશનથી અને બસ સ્ટેન્ડથી ૧૦ મિનીટના અંતરે છે, માયસોરના એરપોર્ટથી તે ૪ માઈલ દૂર છે. બલ્બોની રોશની દર રવિવારે અને જાહેર રજાના દિવસોએ સાંજે ૭ થી ૭-૪૫ દરમ્યાન કરવામાં આવે છે. બાકીના દિવસોએ આ સમયે લાઈટ એન્ડ મ્યુઝીક શો હોય છે. મહેલ જોવાનો સમય સવારના ૧0 થી સાંજના ૫ સુધી છે. ટીકીટ ૪૦ રૂપિયાની છે. મહેલનો જૂનો કિલ્લો જોવાનું મફત છે. મહેલનો થોડોક ભાગ કુંવરી પ્રમોદાદેવી વડીયારના કબજામાં છે.

માયસોર મહેલોનું શહેર કહેવાય છે. અહીં બધું મળીને સાત મહેલ છે. તેમાં માયસોર પેલેસ ખાસ છે. બાકીના છ મહેલો આ પ્રમાણે છે. (૧) જગનમોહન પેલેસ, હાલ આર્ટ ગેલેરી છે. (૨) જય લક્ષ્મી વિલાસ મેન્સનમાં હાલ જીલ્લા કમિશનરની ઓફિસ છે. (૩) ચામુન્ડી હીલ પરના  રાજેન્દ્ર વિલાસ મેન્સનમાં પ્રાઇવેટ હોટેલ છે. (૪) લલિતા મહલ ફાઈવ સ્ટાર હોટેલ છે. (૫) લક્ષ્મી વિલાસ મેન્સનમાં સેન્ટ્રલ ફુડ ટેકનોલોજી રીસર્ચ સંસ્થા છે. (૬) કૃષ્ણરાજેન્દ્ર વિલાસ પેલેસમાં હોસ્પિટલ છે.

નોંધ: અમે માયસોરનો મહેલ ૧૯૮૬ માં જોયો હતો. અહીં મૂકેલા ફોટા ગુગલ પરથી લીધા છે.

1_Mysore_Palace

2_Mysore palace illuminated

3_Mysore Palace gate

4a_Gallery

5_Roof design

KPN photo

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: