માયાદેવી મંદિર અને ધોધ

ગુજરાતનો ડાંગ જીલ્લો કુદરતી સૌન્દર્યથી ભરપુર છે. અહીં ગીરા, ગીરામલ, ક્રેબ, ચીમેર જેવા કેટલા યે નાનામોટા ધોધ છે, પૂર્ણા, અંબિકા જેવી ખડખડ વહેતી નદીઓ છે, જંગલો, ટેકરીઓ, ઉંચાનીચા રસ્તા, ઝરણાં, કુદરતને ખોળે વસતા લોકો – એમ ઘણું બધું છે. સર્વત્ર પથરાયેલી હરિયાળી અને વાદળોથી વીંટળાયેલી ટેકરીઓ જોવાનો લ્હાવો અદભૂત છે. ચોમાસામાં કુદરતી સૌન્દર્યનો નઝારો માણવો હોય તો ડાંગ પહોંચી જવું જોઈએ.અહીં મારા આ બ્લોગમાં ડાંગનાં જોવાલાયક સ્થળોનું એક પછી એક વર્ણન કરવાની ઈચ્છા છે. આજે માયાદેવી મંદિર અને ધોધથી શરૂઆત કરીએ.                    

                                    માયાદેવી મંદિર અને ધોધ

ડાંગમાં પેઠા પછી સૌથી પહેલો ધોધ માયાદેવીના મંદિર આગળ આવે છે. માયાદેવી જવા માટે સૌથી પહેલાં વ્યારા જવાનું. ભરૂચથી અંકલેશ્વર, વાલિયા, ઝંખવાવ અને માંડવી થઈને વ્યારાનું અંતર 110 કી.મી. છે. વ્યારા મોટું નગર છે. વ્યારાથી ભેંસકાતરી ગામ જવાનું. ગામ કંઇ મોટું નથી. ઝૂંપડા જેવાં માત્ર દસ બાર ઘરો જ છે. અહીં ખડખડ વહેતી પૂર્ણા નદી જોવા જેવી છે. વ્યારાથી ભેંસકાતરીનું અંતર 25 કી.મી. છે. ભેંસકાતરીથી માયાદેવી માત્ર ત્રણેક કી.મી. ના અંતરે છે. પ્રવેશ આગળ, ‘સુસ્વાગતમ, માયાદેવી મંદિર’ નું કલરફૂલ બોર્ડ મારેલું છે. બોર્ડથી એક કી.મી. ગયા પછી, રામેશ્વર મહાદેવ નામનું શીવમંદિર આવે છે. બાજુમાં હનુમાન મંદિર છે. મંદિર આગળ બગીચો છે. બાળકોને રમવા માટે હીંચકા, લપસણી વગેરે છે. એક દુકાન છે, ત્યાં ચા-નાસ્તો મળે છે. બહુ જ સરસ જગા છે. અહીં બીજી કોઈ વસ્તી નથી. મંદિર આગળ બેઘડી આરામ ફરમાવવાનું મન થઇ જાય એવું છે. માયાદેવીની ઉત્પત્તિ કેવી રીતે થઇ તેનો ઈતિહાસ દર્શાવતું અહીં બોર્ડ મારેલું છે.

અહીં ખાસ જોવા જેવી વસ્તુ તો મંદિરની પાછળ પૂર્ણા નદી, તેના પર બાંધેલો ચેકડેમ અને ધોધરૂપે ખીણમાં પડતું પાણી છે. મંદિરમાં દર્શન કરીને પાછળ જાવ એટલે આ નજારો નજરે પડે છે. વાહ ! શું સરસ દ્રશ્ય છે ! અહીં ચેકડેમ પરથી છલકાઈને ખડકો પર પડતું પાણી જે પ્રવાહ પેદા કરે છે, તે જોવા જેવો છે. ધસમસતું આ પાણી ખીણમાં ધોધરૂપે પડીને આગળ વહે છે. એ જબલપુર પાસેના ધુંઆધાર ધોધની યાદ અપાવી જાય છે. ચેકડેમ ઉપર ભરાયેલું સરોવર પણ ભવ્ય લાગે છે. થોડાં પગથિયાં ઉતરી ખીણ આગળ જવાય છે. ખીણની એક ધારે ભગવા કલરની એક નાની દેરી છે. બોર્ડમાં લખેલા ઈતિહાસ મૂજબ, હિમાલયની પુત્રી દેવી, રાક્ષસ પાછળ પડતાં, અહીં પૂર્ણાની ખીણમાં સંતાઈ ગઈ હતી. માબાપે તેને શોધીને શીવજી સાથે પરણાવી અને રાક્ષસને માયા છોડવા જણાવ્યું. આથી આ સ્થળ માયાદેવી કહેવાય છે.

ખીણની આજુબાજુ ખડકો પર થઈને ચેકડેમની સાવ નજીક જવાય છે. મંદિરની પાછળ એક ઢાળ ઉતરીને પણ ચેકડેમની નજીક જવાય છે. ચેકડેમ બિલકુલ નજીકથી જોતાં ખૂબ જ ભવ્ય લાગે છે.  ખડકો પર અથડાતા અફળાતા પાણીનો જોરદાર અવાજ અને ખીણમાં ધોધરૂપે પડતા પાણીનું દ્રશ્ય અદભૂત છે. પાણીની નજીક જવાય પણ તેમાં પગ બોળાય કે ઉતરાય એવું નથી. જો ઉતરો તો ગયા જ સમજો. પાણીનો સખત પ્રવાહ અને ખીણમાં પડતું પાણી – તમને કોઈ જ બચાવવા ના આવી શકે. અહીં ખડકો પર બેસો, ફરો, ફોટા પાડો, બસ મજા કરો.

આ ધોધ જરૂર જોવા જેવો છે. વરસાદની ઋતુમાં અને પછી પણ નવેમ્બર સુધી ધોધમાં પાણી હોય છે. પછી  ચેકડેમમાં પાણી ઓછું થઇ જાય કે ના હોય ત્યારે ધોધ જોવાની મજા ના આવે. મંદિર આગળની દુકાનમાં નાસ્તો મળે છે. ત્યાં બેઘડી બેસીને આરામ કરાય એવું છે. ક્યારે જાઓ છો માયાદેવી? ત્યાં જાવ, મનમાં એક સરસ સ્થળ જોયાનો આનંદ થશે.

1_IMG_5865

1z_IMG_20150815_1756571z2_IMG_20150815_180453

1z3_IMG_20150815_180133

1a_DSC_3571 - Copy

1d_DSC_3578

1kk_IMG_20150815_172843_HDR

1l_DSC_3618

1llIMG_20150815_173536_HDR

1n_IMG_20150815_173930_HDR

1s_IMG_20150815_173846_HDR

 

 

1 ટીકા (+add yours?)

  1. અમિત પટેલ
    માર્ચ 20, 2017 @ 15:26:59

    ખુબ સરસ સચિત્ર વર્ણન.

    જવાબ આપો

Leave a comment